નાઇજીરિયામાં અંતિમવિધિમાં જઈ રહેલી બોટ પલટી, 24ના મોત; ચાલક ફરાર થયો હોવાનો આરોપ

દક્ષિણ નાઇજીરિયામાં અંતિમવિધિમાં સામેલ થવા જઈ રહેલા લોકોની બોટ પલટી જતા મોટો અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 24 લોકોના મોત થયા છે, જ્યારે 24 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હજુ પણ અનેક લોકો લાપતા હોવાથી શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે. બચી ગયેલા મુસાફરોએ આરોપ લગાવ્યો છે કે બોટમાં ટેકનિકલ ખામી સર્જાયા બાદ ચાલક તેમને મુશ્કેલીમાં મૂકીને સ્થળ પરથી ભાગી ગયો હતો.
નાઇજીરિયાની નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના પ્રવક્તા માંઝો એજેકીના જણાવ્યા અનુસાર, બોટ મુસાફરોને એક સમુદાયમાંથી બીજા સમુદાયમાં અંતિમવિધિમાં હાજરી આપવા લઈ જઈ રહી હતી. આ દરમિયાન શુક્રવારે દેશના દક્ષિણ વિસ્તારમાં આવેલા બાયેલસા રાજ્યમાં બોટ ડૂબી ગઈ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ લાપતા લોકોને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, બોટમાં કુલ કેટલા લોકો સવાર હતા અને કેટલા લોકો હજુ લાપતા છે તેની ચોક્કસ વિગતો સામે નથી આવી. પોલીસ પ્રવક્તા મૂસા મોહમ્મદે જણાવ્યું હતું કે બચાવી લેવામાં આવેલા 24 લોકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
ટેકનિકલ ખામી સર્જાતાં બોટ ચાલક ભાગી ગયો હોવાનો આરોપ
પોલીસ પ્રવક્તા મૂસા મોહમ્મદના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં બોટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. મુસાફરોએ બોટ ચાલકને બોટ કિનારા તરફ લઈ જવા વિનંતી કરી હતી, પરંતુ તેણે તેમ કરવાનો ઇનકાર કર્યો હોવાનો આરોપ છે. ત્યારબાદ બોટ ચાલક સ્થળ પરથી ભાગી ગયો હતો. આ ઘટનામાં બોટના મેનેજરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
સરકારે સુરક્ષા નિયમોનું પાલન કરવાની અપીલ કરી
આ દુર્ઘટના બાદ બાયેલસા રાજ્ય સરકારે બોટ સંચાલકો અને મુસાફરોને સુરક્ષા નિયમોનું કડક પાલન કરવા અપીલ કરી છે. રાજ્યના માહિતી કમિશનર એબિયુવો કોકુ-ઓબિયાઈએ શનિવારે નિવેદનમાં જણાવ્યું હતું કે બોટમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડવા, ઝડપથી બોટ ચલાવવા, બેદરકારી દાખવવા અને લાઇફ જેકેટ વિના મુસાફરી કરવા જેવી બાબતો બંધ થવી જોઈએ. તેમણે કહ્યું હતું કે કોઈપણ મુસાફરી માનવજીવન કરતાં વધુ મહત્ત્વની નથી. અકસ્માત બાદ લાપતા લોકોની શોધખોળ અને બચાવ કામગીરી ચાલુ છે.











