રસોડાનું બજેટ ફરી ખોરવાયું: ઓગસ્ટના મોંઘવારીના આંકડા જોઈને આંખો પહોળી થઈ જશે, જાણો શું થયું મોંઘું ને શું સસ્તું?

દેશમાં મોંઘવારીના મોરચે ફરી ચિંતા વધારી દેતા આંકડા સામે આવ્યા છે. સરકાર દ્વારા સોમવારે જાહેર કરાયેલા આંકડા અનુસાર, ઓગસ્ટ મહિનામાં દેશની રિટેલ મોંઘવારી વધીને 4.82% થઈ છે. જુલાઈમાં રિટેલ મોંઘવારી દર 4.45% હતો. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારાને કારણે મોંઘવારી પર દબાણ વધ્યું છે. ઓગસ્ટમાં ખાદ્ય મોંઘવારી દર જુલાઈના 5.52%થી વધીને 5.95% થયો છે. ગ્રામ્ય વિસ્તારમાં ખાદ્ય મોંઘવારી 5.64%, જ્યારે શહેરી વિસ્તારમાં 6.13% નોંધાઈ છે.
ડુંગળી અને લસણના ભાવમાં મોટો ઉછાળો
ઓગસ્ટમાં ડુંગળીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ડુંગળીની મોંઘવારી દર જુલાઈના 22.54%થી વધીને ઓગસ્ટમાં 48.27% થઈ ગયો છે. જ્યારે લસણની મોંઘવારી દર 35.36%થી વધીને 43.60% પર પહોંચી છે. બીજી તરફ, આદુના ભાવમાં થોડી રાહત જોવા મળી છે. આદુની મોંઘવારી દર જુલાઈના 83.57%થી ઘટીને ઓગસ્ટમાં 73.82% થયો છે.
કેટલીક શાકભાજીના ભાવમાં ઘટાડો
ડુંગળી અને લસણના ભાવ વધ્યા હોવા છતાં કેટલીક શાકભાજીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ઓગસ્ટમાં ટામેટાના ભાવમાં 31.09%નો ઘટાડો થયો છે, જ્યારે જુલાઈમાં આ ઘટાડો 4.60% હતો.
બટાકાની મોંઘવારી દર -13.14% રહી છે, જે જુલાઈના -16.56% કરતાં ઓછી ઘટાડાની સ્થિતિ દર્શાવે છે. ભીંડાના ભાવમાં પણ 5.41%નો ઘટાડો નોંધાયો છે.
ખાંડના ભાવ પણ ચિંતાનો વિષય
ઓગસ્ટમાં ખાંડના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે. ઘરેલુ બજારમાં ભાવને નિયંત્રણમાં રાખવા માટે ભારત દ્વારા ખાંડની નિકાસ પર મૂકવામાં આવેલો પ્રતિબંધ સપ્ટેમ્બરના અંત સુધી અમલમાં રહેવાનો છે. ખાંડના ભાવમાં વધારો પણ મોંઘવારી પર દબાણ વધારતો પરિબળ બન્યો છે.
આગળ મોંઘવારી કઈ દિશામાં જશે?
આગામી સમયમાં મોંઘવારીનો ટ્રેન્ડ મુખ્યત્વે ચોમાસાની સ્થિતિ અને કૃષિ ઉત્પાદન પર આધાર રાખશે. સામાન્ય ચોમાસાથી પાકનું ઉત્પાદન સારું રહેવાની અને ખાદ્ય ચીજોના ભાવ નિયંત્રણમાં રહેવાની શક્યતા છે. જ્યારે અનિયમિત વરસાદ અથવા હવામાનમાં ફેરફારથી કૃષિ ઉત્પાદનોના ભાવ પર દબાણ વધી શકે છે.
આ ઉપરાંત વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવ પણ ભારત માટે મોટું જોખમ બની શકે છે. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થાય તો ઈંધણ અને પરિવહન ખર્ચ વધવાની સાથે આયાતી મોંઘવારીનું દબાણ પણ વધી શકે છે.
FY27 માટે RBIનો મોંઘવારીનો અંદાજ
RBIએ નાણાકીય વર્ષ 2027 (FY27) માટે મોંઘવારીનો અંદાજ અગાઉના 5.1%થી ઘટાડીને 5% કર્યો છે. RBIની મોનેટરી પોલિસી કમિટી (MPC)એ ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈ અને સપ્લાય સંબંધિત દબાણમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને આ અંદાજમાં ફેરફાર કર્યો હતો.
RBIના અનુમાન મુજબ, નજીકના સમયમાં હેડલાઇન મોંઘવારીમાં વધારો થઈ શકે છે અને ત્યારબાદ તેમાં ઘટાડો જોવા મળી શકે છે.

