મોંઘવારીના મારથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું: કોંગ્રેસનો મોદી સરકાર પર સીધો પ્રહાર

દેશમાં સતત વધી રહેલી મોંઘવારીને લઈને કોંગ્રેસે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. દૂધ, ઘી, ખાદ્યતેલ, મીઠું અને બિસ્કિટ જેવી જીવનજરૂરી વસ્તુઓથી લઈને મોબાઈલ અને ટીવી સુધીની કિંમતોમાં વધારો થતાં સામાન્ય પરિવારોનું બજેટ ખોરવાઈ ગયું હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. પક્ષે સરકાર પાસે મોંઘવારીની વાસ્તવિક સ્થિતિ અંગે શ્વેતપત્ર (White Paper) જાહેર કરવાની માંગ કરી છે. કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ આકરા પ્રહારો કર્યા છે. પક્ષે વડાપ્રધાનને 'પ્રવચનમંત્રી' ગણાવી કટાક્ષ કર્યો છે કે દેશની જનતા મોંઘવારીનો બેવડો માર આખરે ક્યાં સુધી સહન કરશે? માત્ર ભાષણો અને આશ્વાસનો આપવાને બદલે સરકાર મોંઘવારી નિયંત્રણમાં લેવા માટે નક્કર પગલાં જાહેર કરે તેવી માંગ પણ કરવામાં આવી છે.
રસોડાથી લઈને ઇલેક્ટ્રોનિક્સ સુધી ભાવવધારો
કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા મારફતે મોંઘવારીના મુદ્દે સરકારને ઘેરી છે. તેમણે જણાવ્યું કે હાલમાં અખબારોની હેડલાઇન્સમાં મોંઘવારીનો મુદ્દો છવાયેલો છે. દૂધ, ઘી અને ખાદ્યતેલ જેવી આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થવાથી ગૃહિણીઓ માટે ઘરનું બજેટ સંભાળવું મુશ્કેલ બની રહ્યું છે. જયરામ રમેશે વધુમાં જણાવ્યું કે મોંઘવારીનો પ્રભાવ હવે માત્ર રસોડા પૂરતો મર્યાદિત રહ્યો નથી. મીઠું અને બિસ્કિટ જેવી સામાન્ય વપરાશની વસ્તુઓ ઉપરાંત મોબાઈલ અને ટીવી જેવી ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ પણ મોંઘી થઈ રહી છે. આ સ્થિતિમાં મધ્યમવર્ગીય પરિવારો પર આર્થિક બોજ વધી રહ્યો છે.
સરકાર પાસે એક્શન પ્લાનની માંગ
કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે વધતી કિંમતોને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકાર પાસે શું નક્કર એક્શન પ્લાન (Action Plan) છે? મોંઘવારીના કારણે સામાન્ય નાગરિકો અને મધ્યમવર્ગને પડી રહેલી મુશ્કેલીઓ અંગે સરકાર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરે તેવી માંગ કરવામાં આવી છે. કોંગ્રેસનું કહેવું છે કે સરકાર મોંઘવારીના વાસ્તવિક આંકડા અને તેની અસર અંગે શ્વેતપત્ર જાહેર કરે, જેથી દેશની જનતાને આર્થિક સ્થિતિની સાચી જાણકારી મળી શકે. હવે મોંઘવારીના મુદ્દે વિપક્ષના આક્રમક વલણ સામે કેન્દ્ર સરકાર શું જવાબ આપે છે તેના પર સૌની નજર છે.








