જેલમાં બીમાર અને બહાર નીકળતા જ દુબઈમાં નોકરી? કેરળના પૂર્વ ડીજીપી પર હાઈકોર્ટ લાલઘૂમ, જામીન રદ્દ કરવાની આપી ચેતવણી

અપ્રમાણસર સંપત્તિના ગંભીર કેસમાં 4 વર્ષની સજા પામેલા કેરળના પૂર્વ ડીજીપી ટોમિન જે. થાચંકરી સામે કેરળ હાઈકોર્ટે લાલઘૂમ થઈ આકરી ફટકાર લગાવી છે. સજા થયા છતાં જેલની બેરેકમાં એક પણ દિવસ વિતાવ્યા વિના સતત હોસ્પિટલમાં એડમિટ રહીને હવે દુબઈમાં નોકરી કરવા માટે વિદેશ જવાની પરવાનગી માંગતા હાઈકોર્ટ ભડકી ઉઠી હતી. "જેલમાં ૧,૦૦૦ બીમારીઓ થઈ જાય છે અને બહાર આવતા જ વિદેશમાં નોકરી કરવા ફિટ થઈ ગયા?" તેવી તીખી ટિપ્પણી સાથે અદાલતે પૂર્વ ડીજીપીના જુઠ્ઠાણા સામે જામીન રદ્દ કરવાની પણ ખુલ્લી ચેતવણી આપી દીધી છે, જેનાથી કાનૂની વર્તુળોમાં મોટો ખળભળાટ મચી ગયો છે.
જસ્ટિસ એ. બદરુદ્દીનની બેન્ચ પૂર્વ ડીજીપી દ્વારા દાખલ કરાયેલી એ અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં તેમણે કોર્ટની પરવાનગી વિના ભારત બહાર ન જવાની જામીનની શરતમાં ફેરફાર કરવા માંગ કરી હતી. સુનાવણી દરમિયાન જેલ અધિક્ષક દ્વારા રજૂ કરાયેલા અહેવાલ પરથી સામે આવ્યું હતું કે, થાચંકરી જેલમાં દાખલ થયા તે દિવસથી લઈને મુક્ત થયા ત્યાં સુધી સમગ્ર સમયગાળા દરમિયાન જેલના હોસ્પિટલ બ્લોકમાં જ દાખલ રહ્યા હતા.
અદાલતે તીખી ટિપ્પણી કરતાં કહ્યું, "તેઓ એક દિવસ પણ જેલની બેરેકમાં રહ્યા નથી. આરામથી હોસ્પિટલમાં જ રહ્યા. ત્યાં તેમને 1,000 પ્રકારની બીમારીઓ થઈ જાય છે અને હવે અચાનક કોઈ બીમારી નથી અને દુબઈ જઈને નોકરી કરવી છે? આવું કેવી રીતે ચાલે?"
હાઈકોર્ટે પૂર્વ ડીજીપીને કડક શબ્દોમાં ફટકાર લગાવતાં કહ્યું કે, "કોર્ટ સામે વારંવાર જુઠ્ઠું બોલવાનું બંધ કરો. આવા લોકોને ગંભીરતાથી લેવાની જરૂર છે. જો આ જ સ્થિતિ રહેશે, તો હું જામીન રદ્દ કરવાના વિકલ્પ પર પણ વિચાર કરી શકું છું."
કોર્ટમાં રજૂ કરાયેલા મેડિકલ રિપોર્ટ અનુસાર, 17 સપ્ટેમ્બરે સેન્ટ્રલ જેલમાં દાખલ થયા બાદ જેલના મેડિકલ ઓફિસરે થાચંકરીની તપાસ કરી હતી. તેમના મેડિકલ હિસ્ટ્રી મુજબ, તેમને કોરોનરી આર્ટરી ડિસીઝ (CAD) હતો અને ૨૦૦૯માં તેમની બાયપાસ સર્જરી (CABG) થઈ હતી. આ ઉપરાંત તેઓ સ્લીપ એપનિયા (OSA)થી પીડાતા હોવાથી ત્રણ વર્ષથી CPAP મશીનનો ઉપયોગ કરતા હતા તેમજ સોરાયસિસની સારવાર પણ ચાલી રહી હતી. જેલ અધિક્ષકે નોંધ્યું કે ૧૭ સપ્ટેમ્બરથી લઈને ૧૫ ઓક્ટોબરે જામીન મળ્યા ત્યાં સુધી તેઓ સતત પ્રિઝન હોસ્પિટલમાં જ એડમિટ રહ્યા હતા.
તમામ રેકોર્ડ ચકાસ્યા બાદ હાઈકોર્ટે નોંધ્યું હતું કે, થાચંકરીનું હોસ્પિટલમાં દાખલ રહેવું વાસ્તવિક હતું કે પછી જેલની કોટડીમાં રહેવાથી બચવા માટેનું કોઈ બહાનું હતું, તે નક્કી કરવા માટે આ મામલે વિસ્તૃત સુનાવણીની જરૂર છે. કોર્ટે તેમની બીમારીના દાવા અને હવે અચાનક વિદેશમાં નોકરી કરવા જેટલા સક્ષમ હોવાના દાવા વચ્ચેના સીધા વિરોધાભાસ પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.











