સિનિયર એડવોકેટ આઇ. એચ. સૈયદના વર્તન સામે હાઇકોર્ટની લાલ આંખ, ચીફ જસ્ટિસને સોંપાયો મામલો

ગુજરાત હાઇકોર્ટે જાણીતા સિનિયર એડવોકેટ આઇ. એચ. સૈયદના કોર્ટમાં આક્રમક અને અસભ્ય વર્તન સામે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે. એક જામીન અરજીની સુનાવણી દરમિયાન થયેલા આ બનાવને પગલે જસ્ટિસ એચ.ડી. સુથારે તે દિવસની કોર્ટ કાર્યવાહીના લાઇવ સ્ટ્રીમિંગનું રેકોર્ડિંગ અને તેની ટ્રાન્સક્રિપ્ટ હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલને મોકલવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ વર્તનને ગંભીર ગણાવી ભવિષ્યમાં પુનરાવર્તન થશે તો કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે.
‘કોર્ટ પાસે સમય નથી’ કહી વકીલે કર્યો હતો વિરોધ
આ ઘટના 3 નવેમ્બરના રોજ એક જામીન અરજીની સુનાવણી દરમિયાન બની હતી. દિવાળી વેકેશન નજીક હોવાથી કોર્ટમાં સમયનો અભાવ હતો. આથી જસ્ટિસ એચ.ડી. સુથારે એડવોકેટ આઇ. એચ. સૈયદને લાંબી મૌખિક દલીલો કરવાને બદલે પોતાની રજૂઆત લેખિતમાં રજૂ કરવા જણાવ્યું હતું. આ સૂચનથી નારાજ થયેલા સિનિયર એડવોકેટ સૈયદે કોર્ટ સમક્ષ ઊભા રહીને આક્રમક અંદાજમાં કહ્યું હતું કે, "લખી દો સાહેબ, કોર્ટ પાસે ટાઇમ નથી." તેમના આ નિવેદન અને વર્તન સામે ન્યાયમૂર્તિએ નારાજગી વ્યક્ત કરી હતી.
વરિષ્ઠ વકીલને શોભે તેવું વર્તન નથી: હાઇકોર્ટ
જસ્ટિસ સુથારે પોતાના આદેશમાં નોંધ્યું હતું કે વકીલનું નિવેદન અને તેમની શારીરિક મુદ્રા (Posture) અદાલત પર રોફ જમાવવાનો તથા કોર્ટના સમય વ્યવસ્થાપન સામે આક્ષેપ કરવાનો પ્રયાસ જણાય છે. કોર્ટે કહ્યું કે આ પ્રકારનું વર્તન અદાલતની ગરિમાને અનુરૂપ નથી અને એક સિનિયર એડવોકેટના પદને પણ શોભતું નથી. સુનાવણી દરમિયાન અન્ય વકીલો અને પક્ષકારો પણ પોતાની અરજીઓ માટે રાહ જોઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં વારંવાર એક જ દલીલો રજૂ કરીને ન્યાયિક સમયનો બગાડ કરવો અને અન્ય વકીલો પ્રત્યે વ્યાવસાયિક સૌજન્ય ન દાખવવું અસ્વીકાર્ય છે.
ભવિષ્યમાં પુનરાવર્તન થશે તો કાર્યવાહી
હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે આ પ્રકારના વર્તનને હળવાશથી લઈ શકાય નહીં. જો ભવિષ્યમાં એડવોકેટ સૈયદ દ્વારા આવું વર્તન ફરી કરવામાં આવશે તો 'હાઇકોર્ટ ઓફ ગુજરાત (ડેઝિગ્નેશન ઓફ સિનિયર એડવોકેટ્સ) રૂલ્સ, 2025' હેઠળ યોગ્ય કાર્યવાહી કરવા માટે મામલો ચીફ જસ્ટિસ સમક્ષ મૂકવામાં આવશે. જોકે, કોર્ટે સિનિયર એડવોકેટને સુધરવાની એક છેલ્લી તક આપી છે. સાથે જ આશા વ્યક્ત કરી છે કે તેઓ ભવિષ્યમાં અદાલતના નિયમોનું પાલન કરશે અને અસભ્ય કે અસહિષ્ણુ વર્તનથી દૂર રહેશે. નોંધનીય છે કે હાઇકોર્ટે પોતાના આદેશમાં એડવોકેટ સૈયદના ભૂતકાળના આવા કિસ્સાઓનો પણ ઉલ્લેખ કર્યો છે. અગાઉ તેમણે આવા મામલાઓમાં માફી માગી હોવા છતાં તેમના વ્યાવસાયિક વર્તનમાં અપેક્ષિત સુધારો જોવા મળ્યો ન હોવાનું કોર્ટે નોંધ્યું છે.




