PF ખાતાધારકો માટે મોટી રાહત; મિનિમમ બેલેન્સ 25 ટકાથી ઘટાડી 10 ટકા કરાયું, ફાઈનલ ઉપાડની સમયમર્યાદા ટૂંકાવી

PF ખાતાધારકો માટે મોટી રાહત; મિનિમમ બેલેન્સ 25 ટકાથી ઘટાડી 10 ટકા કરાયું, ફાઈનલ ઉપાડની સમયમર્યાદા ટૂંકાવી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ દ્વારા ગુરુવારે સભ્યોના હિતમાં અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપવામાં આવી છે. હવે સભ્યો નિવૃત્તિ સમયે પ્રોવિડન્ટ ફંડ (PF)ની સંપૂર્ણ રકમ એકસાથે ઉપાડવાને બદલે નિયમિત હપ્તામાં (સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન હેઠળ) મેળવી શકશે. આ ઉપરાંત, ખાતામાં જાળવી રાખવાના લઘુત્તમ બેલેન્સની મર્યાદા ઘટાડવા અને બેરોજગારી બાદ ફાઈનલ સેટલમેન્ટના નિયમમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

2 મહિનાની બેરોજગારી બાદ ફરી મળશે ફાઈનલ પીએફ ઉપાડની છૂટ

જાહેરાત

EPFO બોર્ડે ગત વર્ષે લીધેલા એક નિર્ણયને પલટી નાખ્યો છે. ઓક્ટોબર 2025માં બેરોજગારી બાદ ફાઈનલ પીએફ ઉપાડવા માટેનો પ્રતીક્ષા સમય વધારીને 12 મહિના કરવામાં આવ્યો હતો, જે હવે ફરીથી ઘટાડીને 2 મહિના કરી દેવામાં આવ્યો છે. એટલે કે, બે મહિના સુધી બેરોજગાર રહેનાર સભ્યો ફરીથી પીએફના અંતિમ સેટલમેન્ટ માટે દાવો કરી શકશે. જોકે, ફાઈનલ પેન્શન ઉપાડવા માટેનો લઘુત્તમ પ્રતીક્ષા સમય 36 મહિના જ યથાવત રહેશે. આ સાથે જ સભ્યોએ જાળવી રાખવાના લઘુત્તમ બેલેન્સની મર્યાદા પણ 25 ટકાથી ઘટાડીને 10 ટકા કરવાની મંજૂરી અપાઈ છે.

નિવૃત્તિ બાદ હપ્તામાં નાણાં મળશે, બાકીની રકમ પર વ્યાજ ચાલુ રહેશે

એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ સ્કીમમાં જરૂરી સુધારા કર્યા બાદ લગભગ બે મહિનામાં સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન (SWP) લાગુ થવાની શક્યતા છે. આ વ્યવસ્થા હેઠળ નિવૃત્ત થતા સભ્યો પોતાની બચતનો સંપૂર્ણ અથવા આંશિક હિસ્સો EPF સિસ્ટમમાં રાખીને નિયમિત હપ્તામાં રકમ મેળવી શકશે અને બાકી રહેલી રકમ પર વર્તમાન EPF વ્યાજ દર મુજબ વ્યાજ મળતું રહેશે. આ પ્રસ્તાવમાં સંપૂર્ણ હપ્તામાં ઉપાડ, થોડી રકમ એકસાથે લઈને બાકીની રકમ હપ્તામાં મેળવવી અથવા માત્ર વ્યાજની રકમ ઉપાડવા જેવા વિકલ્પોનો સમાવેશ થાય છે.

6.32 લાખથી વધુ સભ્યોને લાભ થવાનો અંદાજ, નોમિનીને પણ સુરક્ષા

હાલના નિયમ મુજબ EPFO સભ્યો 58 વર્ષની નિવૃત્તિ વયે સંપૂર્ણ પીએફ રકમ ઉપાડી શકે છે અને ઓછામાં ઓછી 10 વર્ષની યોગ્ય સેવા પૂર્ણ કરનારા સભ્યોને એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ હેઠળ માસિક પેન્શન મળે છે. EPFOના આંતરિક અંદાજ મુજબ, 55 વર્ષથી વધુ વયના અને રૂ. 5 લાખથી વધુ પીએફ બચત ધરાવતા આશરે 6.32 લાખ સભ્યોને આ વિકલ્પનો લાભ મળી શકે છે. નિવૃત્ત સભ્ય કોઈપણ તબક્કે આ પ્લાન બંધ કરીને બાકીની રકમ ઉપાડી શકશે અને ચુકવણી દરમિયાન સભ્યનું અવસાન થાય તો તેમના જીવનસાથી અથવા નોમિનીને તે જ શરતો હેઠળ બાકીની રકમ મળતી રહેશે.

ડિજિટલ માધ્યમથી સ્વૈચ્છિક ફાળો અને ગિગ વર્કર્સ માટે નવી શક્યતા

આ ઉપરાંત, બોર્ડે એવી બાબત પર પણ વિચારણા કરી છે કે સભ્યો એમ્પ્લોયર પેરોલ સિસ્ટમથી અલગ, નિર્ધારિત ડિજિટલ માધ્યમથી સીધા પોતાના પીએફ ખાતામાં સ્વૈચ્છિક ફાળો જમા કરાવી શકે. અન્ય એક અલગ પ્રસ્તાવમાં ટિપ્સ, ગિફ્ટ કે ગ્રેચ્યુઈટી જેવી નાની તૃતીય-પક્ષ રકમને UAN લિંક્ડ પીએફ ખાતામાં જમા કરાવવાની મંજૂરી આપવાની ચર્ચા કરાઈ છે, જેનાથી ગિગ વર્કર્સ, પ્લેટફોર્મ વર્કર્સ, ઘરેલું કામદારો અને અસંગઠિત ક્ષેત્રના અન્ય કામદારોને પણ નિવૃત્તિ બચતનો લાભ મળી શકશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત