Video: ધાનપુરના રામપુરમાં લિફ્ટ ઈરિગેશન યોજના રામભરોસે

સોર્સ: gstv

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના રામપુર ગામે લિફ્ટ ઇરીગેશન યોજના બંધ હાલતમાં હોવાથી સ્થાનિક ખેડૂતોની હાલત કફોડી બની છે. ગત ચોમાસામાં ઓછા વરસાદને કારણે ખેતીને નુકસાન થયા બાદ, ખેડૂતોને સિંચાઈના પાણી મળવાની આશા હતી. રામપુર ગામની ગાડીધરા નદી પર વર્ષ ૨૦૨૨-૨૩માં ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા મીની સિંચાઈ પાણી પુરવઠા યોજના હેઠળ અંદાજે ૮૦ લાખ રૂપિયાના ખર્ચે આ યોજના તૈયાર કરવામાં આવી હતી. જોકે, ખેડૂતોના જણાવ્યા અનુસાર, માત્ર એક જ વર્ષ ચાલ્યા બાદ આ યોજના હાલ શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે. સિંચાઈનું પાણી મળશે તેવી આશાએ ખેડૂતોએ રવિ પાકનું વાવેતર તો કરી દીધું છે, પરંતુ હવે પાણી ન મળતા ઊભો પાક સુકાવા લાગ્યો છે. ખેડૂતોને ચિંતા છે કે જો વહેલી તકે સિંચાઈનું પાણી નહીં મળે, તો મોંઘા ભાવના બિયારણ અને ખાતરનો ખર્ચ પણ માથે પડશે અને ખેતીમાં મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત