Video: હેલિકોપ્ટરથી ફાયરિંગ, હાઈવે પર ચક્કાજામ, FBIનો સૌથી વધુ વોન્ટેડ વ્યક્તિ મેક્સિકોમાં ઝડપાયો

મેક્સિકોના સિનાલોઆ રાજ્યમાં FBI ના 10 મોસ્ટ વોન્ટેડ ભગોડાઓની યાદીમાં સામેલ અને 50 લાખ ડોલરનું ઈનામ ધરાવતા ડ્રગ લોર્ડ ફાઉસ્તો ઈસિડ્રો મેઝા ફ્લોરેસ ઉર્ફે 'એલ ચાપો ઈસિડ્રો' (El Chapo Isidro) ની અટકાયત બાદ ભયાનક હિંસા ભડકી ઊઠી છે. સશસ્ત્ર કાર્ટેલના સભ્યોએ રસ્તાઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, વાહનોને આગ ચાંપી હતી અને હાઈવે પર ચક્કાજામ કરી દીધો હતો. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે સેનાએ આકાશમાંથી હેલિકોપ્ટર દ્વારા ફાયરિંગ કરવું પડ્યું હતું.
હિંસાનો વ્યાપ એટલો વધી ગયો હતો કે ગુઆસાવેના કુરોદા પાર્કમાં ચાલી રહેલી મેક્સિકન પેસિફિક લીગની પ્રોફેશનલ બેઝબોલ મેચ દરમિયાન પણ નજીકના વિસ્તારમાંથી ધડાધડ ગોળીબારના અવાજો સંભળાયા હતા. સ્ટેડિયમમાં હાજર દર્શકો અને ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લીગ દ્વારા મેચ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી હતી.
કોણ છે આ મોસ્ટ વોન્ટેડ 'એલ ચાપો ઈસિડ્રો'?
મેઝા ફ્લોરેસ 'ગુઆસાવે કાર્ટેલ' નામના એક હિંસક આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ નેટવર્કનો વડો છે. તે 2005 થી 2019 દરમિયાન અમેરિકામાં મોટા પાયે કોકેઈન, હેરોઈન અને ફેટાનાઈલ જેવા ખતરનાક ડ્રગ્સની તસ્કરી માટે જવાબદાર છે. વર્ષ 2025 માં FBI એ તેને પોતાની TOP-10 ભગોડાઓની યાદીમાં મુકી તેના પર 50 લાખ અમેરિકન ડોલરનું ઈનામ જાહેર કર્યું હતું.
ટ્રમ્પના દબાણ વચ્ચે મેક્સિકો સરકારની કડક કાર્યવાહી
આ ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી મેક્સિકો પર ડ્રગ કાર્ટેલ્સ સામે આકરા પગલાં ભરવા ભારે દબાણ કરવામાં આવી રહ્યું છે. અગાઉ ફેબ્રુઆરી 2026 માં પણ અન્ય એક મોટો ડ્રગ લોર્ડ 'એલ મેનચો' (જેના પર 1.5 કરોડ ડોલરનું ઈનામ હતું) સૈન્ય એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો, ત્યારે પણ મેક્સિકોમાં આવી જ ભયાનક હિંસા જોવા મળી હતી.










