16 વર્ષની ઉંમરે સ્ટાર્ટઅપ શરૂ કરી દુનિયાને ચોંકાવી, જાણો પુતિન સાથે સેલ્ફી લેનાર ભારતના 'AI કિડ'ની કહાની

16 વર્ષની ઉંમરે સ્ટાર્ટઅપ શરૂ કરી દુનિયાને ચોંકાવી, જાણો પુતિન સાથે સેલ્ફી લેનાર ભારતના 'AI કિડ'ની કહાની
તસવીર: Google
આ સમાચાર સાંભળો

સોશિયલ મીડિયા પર આજકાલ ભારતનો 16 વર્ષીય કિશોર રાઉલ જૉન અજૂ ચર્ચામાં છે, જેને 'ભારતના AI કિડ' તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે જે ઉંમરે બાળકો અભ્યાસ અને કારકિર્દીની દિશા નક્કી કરતા હોય છે, તે ઉંમરે રાઉલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), રોબોટિક્સ અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે. તાજેતરમાં રશિયાની રાજધાની મોસ્કોમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથેની તેની સેલ્ફી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

9 વર્ષની ઉંમરે વીડિયો એડિટિંગથી શરૂઆત

જાહેરાત

રાઉલની ટેકનોલોજી પ્રત્યેની રુચિ કોઈ મોટા રોબોટ કે મશીનથી નહીં, પરંતુ વીડિયો એડિટિંગથી શરૂ થઈ હતી. તેમના પિતા જ્યારે એક એડિટિંગ કંપની સાથે જોડાયેલા હતા, ત્યારે રાઉલને પ્રોફેશનલ વીડિયો એડિટિંગ સોફ્ટવેર વાપરવાની તક મળી. ત્યારબાદ તેણે જાતે વીડિયો બનાવવાની અને એડિટ કરવાની રીતો શીખવાનું શરૂ કર્યું. માત્ર 9 વર્ષની વયે તેમણે પહેલો વીડિયો બનાવ્યો હતો. શરૂઆતમાં આ માત્ર એક શોખ હતો, પરંતુ ધીમે ધીમે તેમનો રસ ટેકનોલોજીના અન્ય ક્ષેત્રો તરફ વળ્યો અને નવા ડિજિટલ ટૂલ્સ સાથે પ્રયોગો શરૂ કર્યા. શાળાના સાયન્સ ફેર માટે તેમણે 'MeBot' નામનો પ્રોજેક્ટ તૈયાર કર્યો, જેણે તેને નવું સર્જન કરવાની પ્રેરણા આપી.

12 વર્ષે પહેલો રોબોટ અને પોતાનું સ્ટાર્ટઅપ

વીડિયો એડિટિંગથી શરૂ થયેલી સફર આગળ વધીને રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધી પહોંચી. રાઉલે માત્ર 12 વર્ષની ઉંમરે પોતાનો પહેલો રોબોટ બનાવ્યો અને ત્યારબાદ AIની મદદથી 10થી વધુ વિવિધ ટૂલ્સ વિકસાવ્યા. પોતાના વિવિધ પ્રોજેક્ટ્સને એક પ્લેટફોર્મ પર લાવવા અને લોકોની રોજિંદી સમસ્યાઓના ઉકેલ આપવાના હેતુથી તેણે AI સ્ટાર્ટઅપ શરૂ કર્યું.

પિતા સંભાળે છે કંપનીનું સંચાલન

16 વર્ષની વયે કંપની શરૂ કરવી જેટલી ખાસ છે, તેટલી જ તેનું સંચાલન કરવું પડકારજનક છે. રાઉલ માને છે કે બિઝનેસ ચલાવવા માટે માત્ર ટેકનિકલ જ્ઞાન પૂરતું નથી, પરંતુ મેનેજમેન્ટ અને વ્યવહારિક અનુભવ પણ જરૂરી છે. આથી તેમણે કંપનીના મેનેજમેન્ટની જવાબદારી પોતાના પિતાને સોંપી છે, જેમને મોટી ટેક કંપનીઓમાં કામ કરવાનો અનુભવ છે. રાઉલના મતે સ્માર્ટફોન અને ઇન્ટરનેટ પર ઘણી માહિતી મળે છે, પરંતુ વર્ષોનો વ્યવહારિક અનુભવ અનુભવી લોકો પાસેથી જ શીખી શકાય છે.

કેરળ અને દુબઈ સરકાર સાથે જોડાણ

રાઉલની કામગીરી માત્ર ટેક વર્તુળ પૂરતી સીમિત રહી નથી. અહેવાલો મુજબ, જાહેર સેવાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ અંગે કેરળ અને દુબઈની સરકારોએ પણ તેમની સલાહ લીધી છે, જે દર્શાવે છે કે નાની ઉંમરે તેમના કાર્યક્ષેત્રનો વ્યાપ વિસ્તર્યો છે.

મોસ્કોમાં પુતિન સાથે સેલ્ફી: કેવી રીતે મળી તક?

રાઉલ જૉન અજૂ તાજેતરમાં રશિયાની રાજધાની મોસ્કોમાં યોજાયેલી 'AI Journey 2026' કોન્ફરન્સમાં ભાગ લેવા ગયા હતા. આ કાર્યક્રમમાં AI ક્ષેત્રના સંશોધકો અને ટેકનોલોજી નિષ્ણાતો હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમની મુલાકાત રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે થઈ હતી. પુતિન સાથેની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરતાં રાઉલે લખ્યું કે, 9 વર્ષની ઉંમરે બાથરૂમમાં પહેલો વીડિયો બનાવવાથી લઈને રાષ્ટ્રપતિ પુતિન સાથે સેલ્ફી લેવા સુધીની આ સફર તેમણે ક્યારેય કલ્પી નહોતી. તેણે ઉમેર્યું કે, કોન્ફરન્સમાં મોટા AI સંશોધકોને મળ્યા બાદ તેમને સમજાયું કે હજુ શીખવા માટે ઘણું બાકી છે, અને આ પ્રવાસમાં સાથ આપવા બદલ તેમણે માતા-પિતા, મિત્રો તથા આયોજકોનો આભાર માન્યો.

રશિયન પ્રમુખ પુતિને રાઉલને પૂછ્યો પ્રશ્ન

કોન્ફરન્સના પૂર્ણ સત્રના અંતે રશિયન પ્રમુખ પુતિને રાઉલને પ્રશ્ન પૂછ્યો હતો કે શું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો વધતો ઉપયોગ શિક્ષણ પ્રક્રિયા માટે ખતરો ઊભો કરી રહ્યો છે? આ સવાલનો અત્યંત પરિપક્વ જવાબ આપતા રાઉલે AI પર સંપૂર્ણ નિર્ભર રહેવાને બદલે તેની સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

AI વરદાન નથી, તેનો જવાબદારીપૂર્વક ઉપયોગ અનિવાર્ય: રાઉલ

કેલ્ક્યુલેટરનું ઉદાહરણ આપતા રાઉલે સમજાવ્યું કે, જ્યારે તમે પાયાનું જ્ઞાન મેળવી લો અને શીખવાની તથા યાદ રાખવાની પદ્ધતિ સમજી લો, ત્યારબાદ AI શિક્ષણમાં મદદરૂપ થઈ શકે છે. AI નવા વિચારો શોધવા અને ડેટા એકત્રિત કરવામાં મદદ કરે છે, પરંતુ તે હંમેશા વરદાન નથી હોતું, તેથી તેનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો અનિવાર્ય છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત