અમદાવાદમાં પરિવાર દુબઈ ફરવા ગયો અને ઘરને ચોરોએ બનાવ્યું ટાર્ગેટ

અમદાવાદમાં ચોરીની ઘટનાઓ દિવસે અને દિવસે સામાન્ય બનતી જાય છે. સુરક્ષિત અમદાવાદના દાવાઓ વચ્ચે પાલડીમાં રહેતા અને ફેક્ટરી ચલાવતા તૃષિત જાનીના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ 17.84 લાખની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે.
પરિવાર સાથે દુબઈ ફરવા ગયા તે સમયે ઘરને ચોરોએ બનાવ્યું ટાર્ગેટ
તૃષિતભાઈ પરિવાર સાથે 9 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર દરમિયાન દુબઈ ફરવા ગયા હતા, તે સમયગાળાનો લાભ ઉઠાવી અજાણ્યા શખ્સોએ તેમના ઘરના મુખ્ય દરવાજા તેમજ બેડરૂમમાં રહેલા કબાટ અને લોકરના તાળાં તોડીને અંદરથી રોકડ, સોનાના દાગીના, ચાંદીના દાગીના અને સિક્કા તેમજ ડીવીઆર અને આઈપેડની ચોરી કરી હતી, જે સમગ્ર મામલે ભોગ બનનાર પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પરત ફર્યા ત્યારે ઘરના તાળાં તૂટેલા હતા અને સામાન વેરવિખેર હતો
પાલડી વિસ્તારમાં રહેતા અને ફેક્ટરી ચલાવતા તૃષિત રમેશભાઈ જાનીના બંધ મકાનમાં લાખો રૂપિયાની ચોરી થઈ હોવાનો બનાવ બન્યો છે. તૃષિતભાઈ તેમના પરિવાર સાથે તારીખ 09 ઓક્ટોબરે બપોરે ઘરને તાળું મારીને દુબઈ ફરવા ગયા હતા. ત્યારબાદ તારીખ 15 ઓક્ટોબરે સવારે તેઓ પરત ફર્યા ત્યારે ઘરનો દરવાજો અને તાળાં તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા. ઘરમાં પ્રવેશ કરીને તપાસ કરતા ઘરના પહેલા માળે આવેલા તેમના અને તેમના નાના ભાઈ રૂષિતના બેડરૂમના દરવાજા તથા અંદર રહેલા લાકડાના કબાટના તાળાં તૂટેલા હતા. આ ઉપરાંત બંને રૂમમાં સામાન વેરવિખેર પડેલો હતો અને કબાટમાં રહેલા ગોદરેજ કંપનીના લોકર પણ તોડી નાખવામાં આવ્યા હતા.
ચોરોએ બંને બેડરૂમમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ અને અન્ય કિંમતી સામાનની ચોરી કરી હતી. ચોરાયેલા મુદ્દામાલમાં આશરે 128 ગ્રામ વજનના રૂપિયા 6,40,000ની કિંમતના સોનાના દાગીના, 1 કિલો 300 ગ્રામ વજનના રૂપિયા 1,04,000ની કિંમતના ચાંદીના દાગીના અને સિક્કા, રૂપિયા 10,00,000ની અલગ-અલગ દરની રોકડ રકમ તેમજ રૂપિયા 40,000ની કિંમતના ડીવીઆર અને આઈપેડનો સમાવેશ થાય છે. આમ, અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસીને કુલ રૂપિયા 17,84,000ની ચોરી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.









