Video: ત્રણ મહાસત્તાઓની APEC બેઠકમાં કોને શું મળ્યું, કોના હિતો સચવાયા?

અમેરિકા, ચીન અને રશિયાના સર્વોચ્ચ નેતાઓની આધુનિક ઇતિહાસમાં પ્રથમ વખત ત્રિપક્ષીય બેઠક યોજાઈ. 70 મિનિટથી વધુ ચાલેલી આ ચર્ચામાં પરમાણુ જોખમ ઘટાડવા અને ઊર્જા સુરક્ષા જેવા મુદ્દાઓ કેન્દ્રસ્થાને રહ્યા. જોકે, સંયુક્ત ઘોષણાપત્રમાં યુક્રેન અને ઈરાન જેવા ગંભીર મુદ્દાઓનો ઉલ્લેખ ન થતાં નિષ્ણાતોમાં ચર્ચા જાગી છે.
આ બેઠક આધુનિક ઇતિહાસમાં પ્રથમ વખત ત્રણેય દેશોના નેતાઓ વચ્ચે યોજાયેલી ત્રિપક્ષીય મુલાકાત હતી.. લગભગ 70 મિનિટથી વધુ ચાલેલી આ બેઠકમાં પરમાણુ યુદ્ધના જોખમો ઘટાડવા, વૈશ્વિક ઊર્જા સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને લગતા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.. શરૂઆતમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા, રશિયા અને ચીન પાસે પરમાણુ હથિયારો ઘટાડવા તથા તેના ઉપયોગનું જોખમ ઓછું કરવાની વિશેષ ક્ષમતા છે.. જિનપિંગે પરમાણુ હથિયારોને માનવજાત માટે ગંભીર જોખમ ગણાવ્યાં હતાં.. પુતિને બીજા વિશ્વયુદ્ધમાં ત્રણેય દેશોની ભૂમિકાનો ઉલ્લેખ કરીને વૈશ્વિક શાંતિ જાળવવાની જવાબદારીની વાત કરી હતી.. જોકે, બેઠકના અંતે જાહેર થયેલી સંયુક્ત ઘોષણામાં યુક્રેન અને ઈરાન યુદ્ધનો ઉલ્લેખ નહોતો.. આથી બેઠકના પ્રારંભિક નિવેદનો અને અંતિમ પરિણામો વચ્ચેનો તફાવત ચર્ચાનો વિષય બન્યો છે..
સૌથી પહેલાં વાત કરીએ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની તો આ બેઠકથી તેમને વૈશ્વિક રાજદ્વારી મંચ પર યજમાન અને મધ્યસ્થી તરીકે પોતાની ભૂમિકા રજૂ કરવાની તક મળી.. અમેરિકા અને રશિયા જેવા બે શક્તિશાળી દેશોના નેતાઓને ચીનમાં એકસાથે લાવવું પોતે જ એક મહત્વપૂર્ણ રાજદ્વારી ઘટના હતી.. ચીન લાંબા સમયથી વૈશ્વિક વ્યવસ્થામાં પોતાની ભૂમિકા મજબૂત કરવાની કોશિશ કરી રહ્યું છે.. APECના માધ્યમથી તેણે વેપાર, ડિજિટલ ટેક્નોલોજી, AI અને ઊર્જા સુરક્ષા જેવા મુદ્દાઓ પર સહયોગની વાત આગળ ધપાવી.. બીજી તરફ, રશિયાના પ્રમુખ પુતિન માટે આ બેઠક પશ્ચિમી દેશોના પ્રતિબંધો વચ્ચે આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની હાજરી દર્શાવવાની તક બની.. અમેરિકા અને ચીનના નેતાઓ સાથે સીધી ચર્ચા કરીને રશિયા વૈશ્વિક રાજકારણથી અલગ નથી એવો સંદેશ આપી શક્યું.. સંયુક્ત ઘોષણામાં આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાલયના અધિકારક્ષેત્ર અને સરકારી અધિકારીઓની પ્રતિરક્ષા અંગેનો મુદ્દો સામેલ થવો પણ રશિયા માટે મહત્વનો હતો..
અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે પણ આ બેઠક ચીન અને રશિયા સાથે સીધા સંવાદની તક હતી.. ખાસ કરીને પરમાણુ હથિયારો ઘટાડવા અને ભવિષ્યમાં નવી પરમાણુ સમજૂતીની શક્યતાઓ અંગે ચર્ચા કરવાનો તેમનો પ્રયાસ હતો.. અમેરિકાની અગાઉની રશિયા સાથેની પરમાણુ સંધિ ન્યૂ સ્ટાર્ટ ફેબ્રુઆરી 2026માં સમાપ્ત થઈ હતી.. ટ્રમ્પ નવી સમજૂતીમાં ચીનનો પણ સમાવેશ થાય તેવું ઇચ્છે છે.. જોકે, ચીન પાસે અમેરિકા અને રશિયાની સરખામણીમાં પરમાણુ હથિયારોનો જથ્થો ઘણો ઓછો હોવાથી તે આવી મર્યાદાઓ સ્વીકારવામાં કેટલું રસ દાખવશે તે પ્રશ્ન છે.. ટ્રમ્પે ચીન સાથે કૃષિ વેપાર વધારવાની વાત પણ કરી હતી.. આ સિવાય, હોર્મુઝની ખાડીમાંથી તેલનો પુરવઠો ચાલુ રહે તે અંગે પણ તેમણે ચીન સાથે ચર્ચા કરી હતી.. આમ, ટ્રમ્પ માટે સુરક્ષા અને વેપાર બંને મુદ્દા મહત્વના રહ્યા હતા..
પરંતુ આ બેઠકનેં સૌથી મોટું મૂલ્યાંકન તેના પરિણામો પરથી જ થઈ શકે.. ત્રણેય દેશોએ સંયુક્ત રાષ્ટ્રમાં સુધારા, રિફાઇન્ડ પેટ્રોલિયમ ઉત્પાદનોનું ઉત્પાદન અને પુરવઠો વધારવા, સરકારી અધિકારીઓની પ્રતિરક્ષા તથા પરમાણુ જોખમ ઘટાડવા સંવાદ ચાલુ રાખવા અંગે સંમતિ દર્શાવી.. પરંતુ યુક્રેન યુદ્ધ રોકવા, ઈરાન સંઘર્ષનો અંત લાવવા કે પરમાણુ હથિયારો ઘટાડવા માટે કોઈ ચોક્કસ સમયબદ્ધ કરાર જાહેર થયો નથી.. બેઠક દરમિયાન હોર્મુઝની ખાડી અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા અંગે ચર્ચા થઈ હોવા છતાં તેના પરિણામો અંગે સ્પષ્ટતા મર્યાદિત રહી.. નિષ્ણાતો માટે આ બેઠકની મહત્વપૂર્ણ બાબત એ છે કે ત્રણ પરમાણુ મહાસત્તાઓ વચ્ચે સીધો સંવાદ શરૂ થયો છે.. પરંતુ માત્ર સંયુક્ત તસવીર કે શાંતિના નિવેદનથી વિશ્વની સમસ્યાઓ ઉકેલાતી નથી.. હવે નજર એ વાત પર રહેશે કે ત્રણેય નેતાઓ પોતાના નિવેદનોને વાસ્તવિક નીતિ અને નિર્ણયો સુધી લઈ જાય છે કે નહીં..
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી













