નિવૃત્ત કર્મચારીઓ માટે EPFOની નવી સુવિધા: હવે PFની રકમ એકસાથે નહીં, હપ્તામાં મળશે

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના સભ્યો માટે મહત્વના સમાચાર છે. EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)એ નિવૃત્ત થતા સભ્યો માટે સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન (SWP) શરૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ સુવિધા હેઠળ હવે સભ્યો પોતાની પ્રોવિડન્ટ ફંડ (PF)ની સમગ્ર બચત એકસાથે ઉપાડવાને બદલે ચોક્કસ સમયગાળા દરમિયાન નિયમિત હપ્તામાં મેળવી શકશે. આ નિર્ણયથી નિવૃત્તિ બાદ નિયમિત આવક મેળવવા ઇચ્છતા લાખો સભ્યોને ફાયદો થઈ શકે છે.
શું છે EPFOનો સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન?
SWPનો મુખ્ય ઉદ્દેશ્ય નિવૃત્ત સભ્યોને તેમની PFની જમા રકમનો ઉપયોગ નિયમિત આવકના સ્ત્રોત તરીકે કરવાની સુવિધા આપવાનો છે. અત્યાર સુધી નિવૃત્તિ બાદ સભ્યો સામાન્ય રીતે પોતાની PFની રકમ એકસાથે ઉપાડી લેતા હતા. પરંતુ નવી વ્યવસ્થામાં તેઓ પોતાની જરૂરિયાત મુજબ નિશ્ચિત સમયગાળામાં હપ્તા મેળવી શકશે. EPFOના જણાવ્યા અનુસાર, આ યોજનાથી સભ્યો પોતાની મૂળ જમા રકમ પર માલિકી જાળવી રાખીને નિવૃત્તિની બચતનું વધુ સારી રીતે સંચાલન કરી શકશે. આ રીતે નિવૃત્તિ બાદ આર્થિક સુરક્ષા અને નિયમિત આવકનો વિકલ્પ ઉપલબ્ધ થશે.
હાલના નિયમમાં શું છે જોગવાઈ?
હાલના નિયમો અનુસાર, નિવૃત્તિ બાદ સભ્યએ ત્રણ વર્ષની અંદર પોતાના PF ખાતામાંથી સંપૂર્ણ રકમ ઉપાડી લેવી જરૂરી છે. જો ખાતું નિષ્ક્રિય થઈ જાય તો તેના પર મળતું વાર્ષિક વ્યાજ પણ બંધ થઈ શકે છે. નવી SWP સુવિધા આ સ્થિતિમાં રાહત આપી શકે છે. સભ્યોને એકસાથે મોટી રકમ ઉપાડવાની ફરજ નહીં રહે અને તેઓ પોતાની બચતનો ઉપયોગ સમયાંતરે કરી શકશે.
સભ્યના મૃત્યુ બાદ નોમિનીને પણ મળશે વિકલ્પ
આ યોજનામાં સભ્યના પરિવારના હિતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. જો હપ્તા મેળવતી વખતે સભ્યનું મૃત્યુ થાય તો તેના નોમિની અથવા આશ્રિતને બાકી રહેલી રકમ એકસાથે ઉપાડવાનો અથવા અગાઉની જેમ નિયમિત હપ્તા મેળવવાનું ચાલુ રાખવાનો વિકલ્પ મળશે. આ જોગવાઈથી પરિવારને આર્થિક સુરક્ષા મળી શકે છે અને નિવૃત્તિની બચતનું સંચાલન સરળ બની શકે છે.
શરૂઆતમાં 55 વર્ષથી વધુ વયના 6.3 લાખ સભ્યોને લાભની શક્યતા
ગુરુવારે શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયેલી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠકમાં આ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રારંભિક તબક્કામાં આ સ્વૈચ્છિક યોજના વર્તમાન EPFO સભ્યો માટે શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. EPFOના અંદાજ મુજબ, શરૂઆતમાં 55 વર્ષથી વધુ વયના આશરે 6.3 લાખ સભ્યોને આ સુવિધાનો લાભ મળી શકે છે. જોકે, આ યોજનાના અમલીકરણ, હપ્તાની રકમ અને અન્ય નિયમો અંગેની વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. આ નવી વ્યવસ્થા ખાસ કરીને એવા નિવૃત્ત કર્મચારીઓ માટે ઉપયોગી બની શકે છે, જેમને પોતાની નિવૃત્તિની બચતનું એકસાથે સંચાલન કરવું મુશ્કેલ લાગે છે. નિયમિત હપ્તા દ્વારા તેઓ PFની બચતમાંથી આવક મેળવીને રોજિંદા ખર્ચનું આયોજન કરી શકશે.











