પરિસીમન બિલને DMKનું સમર્થન: સ્ટાલિન બોલ્યા- અમારી બંને માગણીઓ સ્વીકારાઈ, આ દક્ષિણ ભારતની જીત

પરિસીમન બિલને DMKનું સમર્થન: સ્ટાલિન બોલ્યા- અમારી બંને માગણીઓ સ્વીકારાઈ, આ દક્ષિણ ભારતની જીત
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

લોકસભાની બેઠકોના પુનર્ગઠન એટલે કે પરિસીમન (Delimitation) બિલને લઈને રાજકીય ગરમાવો વચ્ચે તમિલનાડુના મુખ્ય રાજકીય પક્ષ દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)એ બિલને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીના પ્રમુખ અને તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને જણાવ્યું છે કે નવા બિલમાં તેમની પાર્ટીની બંને મુખ્ય માગણીઓનો લેખિતમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે આ નિર્ણયને 2024થી DMK દ્વારા કરવામાં આવેલા સતત સંઘર્ષની જીત ગણાવી છે. સાથે જ તેને તમિલનાડુ સહિત દક્ષિણ ભારતનાં તમામ રાજ્યોની જીત ગણાવી છે. એમ.કે. સ્ટાલિને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે એપ્રિલમાં જે બે માગણીઓને લઈને DMKએ પરિસીમન બિલનો વિરોધ કર્યો હતો, તે બંને માગણીઓ નવા બિલમાં સામેલ કરવામાં આવી છે. તેમના મતે, આ મુદ્દે લાગણીશીલ થવાને બદલે શાંતિ અને ગંભીરતાથી તમામ પાસાંઓનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. સ્ટાલિને વધુમાં જણાવ્યું હતું કે, જો આ બિલ છોડી દેવામાં આવે તો તેના સંભવિત પરિણામો અંગે પણ વિચારવું જરૂરી છે. તમામ પાસાંઓની વિસ્તૃત સમીક્ષા કર્યા બાદ DMKના સાંસદોની બેઠકમાં વર્તમાન સ્વરૂપમાં બિલને સમર્થન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાર્ટીનું માનવું છે કે આ નિર્ણય વ્યવહારુ અને તેના હિતમાં છે.

તમામ રાજ્યોમાં લોકસભાની બેઠકો 50 ટકા વધારવાની જોગવાઈ

નવા પરિસીમન બિલમાં તમામ રાજ્યોમાં લોકસભાની બેઠકોની સંખ્યામાં 50 ટકા સુધીનો વધારો કરવાની જોગવાઈ કરવામાં આવી હોવાનું સ્ટાલિને જણાવ્યું હતું. આ મુદ્દે રાજકીય પક્ષોએ માત્ર ભાવનાઓના આધારે નહીં, પરંતુ ભવિષ્યમાં થનારી અસરોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો જોઈએ તેમ તેમણે ઉમેર્યું હતું.

જાહેરાત

A. રાજાએ કહ્યું- DMKના વલણમાં કોઈ ફેરફાર નથી

DMKના સાંસદ એ. રાજાએ પણ પાર્ટીના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પરિસીમનના મુદ્દે DMKનું વલણ શરૂઆતથી એકસરખું રહ્યું છે અને તેમાં કોઈ ફેરફાર થયો નથી. બિલને સમર્થન આપવાના નિર્ણયને પગલે ભાજપ સાથે DMKની નિકટતા વધવાની અથવા બંને પક્ષો વચ્ચે ગઠબંધન થવાની શક્યતા અંગે પૂછવામાં આવતાં એ. રાજાએ આવી અટકળોને ફગાવી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, "બિલકુલ નહીં! આવો સવાલ જ ક્યાં ઊભો થાય છે? કોંગ્રેસ મૂંઝવણમાં છે અને અન્ય પક્ષો પણ મૂંઝવણમાં છે. અમે અમારા જૂના વલણ પર જ કાયમ છીએ."

CPIનો બિલ સામે વિરોધ યથાવત્

બીજી તરફ, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (CPI)એ પરિસીમન બિલનો વિરોધ ચાલુ રાખ્યો છે. CPIના સાંસદ પી. સંતોષ કુમારે જણાવ્યું હતું કે તેમની પાર્ટી અગાઉથી જ આ બિલનો વિરોધ કરવાની જાહેરાત કરી ચૂકી છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે CPI મહિલા અનામત (Women's Reservation)નું સમર્થન કરે છે અને તેનો શક્ય તેટલો વહેલો અમલ થાય તેવી ઇચ્છા ધરાવે છે. જોકે, હાલનું પરિસીમન બિલ દેશના હિત માટે નુકસાનકારક હોવાનું પાર્ટી માને છે. આમ, પરિસીમન બિલને લઈને DMK અને CPIએ અલગ-અલગ વલણ અપનાવતાં દક્ષિણ ભારતના રાજકારણમાં ચર્ચા તેજ બની છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત