સાબર ડેરી અને સાબરકાંઠા બૅંકની ચૂંટણી છેલ્લી ઘડીએ મોકૂફ, શું ભાજપને આંતરિક ડખ્ખાનો ડર!

હિંમતનગરમાં સાબર ડેરી અને સાબરકાંઠા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન અને વાઈસ ચેરમેનની અઢી વર્ષની મુદત માટે શુક્રવારે યોજાનારી ચૂંટણી છેલ્લી ઘડીએ મુલતવી રાખવી પડી છે. ડેરીમાં ચેરમેન પદ મેળવવા માટે આંતરિક બળવો થાય એટલું જ નહીં ડિરેક્ટરોની સોદાબાજી થાય તેવી સંભાવનાને પગલે ચૂંટણી હાલ પૂરતી સ્થગિત રાખવા નક્કી કરાયું હતું. સાબર ડેરીમાં વર્તમાન ચેરમેન શામળ પટેલ સામે વિરોધનો વંટોળ ઉઠ્યો હોવાથી તેમની રવાનગી લગભગ નક્કી મનાઈ રહી હતી. સાથે સાથે મૂળ કોંગ્રેસી ડો. વિપુલ પટેલને ચેરમેનપદ મળે તેવા ઉજળા સંકેતો હતાં.
બળવાના એંધાણે ચૂંટણી મોકૂફ રખાઈ
બળવો થવાની શક્યતાને જોતાં આખી ચૂંટણી મોકૂફ રાખવી પડી હોવાનું સહકારી ક્ષેત્રે ચર્ચાઈ રહ્યું છે. નોંધનીય છે કે, સાબરડેરીની ચૂંટણીમાં આ વખતે ડેરીમાં ભ્રષ્ટાચાર, ડિરેક્ટરોની સોદાબાજી, કામદારોની ભરતી સહિતના મુદ્દા છવાયાં હતાં જેના પગલે ચૂંટણી વધુ રસપ્રદ બની રહી છે.
સાબરડેરી અને વાઈસ ચેરમેનની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જોકે શુક્રવારે યોજાનાની ચૂંટણી આકસ્મિક રીતે મુલતવી રાખવામાં આવતા સહકારી આલમમાં ખળભળાટ મચ્યો છે. પ્રદેશ કક્ષાએથી ભાજપના 3 નિરીક્ષકો સેન્સ લેવા માટે આવ્યા હતા. ત્યારે જ ડીરેક્ટરોના જૂથબંધીનો અંદાજ આવી ગયો હતો. ત્યારથી ડિરેક્ટરોનો હોર્સ ટ્રેડિંગનો મામલો ગરમાયો હતો અને ચેરમેન પદ માટે વિપુલ પટેલને સમર્થન આપતા કેટલાય ડિરેક્ટરોની એકજૂથતા સામે આવ્યા બાદ ભાજપની નેતાગીરી સ્તબ્ધ થઈ ગઈ હતી.
ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણીને લઈ હાઈવોલ્ટેજ ડ્રામા
સાબરડેરીના આગામી અઢી વર્ષના ચેરમેન-વાઈસ ચેરમેન માટે ચૂંટણી યોજાય તે પહેલાં હાઈવોલ્ટેજ ડ્રામા શરૂ થયો હતો. ડેરીમાં ઉમેદવારોને હંગામી નોકરી આપી છે અને રૂ. 25થી 30 લાખ ઉમેદવાર દીઠ ખંખેરી લીધાં પછી પણ કાયમી નિમણૂંકો બાકી છે જેથી પોતાના કહ્યાધરો ડિરેક્ટર ચેરમેન પદે આવે તેવા સમીકરણ ગોઠવવામાં આવ્યા હતા.
જો કે પ્રદેશ નેતાગીરીને સાબરડેરીમાં ચાલતી ખેંચતાણનો અંદાજ આવી જતાં તા. 4ના રોજ રાત્રે ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા. જ્યાં અરવલ્લી જિલ્લા પ્રભારી મંત્રીના બંગલે પ્રદેશ સંગઠન મહામંત્રી અને ઉત્તર ગુજરાત ઝોનના પ્રભારીએ સાબરડેરીમાં ચાલતા કાવા-દાવા સહિતની વિગતોનો ઉલ્લેખ કરી પક્ષની છબી ખરડી નાખી છે તેમ કહી ડિરેક્ટરોનો રીતસરનો ઉધડો લઈ નાખ્યો હતો અને સર્વસંમતિથી જે પણ ચેરમેન-વાઈસ ચેરમેન તરીકે મેન્ડેટ અપાય તેને સ્વીકારી લેવા સ્પષ્ટ શબ્દોમાં જણાવી દેવાયાની વિગતો બહાર આવી રહી છે.
ડેરીમાં ભ્રષ્ટાચારનો મામલો ગરમાયો
રૂ. 2 કરોડમાં ડિરેક્ટરોની સોદાબાજીની ચર્ચા અને ઉમેદવારોની ભરતીમાં લાખો રૂપિયા ઉધરાવવાની બાબતે મામલો ગુંચવાયો હતો. પરંતુ સાબરડેરીમાં ચેરમેન પદ માટે ખેંચતાણ અને અસંતોષ ઉભો થતાં ઈડર માર્કેટયાર્ડ વાળી ન થાય તે માટે આગમચેતીથી ઉચ્ચ કક્ષાએથી સૂચના મળતાં ચૂંટણી મુલતવી રખાઈ હોવાનું મનાઈ રહ્યું છે. બંને સહકારી સંસ્થામાં ચૂંટણીનો નવો કાર્યક્રમ હવે નવેસરથી જાહેર કરવામાં આવશે.















