શેરબજારમાં 7 ડિસેમ્બરથી બદલાશે ટ્રેડિંગના નિયમો, F&O અને ક્લોઝિંગ ઓક્શન સેશનના સમયમાં થશે ફેરફાર

શેરબજારમાં ટ્રેડિંગ કરતા રોકાણકારો અને ટ્રેડર્સ માટે મહત્ત્વના સમાચાર છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ ઇક્વિટી કેશ સેગમેન્ટના ક્લોઝિંગ ઓક્શન સેશન (CAS) અને ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) સેગમેન્ટના ટ્રેડિંગ નિયમોમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. આ નવું માળખું 7 ડિસેમ્બર, 2026થી અમલમાં આવશે. NSEએ 6 નવેમ્બરે આ અંગે બે અલગ-અલગ સર્ક્યુલર (Circular) જાહેર કર્યા છે. આ ફેરફારો સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) દ્વારા બજારના સમય, ક્લોઝિંગ ઓક્શન સેશન અને ડેરિવેટિવ્ઝના સેટલમેન્ટની પદ્ધતિની સમીક્ષા બાદ કરવામાં આવ્યા છે.
ક્લોઝિંગ ઓક્શન સેશન હવે 10 મિનિટનું
નવા નિયમ મુજબ CASનો સમય બપોરે 3:30થી 3:40 વાગ્યા સુધી રહેશે. અગાઉની સરખામણીમાં આ સેશનનો સમય ઘટાડવામાં આવ્યો છે. આ દરમિયાન શેરોની અંતિમ કિંમત નક્કી કરવા માટે ઓક્શન પ્રક્રિયા હાથ ધરાશે.
-
3:30થી 3:31: રેફરન્સ પ્રાઇસની ગણતરી અને સેશનમાં ફેરફાર.
-
3:31થી 3:36: માર્કેટ અને લિમિટ ઓર્ડર દાખલ, સુધારવા કે રદ કરવાની સુવિધા.
-
3:36થી 3:40: માત્ર લિમિટ ઓર્ડરમાં ફેરફાર અથવા રદ કરવાની મંજૂરી.
-
3:40થી 3:45: ઓર્ડર મેચિંગ અને ટ્રેડ કન્ફર્મેશન.
-
3:45થી 3:50: ટ્રાન્ઝિશન સમય.
-
3:50થી 4:00: પોસ્ટ ક્લોઝ સેશન.
F&O ટ્રેડિંગનો સમય વધશે
NSEએ સ્ટોક અને ઇન્ડેક્સ ડેરિવેટિવ્ઝના ટ્રેડિંગનો સમય વધારીને બપોરે 3:45 વાગ્યા સુધી કરવાનો નિર્ણય લીધો છે. સ્ટોક ડેરિવેટિવ્ઝમાં તમામ ટ્રેડિંગ દિવસોમાં, એક્સપાયરીના દિવસે પણ, 3:45 વાગ્યા સુધી કારોબાર થઈ શકશે. ઇન્ડેક્સ ડેરિવેટિવ્ઝમાં સામાન્ય દિવસોમાં ટ્રેડિંગ 3:45 વાગ્યા સુધી ચાલુ રહેશે. જોકે, એક્સપાયરીના દિવસે જે ઇન્ડેક્સ કોન્ટ્રાક્ટની એક્સપાયરી હશે તેમાં ટ્રેડિંગ 3:30 વાગ્યે બંધ થઈ જશે. અન્ય ઇન્ડેક્સ કોન્ટ્રાક્ટમાં 3:45 વાગ્યા સુધી ટ્રેડિંગ ચાલુ રહેશે. બંને પ્રકારના ડેરિવેટિવ્ઝમાં ટ્રેડ મોડિફિકેશનની સુવિધા સાંજે 4:15 વાગ્યા સુધી મળશે.
ફ્યુચર્સના પ્રાઇસ બેન્ડમાં પણ ફેરફાર
બપોરે 3:30થી 3:45 દરમિયાન સ્ટોક અને ઇન્ડેક્સ ફ્યુચર્સના પ્રાઇસ બેન્ડ (Price Band) રેફરન્સ પ્રાઇસથી 3 ટકા ઉપર અને નીચે રહેશે. તેની ગણતરી 3:15થી 3:30 વચ્ચેના વોલ્યુમ વેઇટેડ એવરેજ પ્રાઇસ (VWAP)ના આધારે થશે. જો આ સમયગાળામાં કોઈ ટ્રેડ નહીં થયો હોય તો છેલ્લી ટ્રેડેડ કિંમતનો ઉપયોગ થશે. આખા દિવસ દરમિયાન ટ્રેડ ન થયો હોય તો થિયોરેટિકલ પ્રાઇસના આધારે ગણતરી કરવામાં આવશે. જોકે, ઓપ્શન્સના પ્રાઇસ બેન્ડ અને લિમિટ પ્રાઇસ પ્રોટેક્શન (LPP)ના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો નથી.
એક્સપાયરીના દિવસે સેટલમેન્ટની નવી પદ્ધતિ
NSEએ F&O કોન્ટ્રાક્ટ્સની એક્સપાયરીના દિવસે ફાઇનલ સેટલમેન્ટ પ્રાઇસ (Final Settlement Price) નક્કી કરવાની પદ્ધતિ પણ બદલી છે. ઇન્ડેક્સ ડેરિવેટિવ્ઝ માટે બપોરે 3થી 3:30 દરમિયાન ઇન્ડેક્સમાં સામેલ શેરોના VWAPના આધારે ઇન્ડેક્સ વેલ્યુ ગણવામાં આવશે. સ્ટોક ડેરિવેટિવ્ઝ માટે સંબંધિત શેરના તમામ સ્ટોક એક્સચેન્જ પર 3થી 3:30 વચ્ચેના VWAPના આધારે સેટલમેન્ટ પ્રાઇસ નક્કી થશે. NSEના જણાવ્યા મુજબ, નવા નિયમો સાથે જોડાયેલા ટેકનિકલ ફેરફારોનું પરીક્ષણ મોક ટ્રેડિંગ સેશન (Mock Trading Session) દરમિયાન કરી શકાશે. આ માટે અલગથી સર્ક્યુલર જાહેર કરવામાં આવશે. નવા માળખાનો હેતુ બજારમાં ઓર્ડર પ્રક્રિયા અને સેટલમેન્ટ વ્યવસ્થાને વધુ સુસંગત બનાવવાનો છે.







