ચકચારી ઘટના! કબ્રસ્તાનમાંથી માથા વગરનું નગ્ન ધડ મળી આવતાં ખળભળાટ, પોલીસ તપાસ શરૂ

દિવાળીના તહેવારો વચ્ચે સુરતના કતારગામ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોટાલાવાડી ચાર રસ્તા પાસે આવેલા ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી અજાણ્યા પુરુષનું માથા વગરનું નગ્ન ધડ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં પુરુષની હત્યા કરીને તેની ઓળખ છુપાવવા માટે માથું અલગ કરવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં કતારગામ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો તપાસ માટે સ્થળ પર પહોંચ્યો હતો.
કબ્રસ્તાનમાં મૃતદેહ મળી આવતાં પોલીસ દોડી
3 નવેમ્બરની રાત્રે કતારગામ પોલીસને કંટ્રોલ રૂમ મારફતે ગોટાલાવાડી ચાર રસ્તા નજીક આવેલા ખ્રિસ્તી કબ્રસ્તાનમાં એક વ્યક્તિનો મૃતદેહ પડ્યો હોવાની જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ દરમિયાન કબ્રસ્તાનમાં એક પુરુષનું નગ્ન ધડ મળી આવ્યું હતું. મૃતદેહનું માથું ગાયબ હતું અને શરીર પર કોઈ કપડાં પણ નહોતાં.
FSL અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપરાંત FSL અને ડોગ સ્ક્વોડની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. પ્રાથમિક આશંકા મુજબ અજાણ્યા શખસોએ પુરુષની હત્યા કર્યા બાદ તેની ઓળખ છુપાવવા અથવા પુરાવાનો નાશ કરવાના ઇરાદે માથું અલગ કર્યું હોઈ શકે છે. જોકે, માથું ક્યાં છે અને હત્યા પાછળનું ચોક્કસ કારણ શું છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
બે દિવસ પહેલાં હત્યા થઈ હોવાની આશંકા
પોલીસના પ્રાથમિક અનુમાન પ્રમાણે પુરુષની હત્યા આશરે બે દિવસ પહેલાં કરવામાં આવી હોઈ શકે છે. ઘટનાસ્થળે પંચનામું કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ અને સમય સહિતની વિગતો સામે આવશે.
મૃતકની ઓળખ અને માથાની શોધખોળ શરૂ
હાલ પોલીસ સામે સૌથી મોટો પડકાર મૃતકની ઓળખ મેળવવાનો છે. આ માટે કતારગામ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે-ત્રણ દિવસ દરમિયાન ગુમ થયેલા લોકોની વિગતો એકત્રિત કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ, કબ્રસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાનાં ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યાં છે. પોલીસ મૃતકનું માથું ક્યાં ફેંકવામાં આવ્યું છે, હત્યામાં કોણ સંડોવાયેલું છે અને હત્યા પાછળનું કારણ શું છે તે સહિતના તમામ પાસાંઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે.












