અસારવાથી હિંમતનગર અને ખેડબ્રહ્મા રૂટની ટ્રેનો 23 નવેમ્બરથી વહેલી ઉપડશે, જાણો બદલાયેલા સમયની વિગત

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા અસારવા–હિંમતનગર અને અસારવા–ખેડબ્રહ્મા રેલખંડ પર દોડતી ચાર મેમુ ટ્રેનોની સમય-સારણીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવું સમયપત્રક 23 નવેમ્બર 2026થી અમલમાં આવશે. આ રૂટ પર દૈનિક મુસાફરી કરતા નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને વેપારીઓએ 23 નવેમ્બરથી બદલાયેલા સમય મુજબ મુસાફરીનું આયોજન કરવાનું રહેશે.
ચારેય મેમુ ટ્રેનોના બદલાયેલા સમયની વિગત
ટ્રેન નંબર 69246 હિંમતનગર–અસારવા મેમુ (રવિવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ): આ ટ્રેન હિંમતનગર સ્ટેશનથી સવારે 06:10 વાગ્યાને બદલે 10 મિનિટ વહેલી એટલે કે સવારે 06:00 વાગ્યે ઉપડશે. રખિયાલ સ્ટેશને સવારે 06:54 વાગ્યે અને નરોડા સ્ટેશને સવારે 07:34 વાગ્યે પહોંચશે. અસારવા સ્ટેશને અગાઉના 08:10 વાગ્યાને બદલે સવારે 08:00 વાગ્યે પહોંચશે.
ટ્રેન નંબર 69252 ખેડબ્રહ્મા–અસારવા મેમુ (દરરોજ): આ ટ્રેન ખેડબ્રહ્મા સ્ટેશનથી સવારે 06:45 વાગ્યાને બદલે 5 મિનિટ વહેલી સવારે 06:40 વાગ્યે ઉપડશે. રખિયાલ સ્ટેશને સવારે 08:22 વાગ્યે અને નરોડા સ્ટેશને સવારે 08:59 વાગ્યે પહોંચશે. અસારવા સ્ટેશને સવારે 09:30 વાગ્યાને બદલે 09:25 વાગ્યે પહોંચશે.
ટ્રેન નંબર 69251 અસારવા–ખેડબ્રહ્મા મેમુ (દરરોજ): આ ટ્રેન અસારવા સ્ટેશનથી તેના નિર્ધારિત સમય સાંજે 18:25 વાગ્યે જ ઉપડશે. નરોડા સ્ટેશને સાંજે 18:34 વાગ્યે, રખિયાલ સ્ટેશને 19:06 વાગ્યે અને હિંમતનગર સ્ટેશને રાત્રે 19:57 વાગ્યે પહોંચશે. ખેડબ્રહ્મા સ્ટેશને રાત્રે 21:10 વાગ્યાને બદલે 5 મિનિટ મોડી રાત્રે 21:15 વાગ્યે પહોંચશે.
ટ્રેન નંબર 69245 અસારવા–હિંમતનગર મેમુ (શનિવાર સિવાય): આ ટ્રેન અસારવા સ્ટેશનથી સાંજે 19:20 વાગ્યાને બદલે 15 મિનિટ વહેલી સાંજે 19:05 વાગ્યે ઉપડશે. નરોડા સ્ટેશને સાંજે 19:13 વાગ્યે અને રખિયાલ સ્ટેશને 19:46 વાગ્યે પહોંચશે. હિંમતનગર સ્ટેશને રાત્રે 21:45 વાગ્યાને બદલે 40 મિનિટ વહેલી રાત્રે 21:05 વાગ્યે પહોંચશે.
દૈનિક અપડાઉન કરતા મુસાફરો પર સીધી અસર
અમદાવાદથી ઉત્તર ગુજરાતના હિંમતનગર અને ખેડબ્રહ્મા તરફ મોટી સંખ્યામાં મુસાફરો દૈનિક અપડાઉન કરે છે. ખાસ કરીને સાંજે અસારવાથી હિંમતનગર જતી ટ્રેન 15 મિનિટ વહેલી ઉપડશે અને 40 મિનિટ વહેલી પહોંચશે, જેનાથી મુસાફરોનો સમય બચશે.










