42 વર્ષની કાનૂની સફર બાદ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એસ.સી. શર્મા નિવૃત્ત થશે: વિદાય સમારોહમાં ભાવુક બન્યા

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા 29 નવેમ્બર, 2026ના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. નિવૃત્તિના એક દિવસ પહેલાં શનિવારે સુપ્રીમ કોર્ટમાં તેમના માનમાં વિશેષ વિદાય સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે 42 વર્ષ લાંબી કાનૂની કારકિર્દીને યાદ કરતાં જસ્ટિસ શર્મા ભાવુક થઈ ગયા હતા. સામાન્ય વકીલ તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર જસ્ટિસ શર્માએ પોતાની સફર, સંઘર્ષ અને ન્યાયાધીશ તરીકેની જવાબદારીઓ અંગે લાગણીસભર વાતો કરી હતી. વિદાય સમારોહમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહના સહિતના ન્યાયાધીશો ઉપસ્થિત રહ્યા હતા. જસ્ટિસ શર્માએ પોતાની સફર અંગે જણાવ્યું હતું કે, જબલપુરની બારે તેમને સ્થાન આપ્યું અને પોતાની ક્ષમતા સાબિત કરવાની તક આપી હતી. જ્યારે ન્યાયાધીશ તરીકેની જવાબદારીએ તેમને કાયદાના શાસન અને ન્યાય પ્રત્યેની પ્રતિબદ્ધતા વધુ મજબૂત કરવાની તક આપી હતી.
પરિવારમાં પ્રથમ વકીલ બન્યા હતા
જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માએ 42 વર્ષ પહેલાં મધ્યપ્રદેશના જબલપુરમાં વકીલાત શરૂ કરી હતી. તેમના પરિવારમાં અગાઉ કોઈ વ્યક્તિ વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલી નહોતી. એટલે કે તેઓ પરિવારની પ્રથમ પેઢીના વકીલ હતા. તેમણે જૂના દિવસોને યાદ કરતાં જણાવ્યું હતું કે, જ્યારે તેમણે વકીલાતની શરૂઆત કરી ત્યારે તેમના મનમાં પણ આજના યુવા વકીલોની જેમ અનેક સપનાં અને આશાઓ હતાં. માતા-પિતા પાસેથી મળેલા સંસ્કાર, મહેનત કરવાની ભાવના અને પરિશ્રમ ક્યારેય વ્યર્થ જતો નથી તેવો વિશ્વાસ તેમની સૌથી મોટી તાકાત રહ્યા હતા. તેમણે એક રસપ્રદ વાત પણ જણાવી હતી કે વિદાય સમારોહ માટે રચાયેલી વિશેષ બેન્ચના ચારેય ન્યાયાધીશો પોતાની કારકિર્દીની શરૂઆતમાં પ્રથમ પેઢીના વકીલ રહ્યા હતા. તેમણે આને માત્ર એક સંયોગ ગણાવ્યો હતો.
સીનિયર એડવોકેટ બનવું ખાસ અનુભવ રહ્યો
જસ્ટિસ શર્માએ પોતાની કારકિર્દીના યાદગાર પ્રસંગોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા તેમને સીનિયર એડવોકેટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા તે તેમના માટે અત્યંત ખાસ ક્ષણ હતી. જબલપુરની બારે તેમને ઓળખ અને આગળ વધવાની તક આપી હતી. ત્યારબાદ ન્યાયાધીશ બન્યા પછી ન્યાય અને બંધારણીય મૂલ્યો પ્રત્યેની જવાબદારી વધુ મજબૂત બની હતી. સુપ્રીમ કોર્ટ સુધી પહોંચવું તેમના જીવનનું સૌથી મોટું સન્માન હોવાનું તેમણે જણાવ્યું હતું. આ સાથે તેમણે સાથી ન્યાયાધીશો, વકીલો, કોર્ટના રજિસ્ટ્રી સ્ટાફ અને પરિવારજનોનો આભાર માન્યો હતો.
CJI સૂર્યકાંતે અનુભવ અને હાસ્યભાવના વખાણ્યાં
વિદાય સમારોહ દરમિયાન CJI સૂર્યકાંતે જસ્ટિસ શર્માની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, કોઈ ન્યાયાધીશનું યોગદાન માત્ર તેના ચુકાદાઓ કે હોદ્દા પરથી નક્કી થતું નથી. સહકર્મીઓ સાથેના સંબંધો, વ્યવહાર અને અન્ય લોકો પ્રત્યેનો લગાવ પણ એટલો જ મહત્ત્વનો હોય છે. તેમણે જસ્ટિસ શર્મામાં અનુભવ, જ્ઞાન, જીવન પ્રત્યેનો ઉત્સાહ અને ઉત્તમ હાસ્યભાવનાનો સમન્વય હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, તેઓ હંમેશાં હસતા-મુસ્કુરાતા રહેતા હોવાનું પણ યાદ કર્યું હતું. એટર્ની જનરલ આર. વેંકટરમણીએ પણ કોર્ટની મુશ્કેલ પરિસ્થિતિઓમાં જસ્ટિસ શર્માના શાંત સ્વભાવની પ્રશંસા કરી હતી.
યાચિકા ફગાવતી વખતે પણ વ્યક્ત કરતા હતા અફસોસ
વિદાય સમારોહમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જસ્ટિસ શર્માના સંવેદનશીલ સ્વભાવનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે પણ જસ્ટિસ શર્મા કોઈ યાચિકા (Petition) ફગાવતા હતા ત્યારે સંબંધિત અરજદારને ઘણીવાર કહેતા હતા કે, 'મને ખરેખર ખેદ છે.' તુષાર મહેતાના જણાવ્યા મુજબ, સુપ્રીમ કોર્ટને જસ્ટિસ શર્માની બે બાબતો ખાસ યાદ આવશે. એક તો તેમના ચહેરા પર હંમેશાં રહેતું સ્મિત અને બીજી યાચિકા ફગાવતી વખતે પણ અરજદાર પ્રત્યે દર્શાવતા સંવેદનશીલ વલણની. 29 નવેમ્બરે નિવૃત્ત થનારા જસ્ટિસ શર્માનો શનિવાર સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ તરીકેનો અંતિમ કાર્યદિવસ રહ્યો હતો.














