ગુજરાતમાં પાટીદાર નેતાઓ વચ્ચે સોશિયલ મીડિયામાં શાબ્દિક જંગ: હાર્દિક, અલ્પેશ અને વરુણની પોસ્ટથી રાજકીય ગરમાવો

ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણી નજીક આવતાં પાટીદાર સમાજના નેતૃત્વ અને રાજકીય પ્રતિનિધિત્વને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે. પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા જાણીતા નેતાઓ હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા અને વરુણ પટેલની સોશિયલ મીડિયા પોસ્ટ્સે રાજકીય વર્તુળોમાં અટકળો તેજ કરી છે. એકબીજાના નામ લીધા વિના કરવામાં આવેલી આ પોસ્ટ્સમાં મૌન, સ્વાભિમાન અને મોટા રાજકીય પરિવર્તનના સંકેતો આપવામાં આવ્યા છે.
વરુણ પટેલની પોસ્ટથી ચર્ચા તેજ
પાટીદાર અનામત આંદોલનના જાણીતા ચહેરા વરુણ પટેલે ફેસબુક પર આક્રમક સંદેશ લખ્યો હતો. તેમણે પોસ્ટમાં જણાવ્યું હતું કે નાની ચિનગારી સળગી છે અને કેટલાક લોકોમાં હલચલ શરૂ થઈ ગઈ છે. સમય આવતાં તમામના રસ્તા બંધ કરી દેવાની વાત કરતાં તેમણે મોટા રાજકીય પરિવર્તનના સંકેત આપ્યા હતા. વરુણ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આશરે 18 મહિના પહેલાં પાટીદાર આંદોલનકારીઓ દ્વારા યોજાયેલા ચિંતન શિબિરમાં એકત્ર થયેલા યુવા નેતાઓ આજે પણ એકજૂથ છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે હાર્દિક પટેલ આ બેઠકમાં હાજર નહોતા. હાર્દિક ધારાસભ્ય તરીકે પોતાના મતવિસ્તારમાં કામ કરી રહ્યા છે અને તેમની કાર્યપદ્ધતિ અલગ છે. વરુણના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં ગુજરાતમાં સામાજિક અને રાજકીય ક્રાંતિની શરૂઆત થવાની છે. તેમની પોસ્ટ પણ આ જ મોટા ઘટનાક્રમ સાથે જોડાયેલી છે.
હાર્દિકની પોસ્ટ બાદ અલ્પેશ અને ધાર્મિક પણ સક્રિય
આ સમગ્ર ઘટનાક્રમની શરૂઆત 25 નવેમ્બરે હાર્દિક પટેલની સોશિયલ મીડિયા પોસ્ટથી થઈ હોવાનું માનવામાં આવે છે. વિરમગામના ધારાસભ્ય હાર્દિકે તમિલ અભિનેતા અને રાજકારણી વિજય થલપતિના ગીત સાથે પોતાનો ફોટો શેર કર્યો હતો. તેની સાથે તેમણે લખ્યું હતું કે, 'મારા મૌનને નબળાઈ ન સમજતા, દરેક જવાબ શબ્દોમાં આપવો જરૂરી નથી.' હાર્દિકની આ પોસ્ટ બાદ પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના તેમના પૂર્વ સાથી અલ્પેશ કથીરિયાએ પણ જૂનો ફોટો શેર કર્યો હતો. તેમણે પણ મૌન, સ્વાભિમાન અને ઇતિહાસ રચવાની ક્ષમતા અંગે સંકેત આપતો સંદેશ લખ્યો હતો. ધાર્મિક માલવિયાએ પણ જૂના ફોટા સાથે એક સંકેતાત્મક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટ્સને કારણે પાટીદાર યુવાનો અને રાજકીય નિરીક્ષકોમાં ચર્ચા શરૂ થઈ છે.
દિનેશ બાંભણિયાનો પણ સ્વાભિમાનનો સંદેશ
પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ પણ સોશિયલ મીડિયા પર આક્રમક સંદેશ આપ્યો હતો. તેમણે લખ્યું હતું કે અમારા મૌનને નબળાઈ ન સમજવી અને અમારા સ્વાભિમાન સાથે સમાધાન કરવાનો પ્રયાસ ન કરવો. સમય આવતાં ઇતિહાસ રચવાની તાકાત ધરાવીએ છીએ. બાંભણિયાના જણાવ્યા અનુસાર, અલગ-અલગ રાજકીય પક્ષોમાં રહેલા પાટીદાર નેતાઓ અને યુવાનોમાં એવી લાગણી વધી રહી છે કે સમાજના હિતોને પૂરતું મહત્ત્વ મળતું નથી. તેમણે અનામત આંદોલન વખતે જે રીતે સમાજ એક થયો હતો, તેવી જ રીતે ફરી એકજૂથ થવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. તેમના મતે, સામાજિક અને રાજકીય પ્રતિનિધિત્વ, રોજગાર તથા શિક્ષણ જેવા મુદ્દાઓ પર સમાજે ફરી અવાજ ઉઠાવવો જોઈએ.
2015ના આંદોલનથી અલગ-અલગ રાજકીય પક્ષો સુધીની સફર
વર્ષ 2015ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, વરુણ પટેલ સહિતના યુવા નેતાઓ પ્રભાવશાળી ચહેરા તરીકે ઉભરી આવ્યા હતા. જોકે, ત્યારબાદ આ નેતાઓની રાજકીય સફર અલગ-અલગ દિશામાં આગળ વધી હતી. હાર્દિક પટેલ વર્ષ 2020માં કોંગ્રેસમાં જોડાયા હતા અને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બન્યા હતા. ત્યારબાદ વર્ષ 2022માં ભાજપમાં જોડાયા અને ભાજપે તેમને વિરમગામ બેઠક પરથી ટિકિટ આપી હતી. તેઓ આ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. બીજી તરફ, અલ્પેશ કથીરિયા વર્ષ 2022માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, પરંતુ 2024માં પક્ષ છોડીને ભાજપમાં સામેલ થયા હતા. વર્ષ 2022ની ચૂંટણી વખતે વિરમગામ બેઠક પરથી હાર્દિકની ઉમેદવારીને લઈને ભાજપમાં અન્ય દાવેદારોની નારાજગીની ચર્ચા પણ થઈ હતી.
2027ની ચૂંટણી પહેલાં પાટીદાર નેતૃત્વનો મુદ્દો ફરી ચર્ચામાં
હાલની સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં કોઈ પણ નેતાએ સ્પષ્ટ રીતે કોઈનું નામ લીધું નથી. આથી આ સંદેશાઓ કોના માટે છે અથવા વિરમગામની ટિકિટને લઈને કોઈ આંતરિક ખેંચતાણ ચાલી રહી છે તે અંગે ચોક્કસ નિષ્કર્ષ કાઢી શકાય તેમ નથી. આ ઘટનાક્રમને ભાજપની આંતરિક લડાઈ ગણાવવાના પણ હાલ કોઈ સ્પષ્ટ પુરાવા નથી. જોકે, 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં પાટીદાર સમાજના નેતૃત્વ, રાજકીય પ્રતિનિધિત્વ અને સામાજિક એકતાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. 2015ના અનામત આંદોલન બાદ અલગ-અલગ રાજકીય માર્ગે આગળ વધેલા નેતાઓ હવે ફરી એકજૂથ થવાના સંકેત આપી રહ્યા છે કે કેમ તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.













