એક જ રાજ્યમાં જંગલ, રણ, દરિયો અને પહાડ! દિવાળી વેકેશનમાં ગુજરાતનાં આ 11 સ્થળોની જરૂર કરજો મુલાકાત

એક જ રાજ્યમાં જંગલ, રણ, દરિયો અને પહાડ! દિવાળી વેકેશનમાં ગુજરાતનાં આ 11 સ્થળોની જરૂર કરજો મુલાકાત
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ભારતના પશ્ચિમ કિનારે આવેલું ગુજરાત તેની ભવ્ય સંસ્કૃતિ, સમૃદ્ધ ઇતિહાસ, પવિત્ર ધાર્મિક સ્થળો અને અદ્ભુત કુદરતી સૌંદર્ય માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે. અહીં તમને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, સફેદ ચળકતું રણ, એશિયાટિક સિંહોનું જંગલ, ઐતિહાસિક સ્થાપત્યો અને સુંદર હિલ સ્ટેશન જોવા મળશે. જો તમે દિવાળીની રજાઓમાં પરિવાર કે મિત્રો સાથે યાદગાર પ્રવાસનું આયોજન કરી રહ્યા છો, તો ગુજરાત તમારા માટે બેસ્ટ વિકલ્પ છે. ચાલો, આજે ગુજરાતના અગિયાર અદ્ભુત સ્થળોની શાબ્દિક સફરે ઉપડીએ.

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન (સાસણ ગીર)

જાહેરાત

આખા એશિયા ખંડમાં 'એશિયાટિક સિંહો' (Asiatic Lions) નો એકમાત્ર કુદરતી આવાસ ‘ગીર’ છે. 1412 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા આ જંગલમાં સિંહ ઉપરાંત દીપડા, હરણ (ચિત્તલ), સાબર, નીલગાય અને 300 થી વધુ પ્રજાતિના રંગબેરંગી પક્ષીઓ જોવા મળે છે. અહીં વહેલી સવારે કે સાંજે ખુલ્લી જીપમાં જંગલ સફારીનો રોમાંચક અનુભવ લઈ શકાય છે. સફારી માટે ઓનલાઇન બુકિંગ કરવું હિતાવહ છે. પ્રવાસીઓ માટે ઓક્ટોબરથી જૂનનો સમય ઉત્તમ છે. ચોમાસામાં (16 જૂનથી 15 ઓક્ટોબર) સફારી બંધ રહે છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી (નર્મદા)

નર્મદા જિલ્લાના ‘એકતા નગર’ (જૂનું નામ ‘કેવડિયા’) સ્થિત આ પ્રતિમા 182 મીટર (597 ફૂટ) ઊંચી છે, જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હોવાનું ગૌરવ ધરાવે છે. તે દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે. 153 મીટર ઊંચે આવેલી વ્યુઇંગ ગેલેરીમાંથી નર્મદા ડેમ અને વિંધ્યાચલ-સાતપુડા પર્વતમાળાનો સુંદર નજારો જોવા મળે છે. અહીં લેસર લાઇટ એન્ડ સાઉન્ડ શો, રંગબેરંગી ગ્લો ગાર્ડન, જંગલ સફારી પાર્ક, વેલી ઓફ ફ્લાવર્સ, મિયાવાકી ફોરેસ્ટ અને ક્રૂઝ રાઈડ જેવા આકર્ષણો છે, જે તમામનો ભરપૂર આનંદ લેવા માટે 2 થી 3 દિવસ રોકાવું પડે.

