વંદે ભારત ટ્રેનોમાં ભોજનનું મેનૂ બદલાયું: હવે 8થી 10ને બદલે મળશે માત્ર 4 આઇટમ, થાળીનું વજન પણ ઘટ્યું

વંદે ભારત ટ્રેનોમાં ભોજનનું મેનૂ બદલાયું: હવે 8થી 10ને બદલે મળશે માત્ર 4 આઇટમ, થાળીનું વજન પણ ઘટ્યું
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

વંદે ભારત ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોને હવે ભોજનમાં પહેલાં જેટલી વાનગીઓ નહીં મળે. ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા સુધારવાના હેતુથી ફૂડ મેનૂ (Food Menu)માં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ નાસ્તા, બપોરના અને રાત્રિના ભોજનમાં 8થી 10 જેટલી વસ્તુઓ આપવામાં આવતી હતી, જેની જગ્યાએ હવે માત્ર ચાર આઇટમ પીરસવામાં આવશે. આ નવી વ્યવસ્થા 1 નવેમ્બરથી ત્રણ વંદે ભારત સ્લીપર ટ્રેનના રૂટ પર પાયલોટ પ્રોજેક્ટ (Pilot Project) તરીકે શરૂ કરવામાં આવી છે. તેમાં નવી દિલ્હી-વારાણસી, મુંબઈ-બેંગલુરુ અને હાવડા-કામાખ્યા રૂટનો સમાવેશ થાય છે. મુસાફરોના પ્રતિભાવો અને ભોજનની ગુણવત્તાનું મૂલ્યાંકન કર્યા બાદ અન્ય ટ્રેનોમાં પણ આ વ્યવસ્થા લાગુ કરવી કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે.

નાસ્તાથી લઈને ડિનર સુધી મેનૂમાં ફેરફાર

નવા મેનૂ હેઠળ નાસ્તામાંથી સૂપ, ઓમલેટ, ઓમલેટ સેન્ડવિચ, વેજ સેન્ડવિચ, છાશ અને ચોકલેટ જેવી વસ્તુઓ દૂર કરવામાં આવી છે. હવે મુસાફરોને ચટણી-સાંભાર સાથે ઇડલી-વડા, પૌંઆ અથવા ઉપમામાંથી એક વિકલ્પ મળશે. બપોરના અને રાત્રિના ભોજનમાં પણ કેટલીક વાનગીઓ હટાવવામાં આવી છે. અગાઉ મળતી સૂકી શાકભાજી, દહીં, સલાડ, અથાણું અને મીઠાઈ હવે ભોજનનો ભાગ નહીં હોય. નવા મેનૂમાં રોટલી, ભાત, દાળ અને એક મુખ્ય શાકનો સમાવેશ કરવામાં આવ્યો છે. નોન-વેજ ભોજન પસંદ કરનારા મુસાફરો માટે ચિકનનો વિકલ્પ પણ રહેશે.

જાહેરાત

ભોજનનું વજન 750 ગ્રામથી ઘટીને 500 ગ્રામ

મેનૂમાં ઘટાડાની સાથે ભોજનનું કુલ વજન પણ ઘટ્યું છે. અગાઉ એક મીલનું વજન લગભગ 700થી 750 ગ્રામ હતું, જે હવે 450થી 500 ગ્રામની આસપાસ રહેશે. જોકે, IRCTCના અધિકારીઓના જણાવ્યા અનુસાર, દરેક વાનગીની વ્યક્તિગત માત્રા (Portion Size) પહેલાં જેટલી જ રાખવામાં આવી છે.

ક્લાઉડ કિચન દ્વારા ભોજનની તૈયારી

ભોજનની ગુણવત્તા જાળવવા માટે હવે મોટા ક્લાઉડ કિચન (Cloud Kitchen)ની મદદ લેવામાં આવી રહી છે. હેતુ ઓછા વિકલ્પો સાથે ભોજનની તાજગી, સ્વચ્છતા અને ગુણવત્તા પર વધુ સારી દેખરેખ રાખવાનો છે. IRCTCના જણાવ્યા અનુસાર, નવી વ્યવસ્થા હેઠળ ભોજન સંબંધિત ફરિયાદોમાં આશરે 10 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ફેરફારથી મુસાફરોને મળતી વાનગીઓની વિવિધતા ચોક્કસ ઘટશે, પરંતુ રેલવેને આશા છે કે મર્યાદિત મેનૂથી ભોજનની ગુણવત્તા અને મુસાફરોનો સંતોષ સુધારી શકાશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત