અમેરિકામાં થેન્ક્સગિવિંગના સમયે ત્રાટક્યું શક્તિશાળી વાવાઝોડું, દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ

અમેરિકાના પૂર્વ ભાગમાં થેન્ક્સગિવિંગના સમયે ત્રાટકેલા શક્તિશાળી વાવાઝોડાએ ભારે તબાહી સર્જી છે. ભારે પવન, મૂશળધાર વરસાદ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિને કારણે લાખો લોકો પ્રભાવિત થયા છે અને તહેવારની મુસાફરી પર માઠી અસર પડી છે. હવામાન વિભાગે આ સ્થિતિને તાજેતરના ઈતિહાસના સૌથી મોટા થેન્ક્સગિવિંગ તોફાન તરીકે વર્ણવી છે.
નવ લાખ જેટલા ગ્રાહકોની વીજળી ગુલ
વીજ પુરવઠા પર નજર રાખતી વેબસાઈટ પોવર આઉટેજના અહેવાલ મુજબ, ગુરુવાર સાંજ સુધીમાં મધ્ય-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ વિસ્તારમાં આશરે નવ લાખ ગ્રાહકો વીજળી વિના રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પેન્સિલવેનિયામાં 2.13 લાખથી વધુ, વર્જિનિયામાં 1.5 લાખથી વધુ અને મિસૂરીમાં લગભગ 1.2 લાખ ગ્રાહકોને વીજળી મળી શકી ન હતી. વર્જિનિયામાં આશરે બે લાખ અને મેરીલેન્ડમાં 1.77 લાખ ઘરો તથા વેપારી સંસ્થાઓમાં અંધારપટ છવાયો હતો.
પૂર્વ કિનારાના વિસ્તારોમાં 112 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવને અનેક વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી કર્યા હતા. નેશનલ વેધર સર્વિસના જણાવ્યા મુજબ ડેલાવેર, ન્યૂ જર્સી અને દક્ષિણ-પૂર્વ પેન્સિલવેનિયામાં વૃક્ષો અને વીજ લાઈનો તૂટી પડવાથી મોટા પાયે વીજ કાપ સર્જાયો છે.
સંકટમાં હવાઈ અને માર્ગ મુસાફરી, કટોકટીની જાહેરાત
થેન્ક્સગિવિંગના સમયે આવેલા આ તોફાને હવાઈ પ્રવાસીઓની મુશ્કેલીમાં મોટો વધારો કર્યો છે. સમગ્ર દેશમાં સેંકડો ફ્લાઈટ્સ રદ્દ થઈ છે અને હજારો ફ્લાઈટ્સ મોડી પડી રહી છે, જેના કારણે હજારો મુસાફરો એરપોર્ટ પર અટવાઈ ગયા છે. ફ્લાઈટઅવેરના ડેટા અનુસાર ગુરુવારે અમેરિકન હવાઈ મથકો પર 350થી વધુ ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી હતી અને લગભગ 700 ફ્લાઈટ્સમાં વિલંબ થયો હતો.
અમેરિકન ઓટોમોબાઈલ અસોસિએશનના અંદાજ મુજબ
થેન્ક્સગિવિંગ આસપાસના સાત દિવસ દરમિયાન 8.15 કરોડ અમેરિકનો ઓછામાં ઓછા 50 માઇલ દૂર પ્રવાસ કરવાના હતા. નેશનલ વેધર સર્વિસે પૂર્વ કિનારે ભારે વરસાદ, તેજ પવન અને વ્યાપક પૂરની ચેતવણી આપી છે તથા ઇન્ટરસ્ટેટ-95 કોરિડોર પર 50 માઇલ પ્રતિ કલાક કે તેથી વધુ ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ન્યૂ જર્સીના ગવર્નરે કટોકટી જાહેર કરી છે અને ન્યૂયોર્કના કેટલાક ભાગોમાં પણ કટોકટીના પગલાં લાગુ કરાયા છે.









