'મારી દીકરીને છોડી દો...' અમેરિકાના એરપોર્ટ પર અધિકારીઓના પગ પકડીને રડી મહિલા, બેની ધરપકડ

'મારી દીકરીને છોડી દો...' અમેરિકાના એરપોર્ટ પર અધિકારીઓના પગ પકડીને રડી મહિલા, બેની ધરપકડ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમેરિકાના સિએટલ-ટાકોમા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અચાનક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કેટલાક નકાબધારી ઇમિગ્રેશન અધિકારીઓએ વિમાનમાં સવાર થઈ રહેલા બે મુસાફરોને જેટ બ્રિજ પર જ અટકાયત કરી હતી. આ કાર્યવાહીને કારણે લોસ એન્જલસ જતી ફ્લાઇટમાં પણ વિલંબ થયો હતો.

અમેરિકાની ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, સવારે લગભગ 8:05 વાગ્યે એક ટાર્ગેટેડ ઓપરેશન હેઠળ મેક્સિકોના નાગરિક રિકાર્ડો લારોન્ડો મેન્ડોઝાની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ વિઝાની મુદત પૂર્ણ થયા બાદ પણ અમેરિકામાં રોકાયા હતા.

જાહેરાત

આ ઘટના સવારે લગભગ 8:10 વાગ્યે રવાના થનારી અલાસ્કા એરલાઇન્સની ફ્લાઇટ નંબર 1306માં બોર્ડિંગ દરમિયાન બની હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં અધિકારીઓ એક વ્યક્તિને જમીન પર પકડીને સંઘર્ષ કરતા જોવા મળે છે. આ દરમિયાન આસપાસ અન્ય મુસાફરો પોતાનો સામાન લઈને ઊભા હતા.

અધિકારીઓના પગ પકડીને આજીજી કરતી મહિલા

વાયરલ વીડિયોમાં એક મહિલા બૂમો પાડતી સંભળાય છે કે, અધિકારીઓ તેની દીકરીને લઈ જઈ રહ્યા છે અને તેની પાસે વર્ક પરમિટ પણ છે. મહિલા અધિકારીઓના પગ પકડીને રડતી અને આજીજી કરતી જોવા મળે છે.

ICEના જણાવ્યા અનુસાર, આ દરમિયાન થયેલી ઝપાઝપીમાં અધિકારીઓ પર ગરમ કોફી ફેંકવાના આરોપસર સોફિયા હર્નાન્ડેઝ મેજિયા નામની અન્ય એક મુસાફરની પણ અટકાયત કરવામાં આવી હતી. તે પણ મેક્સિકાની નાગરિક છે અને વિઝાની મુદત પૂર્ણ થયા બાદ અમેરિકામાં રોકાઈ હતી. તેના પર સંઘીય અધિકારી પર હુમલો કરવાનો આરોપ લાગી શકે છે.

એજન્સીએ વધુમાં દાવો કર્યો હતો કે અન્ય મુસાફરોએ પણ અધિકારીઓની કામગીરીમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો, જે સંઘીય કાયદા હેઠળ ગુનો છે.

પૂર્વ સૂચના વિના કાર્યવાહી થતાં એરલાઇન અને ગવર્નરે ઉઠાવ્યા સવાલ

બોર્ડિંગ દરમિયાન કોઈપણ પૂર્વ સૂચના વિના કરવામાં આવેલી આ કાર્યવાહી અંગે અલાસ્કા એરલાઇન્સે ચિંતા વ્યક્ત કરી હતી. એરલાઇન્સે જણાવ્યું હતું કે આ ઘટના તેના કર્મચારીઓ અને અસરગ્રસ્ત મુસાફરો માટે અત્યંત આઘાતજનક રહી છે. કંપની પોર્ટ ઓફ સિએટલ સાથે મળીને તપાસ કરી રહી છે કે શું આ સમગ્ર કાર્યવાહી નિર્ધારિત નિયમો અનુસાર કરવામાં આવી હતી.

બીજી તરફ, વોશિંગ્ટનના ગવર્નર બોબ ફર્ગ્યુસને ICEની કાર્યવાહી કરવાની પદ્ધતિની ટીકા કરતાં તેને 'અત્યંત બિન-અમેરિકન' ગણાવી હતી. તેમણે એજન્સીને નાબૂદ કરવાની પણ માગ કરી હતી.

એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું હતું કે, "આ વીડિયો ભયાનક અને રૂંવાડાં ઊભાં કરી દે તેવો છે. આપણને એવી ઇમિગ્રેશન અમલીકરણ અને સરહદ સુરક્ષા વ્યવસ્થાની જરૂર છે, જે અસરકારક, નૈતિક અને માનવીય હોય. ICE આવી નથી. આ એજન્સી સુધારાથી પણ પર છે." ગવર્નરે વધુમાં જણાવ્યું હતું કે તેઓ એ વાતની તપાસ કરી રહ્યા છે કે સંઘીય અધિકારીઓ જેટ બ્રિજ સુધી કેવી રીતે પહોંચ્યા હતા અને શું તેમણે કાયદા અમલીકરણ અધિકારીઓને ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ મૂકતા રાજ્યના કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું.

શ્રમિક સંગઠનોની ટીકા, ICEએ પોતાની કાર્યવાહીનો બચાવ કર્યો

6 લાખથી વધુ શ્રમિકોનું પ્રતિનિધિત્વ કરતી વોશિંગ્ટન સ્ટેટ લેબર કાઉન્સિલનાં પ્રમુખ એપ્રિલ સિમ્સે મુસાફરીની વ્યસ્ત મોસમ દરમિયાન કરવામાં આવેલી આ કાર્યવાહીની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "એરપોર્ટના કર્મચારીઓ પહેલેથી જ ભારે દબાણ હેઠળ કામ કરી રહ્યા છે અને મુસાફરો પણ પરેશાન છે. આવી સ્થિતિમાં શાંતિ અને વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાને બદલે સંઘીય એજન્ટોએ વધુ ભય અને અફરાતફરી ફેલાવી છે."

જોકે, બીજી તરફ ICEએ પોતાના ઓપરેશનનો બચાવ કરતાં જણાવ્યું હતું કે સંઘીય અધિકારીઓ પર હુમલો કરનારા અથવા તેમની કામગીરીમાં અવરોધ ઊભો કરનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એજન્સીએ દાવો કર્યો હતો કે તેના અધિકારીઓ પર થતા હુમલામાં 1,600 ટકા, વાહનો દ્વારા હુમલાની ઘટનાઓમાં 3,300 ટકા અને જાનથી મારી નાખવાની ધમકીઓમાં 8,000 ટકાનો મોટો વધારો નોંધાયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત