અમદાવાદ રેલવે સ્ટેશન પર 3 નવા પ્લેટફોર્મ તૈયાર, વંદે ભારત સહિતની ટ્રેનોને મળશે રાહત

અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા અને ટ્રેન વ્યવહારની ક્ષમતા વધારવા માટે તૈયાર કરવામાં આવેલા પ્લેટફોર્મ નંબર 10, 11 અને 12નું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. આ ત્રણેય પ્લેટફોર્મ નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની નીચે બનાવવામાં આવ્યાં છે. કમિશનર ઓફ રેલવે સેફ્ટી (CRS) દ્વારા નવી બ્રોડગેજ લાઇનોનું સુરક્ષા નિરીક્ષણ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. જરૂરી મંજૂરી અને ઔપચારિકતાઓ પૂરી થયા બાદ અહીંથી એક્સપ્રેસ, વંદે ભારત અને લોકલ પેસેન્જર ટ્રેનોનું સંચાલન શરૂ થઈ શકશે.
ત્રણ નવી બ્રોડગેજ લાઇનો તૈયાર
અમદાવાદ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ (Redevelopment) અને યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટ હેઠળ આ ત્રણ નવા પ્લેટફોર્મ તૈયાર કરાયાં છે. તેના માટે 16, 17 અને 18 નંબરની ત્રણ નવી બ્રોડગેજ રેલવે લાઇનો પણ બનાવવામાં આવી છે. મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટના બાંધકામને કારણે પ્લેટફોર્મ નંબર 10 જુલાઈ 2022થી બંધ હતું. હવે નવા પ્લેટફોર્મ કાર્યરત થતાં સ્ટેશનની ટ્રેનો સંભાળવાની ક્ષમતામાં વધારો થશે અને ટ્રેન વ્યવહાર વધુ સરળ બનવાની અપેક્ષા છે. રવિવારે કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી વી. સોમન્નાએ અમદાવાદ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ અને નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી હતી. આ દરમિયાન રેલવે તથા પ્રોજેક્ટના અધિકારીઓએ તેમને બાંધકામની પ્રગતિ, મુસાફરોની સુવિધાઓ અને ભવિષ્યના આયોજન અંગે માહિતી આપી હતી.
પ્લેટફોર્મની ઉપર બનશે બુલેટ ટ્રેન સ્ટેશન
મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદમાં આશરે 38,000 ચોરસ મીટર વિસ્તારમાં બુલેટ ટ્રેન સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે. આ સ્ટેશન હાલના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 10, 11 અને 12ની ઉપર વિકસાવવામાં આવી રહ્યું છે. તેમાં બે પ્લેટફોર્મ હશે. સ્ટેશનની ડિઝાઇનમાં અમદાવાદની સંસ્કૃતિ અને સ્થાપત્ય વારસાની ઝલક જોવા મળશે. તેની છતની ડિઝાઇન પતંગોથી પ્રેરિત છે, જ્યારે બહારની રચનામાં સીદી સૈયદની જાળી (Sidi Saiyyed Jali)ની કોતરણીની પ્રેરણા લેવામાં આવી છે. અહીં આધુનિક વેઇટિંગ લાઉન્જ, રેસ્ટરૂમ, રિટેલ આઉટલેટ્સ, લિફ્ટ અને એસ્કેલેટર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.
રેલવે, મેટ્રો અને બુલેટ ટ્રેનનું જોડાણ
બુલેટ ટ્રેન સ્ટેશનને હાલના અમદાવાદ રેલવે સ્ટેશન અને કાલુપુર મેટ્રો સ્ટેશન સાથે જોડવામાં આવશે. આ વ્યવસ્થાથી મુસાફરો પરંપરાગત ટ્રેન, હાઈ-સ્પીડ રેલ અને મેટ્રો વચ્ચે સરળતાથી અવરજવર કરી શકશે.
અન્ય બે પ્રોજેક્ટથી પણ ટ્રેન વ્યવહાર સુધરશે
અમદાવાદ વિસ્તારમાં ટ્રેન વ્યવહાર સુધારવા માટે અસારવા રેલવે સ્ટેશન અને સાબરમતી 'એ' કેબિન વચ્ચે નવી બ્રોડગેજ બાયપાસ લાઇન (Y-Connectivity) પણ બનાવવામાં આવી છે. આ લાઇનનું પણ CRS દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે. તેનાથી અલગ-અલગ રેલવે રૂટ વચ્ચે કનેક્ટિવિટી વધશે. આ ઉપરાંત અમદાવાદ રેલવે સ્ટેશન અને કાંકરિયા ડેપો વચ્ચે પાંચમી રેલવે લાઇન વિકસાવવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ટ્રેનોની અવરજવર વધુ સુવ્યવસ્થિત બનશે અને રેલવે ટ્રાફિકના દબાણમાં ઘટાડો થવાની અપેક્ષા છે. આમ, અમદાવાદને રેલવે, મેટ્રો અને બુલેટ ટ્રેનને જોડતું આધુનિક પરિવહન કેન્દ્ર બનાવવાની દિશામાં કામગીરી આગળ વધી રહી છે.









