ગૃહિણીઓના બજેટ પર મોંઘવારીનો વધુ એક ફટકો: ચાલુ વર્ષે દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹૪ થી ₹૮ નો તોતિંગ વધારો!

ગૃહિણીઓના બજેટ પર મોંઘવારીનો વધુ એક ફટકો: ચાલુ વર્ષે દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹૪ થી ₹૮ નો તોતિંગ વધારો!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

દેશમાં સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોને વધુ એક ફટકો પડ્યો છે. રોજિંદા વપરાશની આવશ્યક ચીજવસ્તુ દૂધના ભાવમાં ચાલુ નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન પ્રતિ લિટર ₹4થી ₹8 સુધીનો વધારો થયો છે. દૂધના ભાવમાં થયેલા આ વધારાને કારણે ગૃહિણીઓના રસોડાનું બજેટ ખોરવાઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે શિયાળાની સિઝનમાં દૂધની આવક વધતી હોવા છતાં ભાવમાં ઘટાડો થવાને બદલે વધારો નોંધાયો છે. ક્રેડિટ રેટિંગ એજન્સી કેરએજ રેટિંગ્સ (CareEdge Ratings)ના તાજેતરના અહેવાલ મુજબ, મે મહિનામાં અમૂલ અને મધર ડેરી દ્વારા ભાવવધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નવેમ્બરમાં ફરી પ્રતિ લિટર ₹2થી ₹6 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આના કારણે દૂધ ખરીદવા માટે ગ્રાહકોએ હવે વધુ ખર્ચ કરવો પડી રહ્યો છે.

શિયાળામાં પણ કેમ વધી રહ્યા છે ભાવ?

સામાન્ય રીતે ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન શિયાળાની ફ્લશ સિઝન (Flush Season)માં દૂધનું ઉત્પાદન વધતું હોવાથી પુરવઠો પૂરતો રહે છે અને ભાવ સ્થિર રહેવાની અપેક્ષા હોય છે. જોકે, આ વર્ષે સ્થિતિ અલગ જોવા મળી રહી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, પશુઓના ઉત્પાદન ચક્રમાં ફેરફાર અને દૂધમાં ફેટ (Fat)નું પ્રમાણ ઘટવાથી ડેરી કંપનીઓને પૂરતો પુરવઠો મળી રહ્યો નથી. બીજી તરફ ઘાસચારો અને પશુઆહાર મોંઘો થતાં દૂધ ઉત્પાદનનો ખર્ચ વધ્યો છે. પેકેજિંગ અને પરિવહન (Transportation) ખર્ચમાં પણ વધારો થયો છે. આ ઉપરાંત સ્કિમ્ડ મિલ્ક પાવડર (SMP) અને માખણનો સ્ટોક ઘટતાં દૂધ પાવડરના ભાવમાં વાર્ષિક 36 ટકાનો ઉછાળો નોંધાયો છે. આ તમામ પરિબળોની અસર દૂધના છૂટક ભાવ પર પડી રહી છે.

જાહેરાત

આગામી મહિનાઓમાં પણ રાહતની શક્યતા ઓછી

અહેવાલ મુજબ, વર્ષ 2019માં દૂધનો સરેરાશ ભાવ પ્રતિ લિટર ₹42.8 હતો, જે વધીને હવે ₹60.4 થયો છે. રેટિંગ એજન્સીના અનુમાન પ્રમાણે આગામી મહિનાઓમાં પણ દૂધના ભાવ ઊંચા રહેવાની શક્યતા છે. જોકે, વધતી માંગ અને પુરવઠાની જરૂરિયાતને પહોંચી વળવા ડેરી કંપનીઓ આગામી ત્રણ વર્ષમાં આશરે ₹15,000 કરોડનું નવું રોકાણ કરવાની યોજના ધરાવે છે. પરંતુ આ રોકાણની અસરથી ગ્રાહકોને તાત્કાલિક રાહત મળશે કે નહીં તે જોવાનું રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત