VIDEO: પોરબંદરના ચકચારી હિરલબા કેસમાં ફરિયાદ બાદ તપાસ, સૂરજ પેલેસ બંગલો વિવાદનું કેન્દ્ર
પોરબંદર સહિત સમગ્ર ગુજરાતમાં ભારે ચર્ચા જગાવનાર હિર

પોરબંદર સહિત સમગ્ર ગુજરાતમાં ભારે ચર્ચા જગાવનાર હિરલબા કેસમાં હવે કાનૂની ગૂંચવણો વધી છે. આ વિવાદની શરૂઆત કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગીય ભૂરા મુંજાના વિદેશમાં વસતા પત્ની ચૌલાદેવી કડછા દ્વારા લેખિત ફરિયાદથી થઈ છે. ચૌલાદેવીએ વિદેશથી જ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ વિવાદના કેન્દ્રમાં પોરબંદરનો પ્રખ્યાત સૂરજ પેલેસ બંગલો છે, જે ભૂરા મુંજાના અવસાન બાદ પણ કાયદેસર રીતે ચૌલાદેવીના નામે જ નોંધાયેલો છે. જોકે, ભૂરા મુંજાના અવસાન પછી હિરલબા જાડેજાએ આ આલીશાન બંગલા પર ગેરકાયદેસર રીતે પોતાનો કબ્જો જમાવી લીધો હતો. પોલીસ તપાસમાં એવા મજબૂત પુરાવાઓ મળ્યા છે કે હિરલબા આ બંગલામાં રહીને માત્ર ગેરકાયદે કબ્જો જ નહોતા ભોગવતા, પરંતુ ત્યાંથી જ અનેક પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓનું સંચાલન પણ કરતા હતા. હિરલબા છેલ્લા ૧૩ મહિના કરતાં પણ વધુ સમયથી જૂનાગઢ જેલમાં બંધ છે. કલેકટર કચેરી ખાતે મળેલી લેન્ડ ગ્રેબિંગ કમિટીની મહત્વની બેઠકમાં ચૌલાદેવીની ફરિયાદને ગ્રાહ્ય રાખવામાં આવી છે. કમિટીએ તમામ પુરાવાઓની ચકાસણી કરીને હિરલબા જાડેજા સામે લેન્ડ ગ્રેબિંગનો નવો ગુનો દાખલ કરવાનો કડક હુકમ કર્યો છે.


