₹150 કરોડની જમીનના વિવાદમાં પોલીસ સામે હાઈકોર્ટની લાલ આંખ, કામગીરી સામે વ્યક્ત કરી નારાજગી

ગુજરાત હાઈકોર્ટમાં ₹150 કરોડની જમીનના વિવાદને લઈને પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોર સહિતના લોકો સામે નોંધાયેલી ફરિયાદ રદ્દ કરતી વખતે હાઈકોર્ટે પોલીસની ભૂમિકા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. આ મામલે હાઈકોર્ટની ટકોર પણ ચર્ચાનું કેન્દ્ર બની છે.
સમગ્ર મામલો ગાંધીનગરના અડાલજ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ સાથે જોડાયેલો છે. ખોરજ ગામની ₹150 કરોડની જમીન કોને વેચવી તે મુદ્દે વિવાદ થયો હતો. એક મહિલાએ આક્ષેપ કર્યો હતો કે રવિ ઠાકોર દ્વારા જમીન જગદીશ ઠાકોરને જ વેચવા દબાણ કરવામાં આવતું હતું. આ ઉપરાંત જગદીશ ઠાકોરના કહેવાથી તેમના પતિનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ હતો.
જોકે, મામલો હાઈકોર્ટમાં પહોંચતા ફરિયાદીએ જ કોર્ટ સમક્ષ અલગ જ હકીકત રજૂ કરી હતી. ફરિયાદીએ જણાવ્યું હતું કે ફરિયાદમાં દર્શાવેલી કોઈ ઘટના બની જ નથી અને પોલીસે પોતાની રીતે ફરિયાદ લખીને માત્ર તેમની સહી લઈ લીધી હતી. એટલું જ નહીં, પોલીસે ચોક્કસ વ્યક્તિઓને જમીન વેચવા માટે દબાણ કર્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.
સુનાવણી દરમિયાન ફરિયાદીના એફિડેવિટમાં એક ઉચ્ચ પોલીસ અધિકારી સામે પણ નામજોગ આક્ષેપો કરવામાં આવ્યા હતા. જોકે, સરકારી વકીલના વાંધા બાદ એફિડેવિટમાં નામની જગ્યાએ ઉચ્ચ પોલીસ અધિકારી એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર મામલે હાઈકોર્ટે પોલીસની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરતાં કડક ટિપ્પણીઓ કરી હતી. કોર્ટે ટકોર કરી હતી કે, 'લાગે છે કે પોલીસને પગાર ઓછો પડે છે!' એટલું જ નહીં, કોર્ટે એવું પણ કહ્યું હતું કે પોલીસ રૂપિયા લે છે તેની કોર્ટને પણ ખબર છે. પોલીસ રૂપિયા લઈને કોર્ટનું કામ કરી શકે નહીં.
₹150 કરોડની જમીનના વિવાદમાં પોલીસની ભૂમિકા અંગે થયેલી રજૂઆતો અને ફરિયાદીની સહમતિને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે જગદીશ ઠાકોર, રવિ ઠાકોર સહિતના સામે નોંધાયેલી ફરિયાદ રદ્દ કરવાની અરજી ગ્રાહ્ય રાખી હતી.
આમ, આ કેસમાં માત્ર ફરિયાદ રદ્દ થવી જ નહીં, પરંતુ જમીન વિવાદમાં પોલીસની કથિત ભૂમિકા સામે ગુજરાત હાઈકોર્ટની આકરી ટિપ્પણીઓ પણ ખાસ ચર્ચાનો વિષય બની છે.