કચ્છનું સફેદ રણ (ધોરડો)

ગુજરાતની પશ્ચિમ સરહદે આવેલું કચ્છનું રણ સફેદ ચળકતા મીઠાના મેદાનો માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે. ચોમાસામાં પાણી ભરાયા બાદ શિયાળામાં જ્યારે પાણી સુકાઈ જાય છે, ત્યારે કુદરતી રીતે મીઠાની સફેદ ચાદર પથરાઈ જાય છે, જે શ્વેત મરુભૂમિ જેવો અદ્ભુત નજારો આપે છે. દર વર્ષે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી અહીં ભવ્ય 'રણ ઉત્સવ' યોજાય છે, જેમાં કચ્છી લોક સંગીત, પરંપરાગત નૃત્ય, હસ્તકલા અને સ્વાદિષ્ટ વાનગીઓનો લહાવો મળે છે. પૂનમની રાતે ચંદ્રના અજવાળામાં સફેદ રણ ‘જાદુઈ’ લાગે છે. પ્રવાસીઓ અહીં કાળો ડુંગર અને ધોળાવીરા પણ જોઈ શકે છે, જેને તાજેતરમાં યુનેસ્કો (UNESCO) દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરાયું છે.

દ્વારકા (દેવભૂમિ દ્વારકા)

ભગવાન શ્રીકૃષ્ણની સોનાની નગરી દ્વારકા હિન્દુ ધર્મના પવિત્ર 'ચાર ધામ' પૈકીનું એક છે. 2500 વર્ષ જૂના જગત મંદિર (દ્વારકાધીશ મંદિર) ની અપ્રતિમ સ્થાપત્યકળા અને 78 મીટર ઊંચા શિખર પર લહેરાતી પંચરંગી ધજા ભક્તોને મંત્રમુગ્ધ કરે છે. અહીં ગોમતી ઘાટનું વિશેષ મહત્ત્વ છે. પ્રવાસીઓ માટે નવું આકર્ષણ 'સુદર્શન સેતુ' (એશિયાનો સૌથી લાંબો કેબલ સ્ટેઇડ બ્રિજ) છે, જે દ્વારકા અને બેટ દ્વારકાને જોડે છે. નજીકમાં આવેલા શિવરાજપુર બીચ પર સ્કુબા ડાઇવિંગ અને વોટર સ્પોર્ટ્સની મજા માણી શકાય છે.

સોમનાથ મંદિર (પ્રભાસ પાટણ)

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક દરિયાકિનારે આવેલું આ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ છે. સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી આ વર્તમાન ભવ્ય મંદિરનું નિર્માણ વર્ષ 1951માં થયું હતું. અહીં આવેલો 'ત્રિવેણી સંગમ' (હિરણ, કપિલા અને સરસ્વતી નદીઓનું મિલન) પવિત્ર સ્નાન માટે જાણીતો છે. સાંજના સમયે યોજાતો થ્રી-ડી લેસર શો મંદિરના ઇતિહાસની સુંદર ઝાંખી કરાવે છે.

સાપુતારા (ડાંગ)

દક્ષિણ ગુજરાતમાં સહ્યાદ્રિ પર્વતમાળામાં દરિયાઈ સપાટીથી આશરે 1000 મીટરની ઊંચાઈએ આવેલું ‘સાપુતારા’ ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે. અહીંની હરિયાળી અને ઠંડુ વાતાવરણ મનને શાંતિ આપે છે. સાપુતારા તળાવમાં નૌકાવિહાર (Boating), સનસેટ પોઈન્ટ, સ્ટેપ ગાર્ડન અને રોપ-વે મુખ્ય આકર્ષણો છે. પ્રવાસીઓ માટે હવે અહીં પેરાગ્લાઈડિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટી પણ ઉપલબ્ધ છે. નજીકમાં આવેલા વઘઈ ખાતેના ગિરા ધોધનો નજારો ચોમાસામાં ખૂબ જ સુંદર હોય છે.

નડાબેટ (બનાસકાંઠા)

ગુજરાતનું આ અનોખું બોર્ડર ટુરિઝમ (સીમા દર્શન) સ્થળ છે. પંજાબની વાઘા બોર્ડરની જેમ જ અહીં BSF જવાનોની જોશભરી 'રિટ્રીટ સેરેમની' અને માર્ચ પાસ્ટ થાય છે. પ્રવાસીઓ ભારત-પાકિસ્તાન સરહદના 'ઝીરો પોઈન્ટ' પર જઈને તારની વાડને નજીકથી જોઈ શકે છે. અહીં બોર્ડર મ્યુઝિયમ અને ભારતીય સેનાના હથિયારોનું પ્રદર્શન નાગરિકોમાં દેશપ્રેમ જગાવે છે.

