'બધાને ખુશ કરવા નહીં, સાચા નિર્ણય લેવા મારી જવાબદારી છે', ગૌતમ ગંભીરનું નિવેદન

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર (Gautam Gambhir) ફરી એકવાર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. ન્યૂઝીલેન્ડ સામેની પાંચમી અને અંતિમ T20 મેચ પહેલાં તેમણે ટીમની પસંદગી (Team Selection) અંગે પોતાની વિચારધારા સ્પષ્ટ કરી હતી. ગંભીરએ કહ્યું કે તેમની જવાબદારી દરેકને ખુશ કરવાની નથી, પરંતુ ટીમના હિતમાં યોગ્ય નિર્ણય (Right Decision) લેવાની છે. તેમણે કહ્યું, “મારું કામ બધાને ખુશ કરવાનું નથી. મારું કામ લોકપ્રિય નહીં, પરંતુ યોગ્ય નિર્ણયો લેવાનું છે.” સોશિયલ મીડિયા (Social Media) પર થતી ચર્ચાઓ અને બહારના દબાણથી પ્રભાવિત થયા વગર ટીમના હિતને પ્રાથમિકતા આપવી જરૂરી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
વૈભવ સૂર્યવંશીની પસંદગી અંગે સવાલ
હાલ ભારતીય ટીમમાં યુવા બેટર વૈભવ સૂર્યવંશી (Vaibhav Sooryavanshi)ને પૂરતી તક ન મળવાને કારણે ચર્ચા ચાલી રહી છે. ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં વૈભવે બે મેચ રમી હતી. બીજી T20માં તેણે 4 રન બનાવ્યા હતા, જ્યારે ત્રીજી મેચમાં ઓપનિંગ કરતાં માત્ર 19 બોલમાં 45 રનની આક્રમક ઇનિંગ રમી હતી. તેમ છતાં ચોથી અને પાંચમી મેચમાં તેને પ્લેઇંગ ઇલેવન (Playing XI)માં સ્થાન મળ્યું નહોતું.
સતત સારું રમનારા ખેલાડીઓને મળશે સમર્થન
ગંભીરે જણાવ્યું કે જે ખેલાડીઓ લાંબા સમયથી સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે, તેઓ વધુ તક મેળવવાના હકદાર છે. ડ્રેસિંગ રૂમ (Dressing Room)માં ખેલાડીઓને સુરક્ષા અને વિશ્વાસની લાગણી રહે તે પણ ટીમ મેનેજમેન્ટ માટે મહત્ત્વપૂર્ણ છે.
શ્રેણી જીત્યા પછી પણ દરેક મેચ મહત્ત્વપૂર્ણ
ભારતે ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની T20 શ્રેણીમાં પ્રથમ ત્રણ મેચ જીતીને 3-1ની સરસાઈ મેળવી લીધી હતી. ગંભીરના મતે દેશ માટે રમતી વખતે કોઈ મેચ ઔપચારિક (Dead Rubber) હોતી નથી. દરેક આંતરરાષ્ટ્રીય મેચ ખેલાડીઓ માટે કંઈક નવું શીખવાની અને પોતાનું પ્રદર્શન સુધારવાની તક છે. તેમણે ન્યૂઝીલેન્ડની પરિસ્થિતિમાં ભારતીય ખેલાડીઓએ ટૂંકા સમયગાળામાં સારી રીતે અનુકૂલન (Adaptation) સાધ્યું હોવાનું પણ જણાવ્યું હતું.





