શેરબજારમાં એડવાન્સમાં દિવાળી, સતત ૭મા દિવસે તેજી, નિફ્ટી ૨૫,૦૦૦ ને પાર બંધ

ભારતીય શેરબજારમાં દિવાળી પહેલાં જ તેજીનો માહોલ જોવા મળ્યો છે. શુક્રવારે સતત સાતમા ટ્રેડિંગ સત્રમાં બજાર વધારા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં 2 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. ખાસ વાત એ છે કે નિફ્ટી ફરી એકવાર 25,000ની મનોવૈજ્ઞાનિક સપાટી પાર કરીને બંધ થયો છે. છેલ્લા પાંચ ટ્રેડિંગ દિવસમાં સેન્સેક્સ 5,631 પોઇન્ટ એટલે કે 7.47 ટકા વધ્યો છે, જ્યારે નિફ્ટીમાં 7.50 ટકાથી વધુની તેજી નોંધાઈ છે.
સેન્સેક્સ 1,718 પોઇન્ટ ઉછળ્યો
શુક્રવારે સેન્સેક્સ 79,413ના સ્તરે ખુલ્યા બાદ 2.17 ટકાના ઉછાળા સાથે 81,028 પર બંધ થયો હતો. બીજી તરફ, નિફ્ટી 50 પણ 24,538ના સ્તરે ખુલ્યો હતો અને દિવસના અંતે 2.01 ટકા વધીને 25,030 પર પહોંચ્યો હતો. 27 ફેબ્રુઆરી, 2026 બાદ નિફ્ટી પ્રથમ વખત 25,000ની સપાટી પાર કરીને બંધ થવામાં સફળ રહ્યો છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં સૌથી વધુ તેજી
નિફ્ટી 50ના શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં સૌથી વધુ 5.11 ટકાનો ઉછાળો નોંધાયો હતો. આ ઉપરાંત આઇસીઆઇસીઆઇ બેંક 4.75 ટકા, એચડીએફસી લાઇફ 3.96 ટકા, એચડીએફસી બેંક 3.72 ટકા અને ટાઇટન 3.43 ટકા વધ્યા હતા. બીજી તરફ, ટાટા મોટર્સ પીવી, આઇશર મોટર્સ અને પાવર ગ્રીડના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેક્ટોરલ ઇન્ડેક્સમાં પ્રાઇવેટ બેંક શેરોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી હતી. જોકે, મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પ્રોફિટ બુકિંગને કારણે ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી મિડકેપ 100માં 0.02 ટકા અને સ્મોલકેપ 100માં 0.82 ટકાનો ઘટાડો થયો હતો.
ક્રૂડ ઓઇલના ભાવ વધતાં ચિંતા
બીજી તરફ, બ્રેન્ટ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 100 ડોલરની નજીક પહોંચતાં ભારતીય અર્થતંત્ર માટે ચિંતા વધી છે. ક્રૂડ ઓઇલ મોંઘું થવાથી દેશના તેલ આયાત ખર્ચ અને મોંઘવારી પર દબાણ વધી શકે છે. વૈશ્વિક બજારોમાંથી પણ નબળા સંકેતો મળી રહ્યા છે. અમેરિકામાં વેચવાલી બાદ જાપાનના નિક્કેઈ ઇન્ડેક્સમાં 5 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. આગામી દિવસોમાં રોકાણકારોની નજર ક્રૂડ ઓઇલના ભાવ, વિદેશી રોકાણકારોની ખરીદી અને વૈશ્વિક બજારોના સંકેતો પર રહેશે. બજારમાં હાલની તેજી જળવાઈ રહે છે કે નહીં તે આગામી ટ્રેડિંગ સત્રોમાં સ્પષ્ટ થશે.