મરીન નેશનલ પાર્ક (જામનગર)

જામનગર નજીક કચ્છના અખાતમાં આવેલો આ ભારતનો પહેલો મરીન નેશનલ પાર્ક (સમુદ્રી રાષ્ટ્રીય ઉદ્યાન) છે. જૈવ-વિવિધતાના અનમોલ ખજાના જેવો આ પાર્ક 42 ટાપુઓનો બનેલો છે. એમાં પિરોટન ટાપુ ખૂબ પ્રખ્યાત છે. આ પાર્કની ખાસિયત એ છે કે ઓટના સમયે જ્યારે દરિયાના પાણી ઓસરી જાય છે, ત્યારે પ્રવાસીઓ દરિયામાં ચાલીને (Coral Walking) અદ્ભુત જળચર સૃષ્ટિને નરી આંખે નિહાળી શકે છે. અહીં પરવાળાના ખડકો, ઓક્ટોપસ, જેલીફિશ, દરિયાઈ કાચબા અને પફર ફિશ જેવી જળચર સૃષ્ટિ જોવા મળે છે.

સાબરમતી આશ્રમ (અમદાવાદ)

અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલો આ આશ્રમ મહાત્મા ગાંધી અને ભારતની આઝાદીની લડતનું મુખ્ય કેન્દ્ર હતો. ગાંધીજી 1917 થી 1930 સુધી અહીં રહ્યા હતા. તેમણે 12 માર્ચ 1930ના રોજ ઐતિહાસિક 'દાંડી કૂચ' ની શરૂઆત પણ અહીંથી જ કરી હતી. આશ્રમની અંદર આવેલું ગાંધીજીનું નિવાસસ્થાન 'હૃદય કુંજ' આજે પણ તેમના વિચારોની સાક્ષી પૂરે છે. અહીં મુલાકાત લઈને પ્રવાસીઓ ગાંધીજીનો અસલી ચરખો, તેમના પત્રો, દુર્લભ ફોટોગ્રાફ્સ અને દેશની આઝાદીના ઇતિહાસ વિશે ઊંડું જ્ઞાન મેળવી શકે છે. આશ્રમની નજીક સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલો નવો 'અટલ બ્રિજ' પ્રવાસીઓ માટે આધુનિક આકર્ષણ બની ગયો છે.

રાણકી વાવ (પાટણ)

11મી સદીમાં સોલંકી વંશના રાણી ઉદયમતીએ પોતાના પતિની યાદમાં બંધાવેલી આ 7 માળ ઊંડી વાવ પ્રાચીન જળ વ્યવસ્થાપન અને શિલ્પકળાનો અજોડ નમૂનો છે. અહીં ભગવાન વિષ્ણુના દશાવતાર અને અપ્સરાઓના 500 થી વધુ શિલ્પો કોતરેલા છે. 2014 માં યુનેસ્કો દ્વારા તેને 'વર્લ્ડ હેરિટેજ સાઇટ' જાહેર કરાઈ હતી. રિઝર્વ બેંકની નવી 100 રૂપિયાની નોટ પર પણ આ ભવ્ય વાવનું ચિત્ર છાપવામાં આવ્યું છે.

પાવાગઢ અને મહાકાળી માતાનું મંદિર (પંચમહાલ)

આ સ્થળનો ભારતના 51 શક્તિપીઠોમાં સમાવેશ થાય છે. આશરે 800 મીટર ઊંચા ડુંગર પર આવેલા મહાકાળી માતાના દર્શન માટે અહીં વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવે છે. આધુનિક રોપ-વે (ઉડન ખટોલા) સુવિધાથી ઉપર પહોંચવું સરળ બન્યું છે. આ ડુંગર 'ચાંપાનેર-પાવાગઢ આર્કિયોલોજિકલ પાર્ક' નો ભાગ છે, જેને પણ યુનેસ્કો હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત