આવતીકાલથી કાંકરિયામાં ફરી શરૂ થશે બોટિંગ, મુલાકાતીઓની માંગને લઈ AMC દ્વારા બે વર્ષ બાદ લેવાયો નિર્ણય

આવતીકાલથી કાંકરિયામાં ફરી શરૂ થશે બોટિંગ, મુલાકાતીઓની માંગને લઈ AMC દ્વારા બે વર્ષ બાદ લેવાયો નિર્ણય
તસવીર: Google
આ સમાચાર સાંભળો

અમદાવાદના કાંકરિયા તળાવની મુલાકાતે આવતા લોકો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા બે વર્ષથી બંધ રહેલી બોટિંગની સુવિધા આવતીકાલથી ફરી શરૂ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કાંકરિયા પરિસરમાં કુલ 20 બોટ કાર્યરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સુવિધા શરૂ થતાં મુલાકાતીઓ ફરી એકવાર તળાવમાં બોટિંગની મજા માણી શકશે.

રૂ.10 લાખનો વ્યક્તિગત વીમો ફરજિયાત

રાજ્ય સરકાર દ્વારા થોડા સમય અગાઉ બોટિંગની સુવિધા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. આ માર્ગદર્શિકાના આધારે સુરક્ષાનાં વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. બોટિંગ દરમિયાન મુલાકાતીઓનો રૂ.10 લાખનો વ્યક્તિગત વીમો ફરજિયાત રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત લાઇફ જેકેટ, રેસ્ક્યૂ બોટ અને અન્ય સુરક્ષા ઉપકરણો ઉપલબ્ધ રાખવા પડશે. બોટિંગ સ્થળે એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ ફરજિયાત કરવામાં આવી છે.

જાહેરાત

2 સ્પીડ બોટનો ઉપયોગ રેસ્ક્યૂ બોટ તરીકે કરાશે

કાંકરિયા પરિસરમાં સુરક્ષાની દૃષ્ટિએ 24 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. કુલ 20 બોટમાંથી 19 બોટ મુલાકાતીઓ માટે કાર્યરત રહેશે, જ્યારે 2 સ્પીડ બોટનો ઉપયોગ રેસ્ક્યૂ બોટ તરીકે કરવામાં આવશે.

બોટિંગ માટે અલગ-અલગ દર પણ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં સ્પીડ બોટ અને પોન્ટૂન બોટના રૂ.160, શિકારા અને જીપ્સી બોટના રૂ.150 તથા પેડલ બોટના રૂ.60 ટિકિટ દર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત કાંકરિયામાં ફ્લોટિંગ કેફે પણ શરૂ કરવામાં આવશે. બોટિંગની દરેક ટિકિટની આવકમાંથી 15 ટકા નફાની રકમ AMCને ચૂકવવાની રહેશે. આમ, બે વર્ષના લાંબા વિરામ બાદ કાંકરિયામાં બોટિંગ શરૂ થતાં અમદાવાદીઓ અને બહારગામથી આવતા પ્રવાસીઓને મનોરંજનની નવી સુવિધા મળશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત