શેખ હસીનાની સંભવિત વાપસી પહેલાં બાંગ્લાદેશમાં તણાવ વધ્યો, પૂર્વ ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી સહિત 3ની ધરપકડ

બાંગ્લાદેશમાં પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાની સંભવિત વાપસીની ચર્ચા વચ્ચે રાજકીય તણાવ વધી રહ્યો છે. આ દરમિયાન ગુરુવારે હસીનાના પૂર્વ ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી કે.એમ. શકાવત મૂન સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. મીડિયા અહેવાલો અનુસાર, મૂનને ઢાકાના ધાનમંડી-27 વિસ્તારમાંથી પકડવામાં આવ્યા હતા. તેમની સાથે પૂર્વ ડેપ્યુટી કમિશનર મોહમ્મદ ઇલિયાસ હુસૈન અને ઇન્કમટેક્સ વકીલ સૂફી મોહમ્મદ અલ મામૂનની પણ ધરપકડ કરાઈ છે.
વિદ્યાર્થી સંગઠનના કાર્યકરોએ પકડી પોલીસને સોંપ્યા
મીડિયા અહેવાલો મુજબ, મૂન, હુસૈન અને મામૂનને ઢાકાના ધાનમંડી વિસ્તારમાં જાતીયતાબાદી વિદ્યાર્થી દળ (JCD)ના નેતાઓ અને કાર્યકરોએ પકડી લીધા હતા. ત્યારબાદ તેમને પોલીસને સોંપવામાં આવ્યા હતા. JCD બાંગ્લાદેશના સત્તાધારી બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)નું વિદ્યાર્થી સંગઠન છે. મોહમ્મદપુર પોલીસ સ્ટેશનના ડ્યૂટી ઓફિસર સબ-ઇન્સ્પેક્ટર મસુદુર રહેમાને જણાવ્યું હતું કે પોલીસ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે.
હસીનાની સંભવિત વાપસી પહેલાં સુરક્ષા કડક
બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા વચ્ચે BNPના નેતૃત્વવાળી સરકારે અનેક જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી છે. સરહદ સુરક્ષા દળની 108 પ્લાટૂન તૈનાત કરવામાં આવી છે, જેમાંથી 56 પ્લાટૂન શેખ હસીનાના ગૃહજિલ્લા ગોપાલગંજમાં તૈનાત છે. છેલ્લા કેટલાક અઠવાડિયાંમાં બાંગ્લાદેશના વિવિધ વિસ્તારોમાં હિંસાની ઘટનાઓ સામે આવી છે. ટ્રેનો, બસો અને બેંકોને નિશાન બનાવી આગચંપી કરવામાં આવી હોવાના અહેવાલો છે. આગામી મહિને શેખ હસીનાની સંભવિત વાપસીની ચર્ચા વચ્ચે આ ઘટનાઓ બની રહી છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2024માં વિદ્યાર્થી આંદોલન બાદ સત્તા પરથી હટ્યા પછી શેખ હસીના બાંગ્લાદેશ છોડીને ભારત આવી ગયાં હતાં. પોલીસે તાજેતરની હિંસક ઘટનાઓ માટે અવામી લીગ અને તેની સાથે જોડાયેલા સંગઠનોના કાર્યકરોને જવાબદાર ઠેરવ્યા છે.
29 અને 30 નવેમ્બરે લોકડાઉનની અપીલ
બાંગ્લાદેશમાં પ્રતિબંધિત અવામી લીગ ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા 29 અને 30 નવેમ્બરે લોકડાઉન કાર્યક્રમનો પ્રચાર કરી રહી છે. તેના કારણે આગામી દિવસોમાં તણાવ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બુધવારે ગૃહમંત્રી સલાહુદ્દીન અહમદે જણાવ્યું હતું કે અવામી લીગને બાંગ્લાદેશમાં ક્યારેય રાજકારણ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. મીડિયા અહેવાલો અનુસાર, તેમણે પાર્ટીને 'ફાસીવાદી અને માફિયા શક્તિ' ગણાવી હતી અને જુલાઈ 2024ના આંદોલન દરમિયાન થયેલી સામૂહિક હત્યાઓ માટે તેને જવાબદાર ઠેરવી હતી.









