Video: દિવાળી નિમિત્તે અમદાવાદના ઇલેક્ટ્રિક બજારમાં જોવા મળી રંગબેરંગી લાઈટ્સની રોનક!

દિવાળી નિમિત્તે અમદાવાદના ઇલેક્ટ્રિક બજારમાં જોવા મળી રંગબેરંગી લાઈટ્સની રોનક!
ઘર આંગણું સજાવવા માટે અવનવી વેરાયટીઓ બજારમાં મચાવી રહી છે ધૂમ!
સસ્તી અને આકર્ષક હોવાને કારણે ચાઈનીઝ લાઈટ્સ તરફ આકર્ષાઈ રહ્યા છે ગ્રાહકો!
દિવાળીના પાવન તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સમગ્ર રાજ્યમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદના જાણીતા ગાંધી રોડ ઇલેક્ટ્રિક બજાર સહિત અનેક જગ્યાએ બજારો રંગબેરંગી રોશની અને લાઈટ્સની અવનવી સિરીઝથી ઊભરાઈ રહ્યા છે. પ્રકાશના આ પર્વ પર ઘર-આંગણાને દીપાવવા માટે બજારમાં અનેક આકર્ષક વેરાયટીઓ ઉપલબ્ધ છે, જે ખરીદી કરવા આવતા ગ્રાહકોનું ધ્યાન ખેંચી રહી છે.આ વર્ષે બજારમાં કર્ટન લાઈટ્સ સૌથી વધુ ધૂમ મચાવી રહી છે. પડદાની નીચે લગાવેલા રંગબેરંગી બલ્બ્સ ઘરને એક નવો જ આકર્ષક લુક આપે છે. આ ઉપરાંત નિયોન લાઈટ્સ અને વિવિધ પ્રકારના રંગબેરંગી બલ્બ્સની પણ ભારે માંગ જોવા મળી રહી છે. શરૂઆતમાં મોંઘવારીની અસરના કારણે બજારમાં થોડી મંદી વર્તાઈ હતી અને ધાર્યા જેવી ઘરાકી નીકળી નહોતી, પરંતુ વેપારીઓને પૂરો વિશ્વાસ છે કે દિવાળીના છેલ્લા દિવસોમાં ખરીદીનો ધમધમાટ જોવા મળશે.
ભારતીય પ્રોડક્ટ્સની માંગ પણ ધીમે ધીમે થઈ રહ્યો છે વધારો!
એક તરફ દેશભરમાં સ્વદેશી અપનાવવાની વાતો કરવામાં આવે છે, પરંતુ જમીની હકીકત એ છે કે રોશનીના આ માર્કેટમાં આજે પણ ચાઈનીઝ બનાવટની પ્રોડક્ટ્સનો મોટો દબદબો જોવા મળી રહ્યો છે. વેપારીઓ ખુલ્લેઆમ સ્વીકારે છે કે ગ્રાહકો સ્વદેશી પ્રોડક્ટ્સની સરખામણીએ ચાઈનીઝ લાઈટ્સ સસ્તી અને વધુ આકર્ષક હોવાથી તેની ખરીદી વધુ કરી રહ્યા છે. જો કે, આ તમામ વચ્ચે એક સકારાત્મક બદલાવ એ પણ જોવા મળી રહ્યો છે કે ધીમે ધીમે ભારતીય બનાવટની પ્રોડક્ટ્સનું ચલણ પણ બજારમાં વધવા લાગ્યું છે.તહેવારોની આ ચમક-દમક વચ્ચે વેપારીઓ અને ગ્રાહકો બંનેમાં ઉત્સાહનો માહોલ છે. આગામી દિવસોમાં ઘરાકી વધુ જોર પકડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે..
ઝલક અધ્યારૂ, જીએસટીવી ન્યૂઝ, અમદાવાદ














