અમદાવાદમાં વહેલી સવારે રિક્ષામાં બેસતા પહેલા ચેતજો! ગીતામંદિરથી બેઠેલા નણંદ-ભાભીને અવાવરું ગલીમાં લઈ જઈ છરીના ઘા ઝીંક્યા, વાંચો ચોંકાવનારી ઘટના

અમદાવાદમાં રિક્ષામાં મુસાફરોને બેસાડી લૂંટ ચલાવવાનો બનાવ સતત વધી રહ્યા છે. રાજસ્થાનથી અમદાવાદ સંબંધીના ઘરે આવેલા નણંદ-ભાભી ગુરુવારે વહેલી સવારે ગીતામંદિરથી રામોલ જવા રિક્ષામાં બેઠાં હતાં. રિક્ષાચાલક અને તેની સાથે પહેલેથી બેઠેલા શખ્સે બંને મહિલાઓને નારોલમાં એક ગલીમાં લઈ જઈ પંચર પડ્યાનું બહાનું કાઢ્યું હતું. મહિલાઓએ નીચે ઊતરવાની ના પાડતાં બંને શખ્સોએ છરીથી હુમલો કરી સોનાના ઝુમ્મર, મોબાઇલ અને રોકડ મળી રૂ.91 હજારની લૂંટ ચલાવી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી પ્રમાણે, રાજસ્થાનના પાલી જિલ્લાના ધનાપુરા ગામે રહેતાં 52 વર્ષીય મહિલા અને સિરોહી જિલ્લાના ભેવ ગામે રહેતાં તેમનાં નણંદ 11 નવેમ્બરની રાત્રે ખાનગી ટ્રાવેલ્સમાં અમદાવાદ આવવા નીકળ્યાં હતાં. રામોલના અદાણી સર્કલ પાસે દેવસ્ય સિટીમાં રહેતા સંબંધીનું ઓપરેશન થયું હોવાથી બંને તેમનાં ખબરઅંતર પૂછવા આવ્યાં હતાં.
અંધારાનો લાભ લઈ રિક્ષા ઉભી રાખી મહિલાઓ સાથે લૂંટ
12 નવેમ્બરે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે બંને મહિલાઓ ગીતામંદિર ખાતે ઊતર્યાં હતાં. ત્યારબાદ સવા ચાર વાગ્યે રામોલ જવા માટે રિક્ષામાં બેઠાં હતાં. રિક્ષામાં ચાલક ઉપરાંત પહેલેથી જ એક અજાણ્યો શખ્સ બેઠેલો હતો. બંનેને રામોલ લઈ જવાને બદલે રિક્ષાચાલક અંધારાનો લાભ લઈ અજાણ્યા રસ્તે થઈ નારોલ ખાતે એક ગલીમાં લઈ ગયો હતો. સવારે પાંચેક વાગ્યે રિક્ષા ઊભી રાખી પંચર પડ્યું હોવાનું કહી બંને મહિલાઓને નીચે ઊતરવા કહ્યું હતું.
જોકે, મહિલાઓએ રિક્ષામાંથી ઊતરવાની ના પાડતાં ચાલકે સીટ નીચેથી છરી કાઢી હુમલો કર્યો હતો. મહિલાએ બચવા હાથ આડો કરતાં તેમના જમણા હાથના પંજા અને ડાબા હાથના કાંડામાં છરી વાગી હતી. તેમણે બૂમાબૂમ કરતાં સાથેના શખ્સે તેમનું મોઢું દબાવી દીધું હતું. જ્યારે બીજા શખ્સે મહિલા પર છરીથી હુમલો કરતાં તેમના ડાબા હાથે ઈજા થઈ હતી.
મહિલાઓને છરીના ઘા ઝીંકી સોનાની લૂંટ
બંને મહિલાઓને ઈજા પહોંચાડ્યા બાદ લૂંટારુઓએ મહિલાના કાનમાં પહેરેલાં આશરે રૂ.80 હજારની કિંમતનાં સોનાનાં ઝુમ્મર ખેંચી લીધાં હતાં. આ ઉપરાંત રૂ.8 હજારની કિંમતનો મોબાઈલ અને રૂ. 3 હજાર રોકડા ભરેલું પર્સ પણ લૂંટી લીધું હતું. કુલ રૂ.91 હજારની મતા લૂંટી બંને શખ્સો ફરાર થઈ ગયા હતા.
અજાણ્યા બે શખ્સો સામે ફરિયાદ
ઈજાગ્રસ્ત હાલતમાં બંને મહિલાઓ થોડે દૂર જઈ બીજી રિક્ષામાં સિંગરવા ખાતે રહેતા સંબંધીના ઘરે પહોંચ્યાં હતાં. ત્યારબાદ સિંગરવા સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. આ મામલે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં 25થી 30 વર્ષની વયના બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.














