USના શેરબજારમાં ઐતિહાસિક કડાકો, 2.5 ટ્રિલિયન ડૉલરનું ધોવાણ

અમેરિકી શેર બજારમાં ગુરુવારે મોટો કડાકો જોવા મળ્યો છે, જેના કારણે મોટી ટેક કંપનીઓની માર્કેટ વેલ્યુમાંથી લાખો-કરોડો રૂપિયાનું ધોવાણ થઈ ગયું છે. આ ઘટાડાની સૌથી વધુ અસર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સાથે જોડાયેલી કંપનીઓ પર પડી છે. નાસ્ડેક-100ની મોટી કંપનીઓના બજાર મૂલ્યમાંથી માત્ર એક જ દિવસમાં 2.5 ટ્રિલિયન ડોલર (ભારતીય રૂપિયામાં અંદાજે 236 લાખ કરોડ રૂપિયા) ઘટી ગયા છે.
ચૂંટણીના પરિણામો અને AI સેક્ટર પર કડકાઈનો ડર
અમેરિકામાં મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીએ મોટી જીત મેળવી છે. આ રાજકીય બદલાવ બાદ રોકાણકારોમાં એ વાતની ચિંતા વધી ગઈ છે કે નવી સરકાર AI કંપનીઓના કામકાજ પર વધુ કડક નજર રાખશે. ખાસ કરીને, AI સિસ્ટમ્સ ચલાવવા માટે હજારો કમ્પ્યુટર અને સર્વર્સ ધરાવતા ડેટા સેન્ટર્સના નિર્માણ પર નવા નિયમો લાગુ થઈ શકે છે અથવા તેના નિર્માણની ગતિધીમી પડી શકે છે.
નાસ્ડેકમાં 5.5 ટકાનો મોટો કડાકો
ગુરુવારે બજાર ખુલતાની સાથે જ આ ચિંતાની અસર સ્પષ્ટ દેખાઈ હતી. અહેવાલો મુજબ, ટેક કંપનીઓ સૂચવતા નાસ્ડેક કમ્પોઝિટ ઈન્ડેક્સમાં 5.5 ટકાનો ભારે ઘટાડો નોંધાયો હતો. એપ્રિલ 2025 પછી એક દિવસમાં આ સૌથી મોટો ઘટાડો છે. ચિપ બનાવતી કંપનીઓનો ઈન્ડેક્સ પણ આશરે 12 ટકા ઘટીને છ મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે.
ઓક્ટોબરના રેકોર્ડ સ્તરથી નાસ્ડેક હવે 'કરેક્શન' મોડમાં આવી ગયો છે, કારણ કે તે પોતાના ઉચ્ચતમ સ્તરથી આશરે 12 ટકા નીચે સરકી ગયો છે. ઊંચા વ્યાજ દર વચ્ચે નાની AI કંપનીઓ માટે ફંડ મેળવવું પહેલેથી જ મુશ્કેલ હતું, અને હવે કડક નિયમોની આશંકાએ તેમની મુશ્કેલીઓ વધુ વધારી દીધી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટ્સને ગણાવ્યા જવાબદાર
બજારમાં આવેલી આ ઉથલ-પાથલ પાછળ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિક્રિયા આપતા ડેમોક્રેટ્સ પર નિશાન સાધ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે ચૂંટણીના પરિણામોને કારણે બજારે તેના ઈતિહાસના સૌથી ખરાબ દિવસોમાંથી એક જોયો છે. આ ઘટાડાથી લોકોના રિટાયરમેન્ટ એકાઉન્ટ્સ પર પણ અસર પડી છે, જોકે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે અમેરિકા જલ્દી જ ફરી મજબૂત સ્થિતિમાં આવશે.






