₹15 કરોડનો બિઝનેસ છોડી એક જ પરિવારના ચાર સભ્યો લેશે જૈન દીક્ષા

ભૌતિક સુખ-સુવિધા અને કરોડોના વેપારને છોડીને આધ્યાત્મિક માર્ગ અપનાવવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે રાજસ્થાનના ઉદયપુરના એક પરિવારે આવો જ અનોખો નિર્ણય લીધો છે. પરિવારના ચાર સભ્યો વાર્ષિક આશરે ₹15 કરોડનું ટર્નઓવર ધરાવતો ટેક્સટાઇલ બિઝનેસ (Textile Business) છોડીને જૈન દીક્ષા (Jain Diksha) ગ્રહણ કરવા જઈ રહ્યા છે. આગામી 8 ફેબ્રુઆરી, 2027ના રોજ સુરતમાં ચારેય સભ્યો સંયમ જીવન અંગીકાર કરશે. દીક્ષા લેનારાઓમાં 47 વર્ષીય દિલીપભાઈ ભોગર, તેમનાં 45 વર્ષીય પત્ની જ્યોતિબેન અને બે પુત્રીઓ 22 વર્ષીય છવિ તથા 14 વર્ષીય ચાર્વીનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે તેમની અન્ય એક પુત્રી શૈલીએ વર્ષ 2023માં જૈન દીક્ષા લીધી હતી અને હાલમાં તે સાધ્વી દર્શિતા તરીકે ઓળખાય છે.
એક નાની દુકાનથી ઊભો કર્યો કરોડોનો બિઝનેસ
દિલીપભાઈ મૂળ રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના જસવંતગઢ ગામના વતની છે. તેઓ સુરત આવ્યા બાદ એક નાની દુકાનથી કાપડના વ્યવસાયની શરૂઆત કરી હતી. સમય જતાં વેપારમાં સફળતા મળતાં તેમણે વધુ બે દુકાનો શરૂ કરી અને અનેક મશીનો સ્થાપિત કર્યા હતા. આ રીતે તેમણે વાર્ષિક ₹15 કરોડના ટર્નઓવર ધરાવતો મોટો ટેક્સટાઇલ બિઝનેસ ઊભો કર્યો હતો. દિલીપભાઈ જ્યારે પોતાના વ્યવસાયને વધુ વિસ્તારવાની યોજના બનાવી રહ્યા હતા, ત્યારે તેમની મુલાકાત એક જૈન આચાર્ય સાથે થઈ હતી. આ મુલાકાત બાદ જૈન ધર્મ અને સંયમ જીવન પ્રત્યે તેમનો લગાવ વધતો ગયો. વર્ષ 2023માં પુત્રી શૈલીએ દીક્ષા લીધા બાદ તેમણે પણ વ્યવસાય સમેટવાની શરૂઆત કરી અને સંયમ માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ પત્ની અને બંને પુત્રીઓએ પણ તેમની સાથે દીક્ષા લેવાની તૈયારી દર્શાવી.
પુત્રીઓએ પણ છોડ્યો અભ્યાસ અને વ્યવસાય
પરિવારની મોટી પુત્રી છવિએ ગ્રાફિક ડિઝાઇનમાં BBAનો અભ્યાસ કર્યો છે. તેણે ક્રોશેટ (Crochet) દ્વારા સુશોભનની અને ઉપયોગી વસ્તુઓ બનાવવાનો વ્યવસાય પણ શરૂ કર્યો હતો. જોકે, પિતાના સંયમ માર્ગના નિર્ણય બાદ તેણે માત્ર ચાર મહિનામાં પોતાનો વ્યવસાય છોડી દીધો હતો. બીજી તરફ, 14 વર્ષીય ચાર્વીએ ધોરણ 9નો અભ્યાસ અધવચ્ચે છોડ્યો છે. તે સુરતમાં જિલ્લા કક્ષાએ ફૂટબોલ પણ રમી ચૂકી છે.
દીક્ષા પહેલાં કઠિન જીવનશૈલીની તૈયારી
દીક્ષા ગ્રહણ કરતાં પહેલાં પરિવારના ચારેય સભ્યોએ જૈન સાધુ-સાધ્વીઓ સાથે સમય વિતાવીને સંયમ જીવનની દિનચર્યા સમજવાનો પ્રયાસ કર્યો છે. તેમણે પગપાળા વિહાર, આહારના નિયમો અને ત્યાગપૂર્ણ જીવનશૈલીની તાલીમ પણ લીધી છે. હવે 8 ફેબ્રુઆરીએ સુરતમાં આ પરિવારના ચાર સભ્યો સાંસારિક જીવનનો ત્યાગ કરીને જૈન સાધુ-સાધ્વી જીવનની શરૂઆત કરશે.









