અમદાવાદમાં જ્વેલરી શોરૂમમાં મોટો ખેલ: નકલી દાગીના મૂકી મેનેજર 40 લાખનું ફૂલેકું ફેરવી રફૂચક્કર

અમદાવાદના શિવરંજની વિસ્તારમાં લાખો રૂપિયાના સોનાની ઉચાપતની ઘટના સામે આવી છે. એક જ્વેલર્સમાં વાર્ષિક ઓડિટ દરમિયાન આ સમગ્ર વિગત બહાર આવી. જેમાં શોરૂમના મેનેજરે જ ઓરિજનલ સોનાના દાગીનાની જગ્યાએ ઈમિટેશનની નકલી જ્વેલરી મૂકીને તેના પર અસલ બારકોડ લગાવી રૂ.40.70 લાખની કિંમતના આશરે 325 ગ્રામ વજનના 48 નંગ સોના-ચાંદીના દાગીના અને સિક્કા ચાંઉ કર્યાનો ખુલાસો થયો છે. ઓડિટ દરમિયાન પોતાનો ભાંડો ફૂટવાની શંકા જતા મેનેજર નાસ્તો લેવાના બહાને ફરાર થઈ ગયો હતો. જે અંગે જ્વેલરી શોરુમના સેલ્સ એક્ઝિક્યુટિવે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઈન્વેન્ટરી ટીમની વાર્ષિક રિપોર્ટમાં સામે આવી વિગત
મળતી માહિતી પ્રમાણે, ઘોડાસરમાં રહેતા અને શિવરંજની ક્રોસ રોડ પાસે એક જ્વેલર્સમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતા 23 વર્ષિય યુવકે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવાયું છે કે, સેટેલાઈટ વિસ્તારમાં આવેલા જ્વેલર્સના શો રૂમમાં હેડ ઓફિસે સુરતની ઈન્વેન્ટરી ટીમ દ્વારા ગત 28થી 30 ઓક્ટોબર દરમિયાન વાર્ષિક ઓડિટ કરવામાં આવ્યું હતું. આ ઓડિટ દરમિયાન સ્ટોરના સ્ટોક રેકર્ડ અને ફિઝિકલ સ્ટોક ચેક કરતાં સોનાના દાગીના તથા સોનાના સિક્કાની સંખ્યામાં મોટો તફાવત જોવા મળ્યો હતો.
સોનાની અસલ ચેઈનોની જગ્યાએ ઈમિટેશન જ્વેલરીની ખોટી ચેઈનો મૂકી છેતરપિંડી
તપાસમાં સોનાની અસલ ચેઈનોની જગ્યાએ ઈમિટેશન જ્વેલરીની ખોટી ચેઈનો મૂકી દેવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં, કેટલીક ખોટી ચેઈનો સ્ટોર મેનેજરના ટેબલમાંથી મળી આવી હતી. જેના પર અસલ સોનાની ચેઈનોના બારકોડ લેબલ લગાવેલા હતા. આ અંગે ઓડિટ ટીમે સ્ટોરમાં હાજર કર્મચારીઓની પૂછપરછ શરૂ કરતાં સ્ટોર મેનેજર જમવાનું અને નાસ્તો લેવા જવાના બહાને બહાર નીકળી ગયો હતો. ઘણો સમય થયો છતાં તે પાછો ના આવતા ઓડિટ ટીમે તેના મોબાઈલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેનો ફોન બંધ આવતો હતો. જેથી ઓડિટ ટીમને સ્ટોર મેનેજર જ દાગીનાની ઉચાપત કરીને ભાગી ગયો હોવાની શંકા ગઈ હતી.
સ્ટોર મેનેજર જ સોના-ચાંદીના દાગીનાની ઉચાપત કરી ફરાર
કંપની દ્વારા તપાસ કરતાં સ્ટોર મેનેજરે ગત 9 જાન્યુઆરીથી 30 ઓક્ટોબર દરમિયાન સ્ટોરમાંથી કુલ 48 નંગ દાગીના અને સિક્કાની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું હતું. જેમાં સોનાના 21 સિક્કા, ચાંદીનો 1 સિક્કો, સોનાના 6 બ્રેસલેટ, સોનાની 16 ચેઈન, સોનાના 3 નેકલેસ અને 1 પેન્ડન્ટનો સમાવેશ થાય છે. આ તમામ દાગીનાનું કુલ વજન આશરે 325 ગ્રામ અને બજાર કિંમત 40,70,872 રૂપિયા થાય છે.
આરોપી મેનેજરને ઝડપી પાડવા પોલીસ તપાસ તેજ
આરોપીએ કેટલીક અસલ સોનાની ચેઈનોની જગ્યાએ ઈમિટેશનની ખોટી ચેઈનો મૂકી અસલ દાગીના સગેવગે કરી દીધા હતા. આ સમગ્ર મામલે, સ્ટોર મેનેજર સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને પગલે પોલીસે સ્ટોર મેનેજરને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.









