બાંગ્લાદેશમાં રાજકીય હિંસાનો ભડકો: શેખ હસીનાની અવામી લીગના 30થી વધુ મકાનો અને દુકાનોને આગચંપી

બાંગ્લાદેશમાં રાજકીય હિંસાએ ફરી એકવાર ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દેશના નરૈલ જિલ્લાના કાલિયા ઉપજિલ્લા સ્થિત બેન્દારચર ગામમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી 'અવામી લીગ'ના નેતાઓ અને કાર્યકરોની મિલકતો પર મોટા પાયે હુમલા કરીને અંદાજે 30 થી વધુ મકાનો અને અનેક દુકાનોને આગ ચાંપી દેવામાં આવી છે. શુક્રવાર (20 નવેમ્બર) બપોરથી શરૂ થયેલી આ હિંસા મોડી રાત સુધી ચાલુ રહી હતી, જેમાં લૂંટફાટ અને તોડફોડ પણ કરવામાં આવી હતી. દેશના અન્ય ભાગોમાં પણ હિંસા ફેલાતા સુરક્ષા દળોનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.
પૂર્વ સાંસદ અને મેયરના ઘર સળગાવ્યા
સ્થાનિક મીડિયા 'પ્રથમ આલો' અને 'bdnews24'ના અહેવાલ મુજબ, બેન્દારચર ગામ ઉપરાંત બરદિયા બજાર વિસ્તારમાં પણ ઘણી દુકાનોમાં આગ લગાડવામાં આવી હતી. આ હુમલાઓમાં અવામી લીગના પૂર્વ સાંસદ બી.એમ. કબીરુલ હક મુક્તિનું પૈતૃક નિવાસસ્થાન, કાલિયા નગરપાલિકાના પૂર્વ મેયર મુશફિકુર રહેમાન લિટન અને સ્થાનિક પાર્ટી મહાસચિવ કૃષ્ણપદ ઘોષના ઘરોને પણ નિશાન બનાવીને આગને હવાલે કરવામાં આવ્યા હતા.
ફાયર બ્રિગેડનો રસ્તો રોકાયો
કાલિયા ફાયર સર્વિસ સ્ટેશન ઓફિસર હુમાયુ કબીરે જણાવ્યું હતું કે, શુક્રવારે સાંજે 4 વાગ્યાની આસપાસ આગ લાગવાની માહિતી મળી હતી. પરંતુ હુમલાખોરોએ રસ્તા પર ઝાડ પાડીને અવરોધ ઊભો કર્યો હોવાથી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી શકી ન હતી. ટીમ પહોંચી ત્યાં સુધીમાં મોટાભાગની આગ ઓલવાઈ ગઈ હતી અને ઓછામાં ઓછા 20થી 25 પરિવારોના 50થી વધુ રહેણાંક માળખા બળીને ખાખ થઈ ગયા હતા.
BNP નેતાઓની હત્યાનો વળતો હુમલો
આ સમગ્ર હિંસા પાછળનું તાત્કાલિક કારણ બુધવારે (18 નવેમ્બર) સાંજે બનેલી એક ઘટના હોવાનું મનાય છે. અવામી લીગના સભ્યો દ્વારા કથિત હિંસાના વિરોધમાં કાલિયા ખાતે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) દ્વારા એક સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ સરઘસ પર થયેલા હુમલામાં BNPના બે સ્થાનિક નેતાઓના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. BNPના નેતાઓ અને કાર્યકરોએ આ હત્યાઓ માટે અવામી લીગના સભ્યોને જવાબદાર ઠેરવ્યા હતા. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોના સંબંધીઓ અને સમર્થકોએ અન્ય લોકો સાથે મળીને હત્યામાં સામેલ હોવાની શંકા ધરાવતા અવામી લીગના કાર્યકરોના ઘરો પર વળતો હુમલો કર્યો હતો.
લૂંટફાટ અને બુલડોઝર ફેરવ્યાનો આરોપ
બીજી તરફ, અવામી લીગે આરોપ લગાવ્યો છે કે નરૈલમાં તેમના નેતાઓ, કાર્યકરો અને પરિવારોના 200 થી વધુ ઘરોને સુનિયોજિત ષડયંત્ર હેઠળ નિશાન બનાવવામાં આવ્યા છે. પાર્ટીના જણાવ્યા મુજબ, સૂર્યાસ્ત બાદ હુમલાખોરોના ટોળા ગામમાં ઘૂસ્યા હતા અને અવામી લીગ સાથે જોડાયેલા ઘરોની ઓળખ કરીને ફર્નિચર, રોકડ, દાગીના અને પશુધન લૂંટી લીધા બાદ ઘરો પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. કેટલીક મિલકતોને બુલડોઝરથી તોડી પાડવામાં આવી હોવાનો પણ દાવો કરાયો છે.
દેશભરમાં નેતાઓના ઘરો પર હુમલાનો આક્ષેપ
અવામી લીગના વિદ્યાર્થી સંગઠન (બાંગ્લાદેશ છાત્ર લીગ) ના અધ્યક્ષ હુસૈન સદ્દામે સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે નરૈલ અને પબના ઉપરાંત દેશભરમાં પાર્ટીના પ્રેસિડિયમ સભ્યો, પૂર્વ મંત્રીઓ, સાંસદો અને વોર્ડ સ્તરના સેંકડો નેતાઓના ઘરો પર હુમલા, તોડફોડ અને આગજની કરવામાં આવી છે. બીજી તરફ, અવામી લીગે આ આગજની માટે BNP અને જમાત-એ-ઈસ્લામીના સમર્થકોને જવાબદાર ઠેરવી માનવાધિકાર સંગઠનો પાસે સ્વતંત્ર તપાસની માંગ કરી છે. પાર્ટીએ ગંભીર આક્ષેપ લગાવ્યો છે કે BNP ના વરિષ્ઠ નેતા રિઝવી, રાજ્યમંત્રી અમિત અને સ્થાનિક સાંસદ બિશ્વાસ જહાંગીર આલમે સ્થળ પર હાજર રહીને હિંસાને પ્રોત્સાહન આપ્યું હતું અને તેનું સંચાલન કર્યું હતું.
હસીનાની વાપસીની જાહેરાતથી તણાવ
ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં હાલ તારિક રહેમાનના નેતૃત્વ હેઠળની BNP સરકાર સત્તામાં છે અને અવામી લીગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તાજેતરમાં જ પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ ડિસેમ્બર 2026 માં ભારતથી બાંગ્લાદેશ પરત ફરવાની જાહેરાત કરી હતી. જોકે, વર્તમાન સરકારે તેમના નવા પાસપોર્ટ અને ઓળખપત્રની અરજી ફગાવી દીધી હતી. આ નિર્ણય બાદ અવામી લીગના સમર્થકોએ સરકાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કર્યા હતા, જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી દેશના વિવિધ જિલ્લાઓમાં બંને પક્ષો વચ્ચે લોહિયાળ સંઘર્ષ અને આગજનીની ઘટનાઓ સતત વધી રહી છે.










