Video: કુદરતના કહેર સામે ઘૂંટણીયે પડયો વિશ્વનો શક્તિશાળી દેશ

સોર્સ: gstv

અમેરિકાના પૂર્વ કિનારે ‘નોરઈસ્ટર’ નામનું શક્તિશાળી વાવાઝોડું ત્રાટક્યું છે. આ વાવાઝોડાથી વિશ્નના સુપર પાવર દેશ અમેરિકાના હાલ બેહાલ થયા છે. ભારે પવન અને મુશળધાર વરસાદને કારણે અત્યાર સુધી 9 લાખથી વધુ ઘરોની વીજળી ગુલ થઈ ગઈ છે. ન્યૂયોર્ક, ન્યૂ જર્સી, ફિલાડેલ્ફિયા અને ડેલાવેર જેવા વિસ્તારોમાં તોફાની પવનોએ ભારે તારાજી સર્જી છે. વીજળીના થાંભલા ધરાશાયી થવાથી અનેક શહેરોમાં વીજ પુરવઠો ખોરવાયો છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમેરિકામાં 'નોરઈસ્ટર' વાવાઝોડાનો કહેર

જાહેરાત

9 લાખથી વધુ ઘરોમાં વીજળી ગુલ

1800 ફ્લાઇટ્સ મોડી, 400થી વધુ રદ

વાવાઝોડાની સૌથી મોટી અસર હવાઈ મુસાફરી પર પડી છે. ખરાબ હવામાનને કારણે અત્યાર સુધીમાં 1800થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી છે, જ્યારે 400થી વધુ ઉડાનો રદ કરવાની ફરજ પડી છે. હાલ અમેરિકામાં થેન્ક્સ ગિવિંગનો તહેવાર હોવાથી લાખો લોકો પોતાના પરિવારને મળવા મુસાફરી કરી રહ્યા છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન એટલે કે FAA એ ચેતવણી આપી છે કે ઉત્તર-પૂર્વી અમેરિકામાં હજુ પણ ઉડાનો પ્રભાવિત થઈ શકે છે. ખાસ કરીને સૌથી વ્યસ્ત ગણાતા એટલાન્ટા એરપોર્ટ પર મુસાફરોની મુશ્કેલી વધી છે.

બીજી તરફ, દરિયાકાંઠાના વિસ્તારો પર પૂરનું મોટું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, પૂર્વ કિનારે સમુદ્રનું જળસ્તર 14 વર્ષમાં સૌથી ઊંચા સ્તરે પહોંચી શકે છે. 2012માં આવેલા વિનાશક સુપરસ્ટોર્મ 'સેન્ડી' બાદ પહેલીવાર સમુદ્રનું પાણી આટલું ઉપર આવવાની શક્યતા છે. માત્ર પૂર્વ જ નહીં, પશ્ચિમ કિનારે પણ તીવ્ર મોજાં ઉછળી રહ્યા છે. સાન ડિયેગોની આસપાસ સમુદ્રના પાણીએ જૂના રેકોર્ડ તોડ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું જોખમ વધ્યું છે.

 હવામાનની આ આફત માત્ર દરિયાકાંઠા પૂરતી મર્યાદિત નથી. અમેરિકાના મધ્ય ભાગોમાં બુધવારથી શુક્રવાર સુધી વરસાદ અને હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે, જેનાથી ઠંડીનો પારો વધુ ગગડશે. આ ઉપરાંત પેસિફિક નોર્થવેસ્ટ વિસ્તારમાં પણ વરસાદ અને તેજ પવનનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. હાલ અમેરિકાના મોટાભાગના વિસ્તારોમાં લોકોને ખરાબ હવામાનથી રાહત મળે તેવા કોઈ અણસાર નથી.

આ સમાચાર શેર કરો

જાહેરાત