દુબઈ વેકેશન પરથી પરત ફરેલા પરિવારને આંચકો: અમદાવાદના પાલડી સ્થિત ઘરમાંથી ₹૧18 લાખની ચોરી

દુબઈ વેકેશન પરથી પરત ફરેલા પરિવારને આંચકો: અમદાવાદના પાલડી સ્થિત ઘરમાંથી ₹૧18 લાખની ચોરી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

દુબઈમાં વેકેશન ગાળીને પરત ફરેલા પાલડીના એક પરિવારને પોતાના ઘરમાં ચોરી થયાની જાણ થતાં મોટો આંચકો લાગ્યો હતો. તસ્કરો ઘરના તાળા તોડી સોના-ચાંદીના દાગીના, ₹10 લાખ રોકડા અને અન્ય કિંમતી વસ્તુઓ સહિત કુલ ₹17.9 લાખની મતા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટના 9થી 15 નવેમ્બર દરમિયાન બની હતી, જ્યારે પરિવાર દુબઈ પ્રવાસે ગયો હતો. પાલડીની શારદા સોસાયટીમાં રહેતા અને નારોલની સરદાર પટેલ એસ્ટેટમાં 'નાયલોન વાલ્વ પ્રાઇવેટ લિમિટેડ' નામની ફેક્ટરી ચલાવતા તૃષિત જાની (46)એ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તૃષિત જાની અને તેમના પરિવાર સાથે તેમના નાના ભાઈ રુષિત જાનીનો પરિવાર પણ 9 નવેમ્બરના રોજ બપોરે આશરે 3 વાગ્યે ઘર બંધ કરીને દુબઈ જવા રવાના થયો હતો.

બેડરૂમના કબાટ અને લોકર તોડી ચોરી

15 નવેમ્બરના રોજ સવારે આશરે 9:30 વાગ્યે પરિવાર પરત ફર્યો ત્યારે ઘરના પહેલા માળે આવેલા બેડરૂમમાં સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. બંને ભાઈઓના બેડરૂમમાં કબાટનાં તાળાં તૂટેલાં હતાં. કબાટમાં રાખેલા હોમ લોકર્સ પણ તોડી નાખવામાં આવ્યા હતા અને જમીન પર પડેલા હતા. ઘરની તપાસ કરતાં આશરે ₹6.4 લાખની કિંમતના સોનાના દાગીના ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. તેમાં ચાર સોનાની બંગડીઓ, બ્રેસલેટ, બે ચેઈન, બે વીંટીઓ, સોનાનો સેટ, પાંચ જોડી બુટ્ટી અને સોનાની લગડીનો સમાવેશ થાય છે.

જાહેરાત

₹10 લાખ રોકડા પણ લઈ ગયા

તસ્કરો ₹1.04 લાખની કિંમતની ચાંદીની વસ્તુઓ પણ ચોરી ગયા હતા. તેમાં પાંચ ચાંદીના સિક્કા, પૂજાના સિક્કા ભરેલી થેલી અને આશરે 1.3 કિલો વજનનાં ચાંદીનાં વાસણો સામેલ છે. આ ઉપરાંત ઘરમાંથી ₹10 લાખ રોકડા, ₹10 હજારની કિંમતનું ડિજિટલ વીડિયો રેકોર્ડર (DVR) અને ₹30 હજારનું એપલ આઈપેડ (Apple iPad) પણ ચોરાયું હતું. પાલડી પોલીસે તૃષિત જાનીની ફરિયાદના આધારે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તસ્કરો ઘરમાં કેવી રીતે પ્રવેશ્યા અને ચોરીને કેવી રીતે અંજામ આપ્યો તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત