લોકસભાની બેઠકો 543થી વધીને 816 થવાનો પ્રસ્તાવ: ઉત્તર પ્રદેશને સૌથી વધુ 40 બેઠકોનો ફાયદો, ગુજરાતમાં 26થી વધીને 39 થશે

લોકસભાની બેઠકો 543થી વધીને 816 થવાનો પ્રસ્તાવ: ઉત્તર પ્રદેશને સૌથી વધુ 40 બેઠકોનો ફાયદો, ગુજરાતમાં 26થી વધીને 39 થશે
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

દેશમાં લોકસભાની બેઠકોની સંખ્યા વધારીને 543થી 816 કરવાની દિશામાં પરિસીમન (Delimitation)નું નવું માળખું સામે આવ્યું છે. કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે શનિવાર, 28 નવેમ્બરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રાજ્યો પ્રમાણે લોકસભાની બેઠકોના પ્રસ્તાવિત આંકડા જાહેર કર્યા હતા. આ માળખા મુજબ, લોકસભાની બેઠકોમાં આશરે 50 ટકાનો વધારો થઈ શકે છે. તેમાં સૌથી વધુ ફાયદો ઉત્તર પ્રદેશને થવાનો અંદાજ છે, જ્યાં હાલની 80 બેઠકો વધીને 120 થઈ શકે છે. જ્યારે ગુજરાતમાં લોકસભાની બેઠકો 26થી વધીને 39 થવાનો પ્રસ્તાવ છે.

મોટા રાજ્યોમાં કેટલી બેઠકો વધશે?

પ્રસ્તાવિત માળખા મુજબ, મહારાષ્ટ્રમાં લોકસભાની બેઠકો 48થી વધીને 72 અને પશ્ચિમ બંગાળમાં 42થી વધીને 63 થઈ શકે છે. બિહારમાં હાલની 40 બેઠકો વધીને 60 થવાનો અંદાજ છે. મધ્યપ્રદેશમાં 29થી વધીને 43 અને રાજસ્થાનમાં 25થી વધીને 38 બેઠકો થઈ શકે છે. આ ઉપરાંત ઓડિશામાં 21થી વધીને 31, આસામ અને ઝારખંડમાં 14થી વધીને 21, પંજાબમાં 13થી વધીને 20, છત્તીસગઢમાં 11થી વધીને 16 અને હરિયાણામાં 10થી વધીને 15 બેઠકો થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

જાહેરાત

દક્ષિણ ભારતની બેઠકો 129થી વધીને 195 થશે

પરિસીમનના નવા માળખામાં દક્ષિણ ભારતનાં પાંચ રાજ્યોની બેઠકોમાં પણ વધારો સૂચવવામાં આવ્યો છે. હાલમાં આ પાંચ રાજ્યો પાસે લોકસભાની કુલ 129 બેઠકો છે, જે વધીને 195 થઈ શકે છે. જોકે, લોકસભામાં તેમની કુલ હિસ્સેદારી 23.76 ટકાથી વધીને 23.90 ટકા થવાનો અંદાજ છે. તમિલનાડુમાં બેઠકો 39થી વધીને 59, આંધ્રપ્રદેશમાં 25થી વધીને 38 અને તેલંગાણામાં 17થી વધીને 26 થઈ શકે છે. કર્ણાટકમાં 28થી વધીને 42 અને કેરળમાં 20થી વધીને 30 બેઠકો થવાનો પ્રસ્તાવ છે.

નાનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ વધારો

નવા માળખા મુજબ, દિલ્હીમાં લોકસભાની બેઠકો 7થી વધીને 11, ઉત્તરાખંડમાં 5થી વધીને 8, જમ્મુ-કાશ્મીરમાં 5થી વધીને 7 અને હિમાચલ પ્રદેશમાં 4થી વધીને 6 થઈ શકે છે. અરુણાચલ પ્રદેશ, ગોવા, મણિપુર, મેઘાલય અને ત્રિપુરામાં બેઠકો 2થી વધીને 3 થવાનો અંદાજ છે. જ્યારે ચંદીગઢ, મિઝોરમ, નાગાલેન્ડ, પુડુચેરી અને સિક્કિમમાં એકને બદલે બે બેઠકો થઈ શકે છે. બીજી તરફ, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવની બે બેઠકો યથાવત્ રહેવાની છે. આંદામાન-નિકોબાર, લદ્દાખ અને લક્ષદ્વીપમાં અગાઉની જેમ એક-એક બેઠક જ રહેશે.

'દરેક રાજ્યનું પોતાનું મહત્ત્વ છે'

કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે રાજ્યો વચ્ચે બેઠકોનું વર્તમાન પ્રમાણ જાળવી રાખવાના પ્રસ્તાવને આવકાર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, દક્ષિણ હોય કે ઉત્તર, દેશના દરેક રાજ્યનું પોતાનું મહત્ત્વ છે. વિકાસની સાથે કોઈપણ રાજ્યના પ્રતિનિધિત્વનું સંતુલન જળવાઈ રહેવું જરૂરી છે. આ પ્રસ્તાવિત માળખું અમલમાં આવે તો લોકસભાનું રાજકીય અને પ્રાદેશિક પ્રતિનિધિત્વ બદલાઈ શકે છે. જોકે, જાહેર કરાયેલા આંકડા પ્રસ્તાવિત માળખા સાથે સંબંધિત છે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત