દિવાળીના તહેવારોમાં અમદાવાદના રસ્તા બન્યા મોતના હાઈવે! 2 મહિલા સહિત 4નાં કરુણ મોત, અકસ્માત સર્જી વાહનચાલકો ફરાર

દિવાળીના તહેવારો ટાણે અમદાવાદ શહેર અને એસ.પી. રિંગ રોડ પર જીવલેણ અકસ્માતોની હારમાળા સર્જાઈ છે. તહેવારોની ખરીદી અને અવરજવરના પગલે માર્ગો પર વાહનોની ભારે ભીડ વચ્ચે બેફામ દોડતા ભારે વાહનો અને રોંગ સાઈડ ડ્રાઈવિંગના કારણે અલગ-અલગ 4 બનાવોમાં 2 મહિલા સહિત 4 નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. હાથીજણ સર્કલ, વટવા જીઆઇડીસી, ઓગણજ ટોલટેક્સ અને રાજેન્દ્રપાર્ક બ્રિજ પાસે સર્જાયેલી આ દુર્ઘટનાઓ બાદ અકસ્માત સર્જી વાહનચાલકો ફરાર થઈ ગયા હતા. ટ્રાફિક પોલીસે તમામ કેસોમાં ગુના નોંધી ફરાર વાહનચાલકો સામે કાયદેસરની તપાસ હાથ ધરી છે.
ઘટના 1: હાથીજણ સર્કલ પાસે ટ્રકે ટક્કર મારતાં વટવાની 22 વર્ષીય પરિણીતાનું મોત
ન્યુ વટવા ખાતે રહેતી 22 વર્ષીય મહિલાના 6 મહિના પહેલા જ હીરાવાડી ખાતે રહેતા વ્યક્તિ સાથે થયા હતા. 4 નવેમ્બરના રોજ સાંજના સમયે મહિલા વટવા ખાતેથી પોતાના મોપેડ પર સાસરી જવા નીકળી હતી. ત્યારે એસ.પી. રિંગ રોડ પર હાથીજણ સર્કલ પાસે પાછળથી પૂરઝડપે આવી રહેલા ટ્રકે મોપેડને ટક્કર મારી હતી. અકસ્માતમાં મહિલા નીચે પટકાઈ હતી અને ટ્રકનું વ્હીલ તેના પગના ભાગે ફરી વળ્યું હતું. ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રકચાલક વાહન મૂકી નાસી ગયો હતો.
ઘટના 2: વટવા જીઆઇડીસીમાં કન્ટેનર ટ્રકની ટક્કરથી વૃદ્ધાનું ઘટનાસ્થળે મોત
વટવા જીઆઇડીસી વિઠ્ઠલનગરના ટેકરા પાસે રહેતા કાપડના વેપારી 5 નવેમ્બરના રોજ પોતાની પત્ની સાથે મોપેડ પર મહેમદાવાદ ખાતે દીકરીના સાસરે ગયા હતા. સાંજે પરત ફરતા સમયે વટવા જીઆઇડીસી એસ.પી. રિંગ રોડ પર ટ્રાફિકમાં ઊભા હતા ત્યારે પાછળથી આવેલા કન્ટેનર ટ્રકે ટક્કર મારી હતી. અકસ્માતમાં વેપારી બાજુમાં પટકાયા હતા, જ્યારે તેના પત્ની ટ્રક તરફ પટકાતા કન્ટેરનું વ્હીલ તેમના શરીર પર ફરી વળ્યું હતું અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યું નિપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રકચાલક સ્થળ પર ટ્રક મૂકી ભાગી ગયો હતો.
ઘટના 3: ઓગણજ ટોલટેક્સ પાસે રોંગ સાઇડમાં આવતા બાઇકની ટક્કરે ચાલકનું જ મોત
શીલજ ચાર રસ્તા પાસે છૂટક મજૂરી કરતો યુવક 30 ઓક્ટોબરના રોજ રાત્રે આઠ વાગ્યાની આસપાસ મિત્ર સાથે મોટરસાયકલ પર અડાલજથી સામાન લઈને પરત શીલજ આવી રહ્યો હતો. એસ.પી. રિંગ રોડ પર વૈષ્ણોદેવીથી ઓગણજ તરફ આવતાં ઓગણજ ટોલટેક્સથી 200 મીટર પહેલાં સામેથી ઓગણજ તરફથી રોંગ સાઇડમાં પૂરઝડપે બાઇક લઈને આવેલા શખ્સે યુવકના બાઇકને સામેથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં ત્રણેય જણા રસ્તા પર પટકાતાં ગંભીર ઇજા થઈ હતી. સોલા સિવિલ ખાતે સારવાર દરમિયાન રોંગ સાઇડમાં વાહન ચલાવનાર યુવકનું મોત નીપજ્યું હતું.
ઘટના 4: રાજેન્દ્રપાર્ક બ્રિજ પાસે અજાણ્યા વાહને ટક્કર મારતાં માર્બલ કારીગરનું મોત
રાજસ્થાનના સિરોહી જિલ્લાના વતની અમરાઈવાડીમાં મંદિર બનાવવાનું કામ કરતા હતા. 22 ઓક્ટોબરના રોજ વહેલી સવારે ત્રણ વાગ્યા પહેલાં તેઓ રાજેન્દ્રપાર્ક બ્રિજ ચડતાં પહેલાં રસ્તો ઓળંગી રહ્યા હતા, ત્યારે કારના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી દીધી હતી. માથા અને શરીરે ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ બાદ કારચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો. મૃતકની ઓળખ થયા બાદ પૂણે રહેતા કાકા ‘આઈ’ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.













