ધનતેરસે શેરબજારમાં દિવાળી જેવો માહોલ! સેન્સેક્સ 734 પોઈન્ટ ઉછળ્યો, 80 હજારને પાર

ધનતેરસે શેરબજારમાં દિવાળી જેવો માહોલ! સેન્સેક્સ 734 પોઈન્ટ ઉછળ્યો, 80 હજારને પાર
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

શેરબજારમાં ધનતેરસથી જ તહેવારોની ઉજવણીનો માહોલ શરૂ થઇ ગયો છે ત્યારે ધનતેરસે જ શેરબજારમાં દિવાળી જેવો માહોલ દેખાયો. સેન્સેક્સ ગઇકાલના 2000 પોઈન્ટના ઉછાળા બાદ આજે ફરી એકવાર 700 થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 80000ના લેવલને ક્રોસ કરી ગયું. ઉલ્લેખનીય છે કે અમેરિકા સહિત દુનિયાભરના બજારમાં ભારે ઉથલપાથલની સ્થિતિ વચ્ચે આજે ભારતીય શેરબજારમાં વૈશ્વિક પરિસ્થિતિઓની કોઈ અસર દેખાઈ નથી. 

ગઈકાલે સેન્સેક્સનું ક્લૉઝિંગ 79,310.01 રહ્યું હતું. જ્યારે આજે તે 79,413.66 ના લેવલે ખુલ્યું હતું. જોકે FII તરફથી ફુલ ખરીદી કરવામાં આવતા સેન્સેક્સ ફરી એકવાર રોકેટ ગતિએ 80,044.67 ના હાઈ લેવલે પહોંચી ગયું હતું. એક સમયે બજાર ખુલતાં સેન્સેક્સમાં કડાકાની સ્થિતિ જોવા મળી રહી હતી અને તે 79,016.05 ના નીચલા લેવલે પણ પહોંચ્યું હતું પરંતુ સમાચાર લખવા સુધીમાં સેન્સેક્સ 704 પોઈન્ટના ઉછાળા સાથે 80014.16 ના લેવલે ટ્રેડ થઇ રહ્યું હતું. જોકે આજે સેન્સેક્સમાં કુલ ઉછાળો તો 734 પોઈન્ટનો રહ્યો હતો.

જાહેરાત

જ્યારે બીજી બાજુ નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ ઉથલપાથલ જોવા મળી. નિફ્ટીનું ગઈકાલનું ક્લૉઝિંગ 24,536.60 રહ્યું હતું. જે એક સમયે ગગડીને 24,388.05 ના લેવલે પહોંચી ગઈ હતી. જે 150 પોઈન્ટનો કડાકો દર્શાવે છે. ત્યારબાદ નિફ્ટીએ પણ જોરદાર રિકવરી બતાવતા 24,702.60 પોઈન્ટના લેવલે પહોંચી ગઈ હતી. હાલમાં સમાચાર લખવા સુધીમાં નિફ્ટી 24,682.90 ના લેવલે ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટીમાં આજે કુલ 166 પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત