હાથમાં માઇક-કેમેરા હોય એટલે કોઈ પત્રકાર બની જતું નથી! રીલ બનાવનારાઓ પર દિલ્હી પોલીસની લાલ આંખ

હાથમાં માઇક-કેમેરા હોય એટલે કોઈ પત્રકાર બની જતું નથી! પ્રદર્શનોમાં રીલ બનાવનારાઓ પર દિલ્હી પોલીસની લાલ આંખ, સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યા પુરાવા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવીને કમાણી કરતા કન્ટેન્ટ ક્રિએટર્સ (Content Creators) અને વ્યાવસાયિક પત્રકારો વચ્ચેનો તફાવત હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું (Affidavit) દાખલ કરીને જણાવ્યું છે કે માત્ર હાથમાં કેમેરા અને માઇક્રોફોન રાખવાથી કોઈ વ્યક્તિ પત્રકાર બની જતી નથી. વ્યાપારી લાભ માટે વીડિયો બનાવતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ આપમેળે પત્રકારોને મળતી સુરક્ષાનો દાવો કરી શકે નહીં. આ મામલો ગત મહિને દિલ્હીના જંતર-મંતર ખાતે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) વિરુદ્ધ યોજાયેલા વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલો છે. આ પ્રદર્શન દરમિયાન પત્રકારોને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે કેટલીક મીડિયા સંસ્થાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેના જવાબમાં દિલ્હી પોલીસે પોતાનો પક્ષ રજૂ કર્યો છે.

પત્રકારો અને રીલ મેકર્સ અલગ શ્રેણી: પોલીસ

દિલ્હી પોલીસના જોઈન્ટ કમિશનર સુરેન્દ્ર કુમારે દાખલ કરેલા સોગંદનામામાં જણાવાયું છે કે પત્રકારત્વ અને સોશિયલ મીડિયા માટે કન્ટેન્ટ બનાવવું બંને અલગ બાબતો છે. રીલ્સ બનાવીને તેને અપલોડ કરવી અને તેના આધારે કમાણી કરવા સામે પોલીસને કોઈ વાંધો નથી, પરંતુ આવા કન્ટેન્ટ ક્રિએટર્સને પત્રકાર કે રિપોર્ટરનો દરજ્જો આપવો કે નહીં તે નક્કી થવાનું બાકી છે. પોલીસના જણાવ્યા અનુસાર, કેટલાક લોકો કેમેરા અને માઇક્રોફોન લઈને પ્રદર્શન સ્થળે પહોંચ્યા હતા અને પોતાને મીડિયાકર્મી ગણાવી રહ્યા હતા. જોકે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કેટલાક લોકો પ્રદર્શનકારીઓ સાથે સૂત્રોચ્ચાર કરતા પણ જોવા મળ્યા હતા. પોલીસનો દાવો છે કે આવા લોકો પત્રકાર તરીકે નહીં, પરંતુ આંદોલનકારી તરીકે હાજર હતા.

જાહેરાત

પત્રકારોને રિપોર્ટિંગ કરતાં રોક્યા નહોતા

દિલ્હી પોલીસે સોગંદનામામાં સ્પષ્ટતા કરી છે કે જંતર-મંતર પર મુખ્ય પ્રવાહના રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મીડિયાના પત્રકારોને રિપોર્ટિંગ કરતાં જાણીજોઈને અટકાવવામાં આવ્યા નહોતા. અનેક મીડિયા હાઉસ દ્વારા પ્રદર્શનના ફોટા અને વીડિયો પણ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. પોલીસે વધુમાં જણાવ્યું કે જો કોઈ પત્રકારને અટકાવવાની કે દખલગીરીની ઘટના બની હોય તો તે ઓળખ અંગેની મૂંઝવણ અથવા ભીડને નિયંત્રિત કરવાનાં પગલાંને કારણે બની હોઈ શકે છે. વ્યક્તિની ઓળખ સ્પષ્ટ થયા બાદ તેને છોડી દેવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટના આદેશનો આપ્યો હવાલો

આ મામલે સુપ્રીમ કોર્ટે 11 ઓક્ટોબરે સુનાવણી દરમિયાન નિર્દેશ આપ્યો હતો કે વકીલો, પત્રકારો અને અન્ય વ્યાવસાયિકોને તેમની ફરજ બજાવતી વખતે કોઈપણ રીતે અવરોધવામાં ન આવે. દિલ્હી પોલીસે પોતાના બચાવમાં જણાવ્યું છે કે તે પ્રેસની સ્વતંત્રતાનું સન્માન કરે છે અને બંધારણની કલમ 19(1)(a) હેઠળ મળેલા વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે. જોકે, કોર્ટના આદેશનો અર્થ પ્રતિબંધિત વિસ્તારમાં નિયમોનું ઉલ્લંઘન કરવાની છૂટ આપવાનો નથી.

પત્રકારો માટે ઓળખપત્રની માર્ગદર્શિકા

દિલ્હી પોલીસે 5 ઓક્ટોબર, 2026ના રોજ પત્રકારો માટે માર્ગદર્શિકા જાહેર કરી હતી. તેમાં પત્રકારોને માન્ય ઓળખપત્ર સાથે રાખવા, તેને દેખાય તે રીતે પહેરવા અને પોલીસની કામગીરીથી સુરક્ષિત અંતર જાળવવા સૂચના આપવામાં આવી હતી. પોલીસે સ્પષ્ટ કર્યું કે માત્ર PIB માન્યતા ધરાવતા પત્રકારો જ નહીં, પરંતુ સંબંધિત મીડિયા સંસ્થા દ્વારા આપવામાં આવેલું ઓળખપત્ર ધરાવતા પત્રકારોને પણ માન્ય ગણવામાં આવશે. અંતે પોલીસે કોર્ટને વિનંતી કરી છે કે વાસ્તવિક પત્રકારત્વ અને માત્ર વીડિયો બનાવીને કમાણી કરવાના હેતુ વચ્ચેનો તફાવત નક્કી કરવામાં આવે. આ માટે વ્યક્તિનો મુખ્ય હેતુ મહત્ત્વપૂર્ણ પરિબળ ગણવો જોઈએ. હવે આ મુદ્દે સુપ્રીમ કોર્ટનું વલણ શું રહે છે તેના પર મીડિયા જગત અને સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટર્સની નજર રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત