Video: બાંગ્લાદેશમાં શેખ હસીનાની વાપસીની ચર્ચા વચ્ચે ઉપદ્રવીઓએ યુનુસની બેંક ફૂંકી મારી, ૧૫ દિવસમાં ૧૦૦ શાખાઓ પર હુમલા

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની વાપસીની યોજનાને લઈને દેશમાં ફરી એકવાર રાજકીય અશાંતિ ભડકી ઉઠી છે. આ તણાવ વચ્ચે તેમના વિરોધીઓ સાથે જોડાયેલી સંસ્થાઓ પર આગજની અને હુમલાઓ તેજ બન્યા છે, જેનો સૌથી મોટો શિકાર નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસ દ્વારા સ્થાપિત ગ્રામીણ બેંક બની છે. ઓગસ્ટ ૨૦૨૪માં હસીનાના સત્તા પરથી હટ્યા બાદ મુહમ્મદ યુનુસે વચગાળાની સરકારનું નેતૃત્વ કર્યું હતું. બેંકના ઇન્ટરનલ ઓડિટ રિપોર્ટ મુજબ, ૧૦ નવેમ્બરથી અત્યાર સુધીમાં બેંકની શાખાઓ અને કચેરીઓમાં આગજની કે તેના પ્રયાસની ૧૦૦ ઘટનાઓ નોંધાઈ છે. જેમાં તુંગીપાડાની પટગાતી શાખાને બે વાર નિશાન બનાવવામાં આવી હતી.
હુમલાખોરોએ લાલમોનિરહાટ અને તંગૈલની શાખાઓ પર પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા, જોકે સિક્યુરિટી ગાર્ડની સતર્કતાથી મોટી જાનહાનિ ટળી હતી. આ ઉપરાંત ગોપાલગંજની ઉલપુર શાખામાં આગ લગાવીને મહત્વના દસ્તાવેજો બાળી નાખવામાં આવ્યા હતા અને સીસીટીવી હાર્ડ ડિસ્કની પણ ચોરી થઈ હતી.
આ તરફ ૨૩ નવેમ્બરે નોઆખલીની શાખાના મુખ્ય દરવાજા પાસે પેટ્રોલ છાંટીને આગ લગાવવાનો પ્રયાસ થયો હતો. આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરીને એક આરોપીની ધરપકડ કરી છે. હાલ આ સતત હુમલાઓને કારણે ગ્રામીણ બેંકની કામગીરી પર મોટી અસર પડી છે.









