PM મોદીના પ્રવાસને પગલે આબુ-અંબાજી જતાં આ રસ્તાઓ રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

બનાસકાંઠાના અંબાજી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને લઈને કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. વડાપ્રધાન 13-14 ગુજરાતના પ્રવાસે છે, ત્યારે અંબાજીની મુલાકાતને ધ્યાનમાં રાખીને તંત્રએ અંબાજીને જોડતા માર્ગો પર ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કર્યું છે. અધિક જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલું જાહેરનામું આગામી 14 નવેમ્બર સુધી અમલી રહેશે.
પ્રતિબંધિત-વૈકલ્પિક માર્ગ
જાહેરનામા અનુસાર, હિંમતનગર તરફથી અંબાજી થઈને આબુરોડ જતાં વાહનો હડાદ- પાલનપુર મારફતે આબુરોડ જઈ શકશે. જ્યારે આબુરોડ તરફથી અંબાજી થઈને હિંમતનગર જનારા વાહનચાલકોએ અંબાજીનો માર્ગ ટાળવો પડશે. જેમાં તેઓને અંબાજીના રસ્તાની જગ્યાએ પાલનપુર થઈને હિંમતનગર જવાનું રહેશે.
અંબાજી દર્શાનાર્થે જતાં માઈભક્તો માટે યોગ્ય રસ્તો
બીજી તરફ, હિંમતનગર અને પાલનપુરથી અંબાજી દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડશે. જેમાં હિંમતનગરથી આવતા લોકોએ હડાદ-દાંતા મારફતે અને પાલનપુર બાજુથી આવનારા માઈભક્તો બાલારામ-વિરમપુર મારફતે પાલનપુર-દાંતા માર્ગે અંબાજી પહોંચી શકશે.
14 નવેમ્બર સુધી અમલી રહેશે જાહેરનામું
અંબાજી ખાતે વડાપ્રધાન મોદીના પ્રવાસને પગલે સ્થાનિક તંત્રએ ટ્રાફિક અંગે બહાર પાડેલું જાહેરનામું આગામી 14 નવેમ્બર સુધી વાહનચાલકોને લાગુ પડશે.
બે દિવસ ગુજરાતના પ્રવાસે PM મોદી
વડાપ્રધાન 13 નવેમ્બરે રાત્રે અમદાવાદ પહોંચ્યા બાદ ગાંધીનગરના રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. જ્યારે બીજા દિવસે 14 નવેમ્બરે સવારે 10 વાગ્યા આસપાસ PM મોદી હેલિકોપ્ટર મારફતે અમદાવાદથી બનાસકાંઠા જવા રવાના થશે. જ્યાં બપોરે અંબાજી ખાતે વડાપ્રધાન દર્શન અને પૂજાવિધિ કરશે. વડાપ્રધાનના આગમનને પગલે સ્થાનિક વહીવટી તંત્ર એલર્ટમાં છે અને સુરક્ષા સંબંધિત તમામ તૈયારીઓ કરવામાં આવી છે.















