બ્રિટિશ તરવૈયાએ 3 દિવસમાં સ્વિમિંગ કરી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કર્યું

અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે બ્રિટિશ તરવૈયા લુઇસ પ્યુએ હોર્મુઝની ખાડી પાર કરીને દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. 56 વર્ષના લુઇસે મુસંદમ દ્વીપકલ્પથી કેપ ઓફ હોર્મુઝ સુધી આશરે 15 કિલોમીટરનું અંતર તરીને કાપ્યું હતું. યુદ્ધ શરૂ થયા બાદ આ સંવેદનશીલ દરિયાઈ વિસ્તારમાં લાંબા અંતરની સ્વિમિંગ કરનાર તેઓ પ્રથમ વ્યક્તિ હોવાનું માનવામાં આવે છે. લુઇસે માત્ર સ્વિમિંગ ટ્રંક્સ, ગોગલ્સ અને સંયુક્ત રાષ્ટ્રના લોગોવાળી ટોપી પહેરીને ત્રણ દિવસમાં કુલ સાડા છ કલાક સુધી સ્વિમિંગ કર્યું હતું. જોકે, તેમની આ સફર અત્યંત જોખમી રહી હતી. લંડન પરત ફર્યા બાદ તેણે જણાવ્યું હતું કે દરિયામાં સ્વિમિંગ દરમિયાન તેણે પોતાની આંખો સામે જ જહાજો પર હુમલા થતા જોયા હતા.
સ્વિમિંગ દરમિયાન જ સંભળાયા બે જોરદાર ધડાકા
લુઇસના જણાવ્યા અનુસાર, સોમવાર, 16 નવેમ્બરે તે પાણીમાં ઉતર્યા તેની થોડી જ મિનિટોમાં બે જોરદાર ધડાકા સંભળાયા હતા. તેણે જોયું કે આશરે ચાર કિલોમીટર દૂર એક ઓઇલ ટેન્કર પર હુમલો થયો હતો. ત્યારબાદ ત્યાંથી લડાકુ વિમાનો પસાર થયાં હતાં. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેની ટીમે તરત જ તે વિસ્તાર છોડવો પડ્યો હતો. અનેક વખત વિરામ લીધા બાદ તેણે સ્વિમિંગ પૂર્ણ કર્યું હતું. આ દરમિયાન તેણે બીજા એક એવા જહાજ પાસેથી પણ પસાર થવું પડ્યું હતું, જે હુમલા બાદ અગનગોળો બની ગયો હતો. બીજા દિવસે બંદર પરત ફરતી વખતે તેણે એક ગેસ વહન કરતા જહાજ પર હુમલો થતો જોયો હતો. હુમલા બાદ આસપાસના વિસ્તારમાં તીવ્ર ગંધ ફેલાઈ ગઈ હતી અને જહાજની આસપાસના પાણીમાં આગની જ્વાળાઓ દેખાઈ રહી હતી.
ડોલ્ફિન, કાચબા અને પરવાળાના ખડકો પર મોટો ખતરો
લુઇસ પ્યુએ હોર્મુઝની ખાડીને માત્ર વ્યસ્ત દરિયાઈ વેપાર માર્ગ નહીં, પરંતુ વિશ્વની અમૂલ્ય કુદરતી ધરોહર ગણાવી હતી. તેણે ચેતવણી આપી હતી કે યુદ્ધ શરૂ થયા બાદથી અનેક ક્ષતિગ્રસ્ત ઓઇલ ટેન્કરમાંથી થતા તેલના લીકેજને કારણે દરિયાઈ જીવસૃષ્ટિને લાંબા સમય સુધી નુકસાન થઈ શકે છે. તેના મતે, તેલના પ્રદૂષણથી ડોલ્ફિન, કાચબા, પરવાળાના ખડકો અને મેન્ગ્રોવ જંગલો પર ગંભીર અસર થઈ શકે છે. એકવાર દરિયાઈ વિસ્તારમાં તેલ ફેલાઈ જાય પછી તેની સફાઈ કરવી અત્યંત મુશ્કેલ બની જાય છે. સ્વિમિંગ દરમિયાન લુઇસે પોતાની બોટની પાછળ ડોલ્ફિનનાં મોટાં ટોળાં, કાચબા અને દરિયાઈ પક્ષીઓ પણ જોયાં હતાં. આ કુદરતી સંપત્તિને યુદ્ધના કારણે નુકસાન પહોંચવાની ચિંતા તેણે વ્યક્ત કરી હતી.
હોર્મુઝની ખાડી પર નિયંત્રણ માટે સંઘર્ષ
28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલે યુદ્ધ શરૂ કર્યું તે પહેલાં વિશ્વના કુલ તેલ વેપારનો આશરે પાંચમો ભાગ હોર્મુઝની ખાડીમાંથી પસાર થતો હતો. તાજેતરના અઠવાડિયામાં ઈરાને આ દરિયાઈ માર્ગ પર નિયંત્રણ સ્થાપિત કરવા માટે અનધિકૃત માર્ગે પસાર થતાં જહાજો પર હુમલા તેજ કર્યા છે. અનેક ટેન્કરો દરિયાઈ બારૂદી સુરંગોની અડફેટે આવીને આગની લપેટમાં આવી ગયાં હોવાનો અહેવાલ છે.
40 વર્ષથી દરિયાઈ સંરક્ષણ માટે કરે છે સ્વિમિંગ
લુઇસ પ્યુ છેલ્લાં 40 વર્ષથી દરિયાઈ પર્યાવરણના સંરક્ષણ માટે સ્વિમિંગ કરે છે. તે એન્ટાર્કટિકાથી લઈને ઉત્તર ધ્રુવ અને લાલ સમુદ્ર સુધીના વિસ્તારોમાં તરી ચૂક્યા છે. રમતના માધ્યમથી આંતરરાષ્ટ્રીય સ્તરે સંવાદ અને જાગૃતિ ફેલાવવાની તેમની પદ્ધતિને 'સ્પીડો ડિપ્લોમસી' તરીકે ઓળખવામાં આવે છે. હોર્મુઝની ખાડીમાં જોખમી સ્વિમિંગ કરીને લુઇસે દુનિયાને યુદ્ધ રોકવા, આ મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગ ફરીથી ખોલવા અને સમુદ્રમાં ફેલાયેલા પ્રદૂષણની સફાઈ કરવા અપીલ કરી છે.











