જૂનાગઢમાં હેરિટેજ સપ્તાહની ઉજવણી વચ્ચે ઐતિહાસિક ઈમારતોની દુર્દશા, અનેક બિલ્ડિંગો ખંડેર

જૂનાગઢમાં હેરિટેજ સપ્તાહની ઉજવણી વચ્ચે ઐતિહાસિક ઈમારતોની દુર્દશા, અનેક બિલ્ડિંગો ખંડેર
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

આજથી તા. 25 સુધીની હેરિટેજ સપ્તાહની ઉજવણી શરૂ થઈ છે. જૂનાગઢમાં અનેક પ્રાચીન સ્થળો આવેલા છે પરંતુ જાળવણીના અભાવે સૈકાઓ જૂનાં સ્થળો ભૂતકાળ બની રહ્યા છે. તંત્ર દ્વારા આવા સ્થળોએ ઉજવણીની દરકાર જ લેવામાં આવી નથી તેથી વર્લ્ડ હેરિટેજ સપ્તાહની ઉજવણી નિરર્થક બની રહી છે.

અનેક હેરિટેજ ઈમારતો ખંડેર

જાહેરાત

પૌરાણિક સ્થળોની જાળવણીની જવાબદારી ધરાવતા પુરાતત્વ વિભાગ દ્વારા ખાપરા કોઢીયાની ગુફા, ઉપરકોટની અંદર આવેલ બૌધ્ધ ગુફા, અશોક શિલાલેખ અને ફુલીયા હનુમાન રોડ પર આવેલ બાબા પ્યારેની ગુફા આ ચાર સ્થળોનું સંચાલન કરવામાં આવે છે. અન્ય જિલ્લાઓમાં આજથી સપ્તાહ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે પરંતુ ઉપરોક્ત ચારેય સ્થળોએ હેરિટેજ સપ્તાહ ઉજવણી નિમિત્તે એક પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નથી, જેથી હેરિટેજ સપ્તાહની ઉજવણી વચ્ચે પણ ગુફાઓ સૂમસામ ભાસી રહી છે.

બીજી તરફ જાળવણીના અભાવે ગુફા ખંઢેર બનતી જાય છે. ચારેય સ્થળોએ ઓફલાઈન ટિકિટ જ બંધ કરી દેવામાં આવી છે, માત્ર ઓનલાઈન ટિકિટ આપવામાં આવતી હોવાથી ગણ્યા ગાંઠયા પ્રવાસીઓ જ સ્થળની મુલાકાતે આવે છે.

હેરિટેજ બિલ્ડિંગોને લાપરવાહીનો લુણો

દિવાન ચોક, જનતા ચોક, રંગ મહેલ વિસ્તારમાં અનેક ઐતિહાસિક પ્રાચીન ઈમારતો આવેલી છે, જેની હેરિટેજ ઈમારતોમાં ગણના થાય છે. પરંતુ તે તમામ ઈમારતો પણ જાળવણીના અભાવે ખંઢેર હાલતમાં છે. માર્ગ મકાન વિભાગ દ્વારા પણ પ્રાચીન હેરિટેજ ઈમારતોને નવીનીકરણ કરવા કોઈ કાર્યવાહી જ થતી નથી, જેથી અસામાજિક તત્વોનો પગ પેસારો વધી રહ્યો છે અને આસપાસના રહેવાસીઓને મુશ્કેલી થઈ રહી છે. શહેરને હેરિટેજ સિટીની ગણના આપનાર બાબુઓ-નેતાઓ પણ પ્રાચીન સ્થળોની જાળવણી અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા નીરસ રહ્યા છે.

બિગ 'બી'એ જ્યાં શૂટિંગ કર્યું તે વિસ્તારની જાળવણી જ નહીં, હેરિટેજ બહાઉદ્દીન કોલેજ પાસે ડમ્પિંગ સાઈટ

બહાઉદ્દીન કોલેજની હેરિટેજ ઈમારતમાં સમાવેશ કરાયો છે પરંતુ તેની પાસે જ મહાનગરપાલિકાએ ડમ્પિંગ સાઈટ બનાવી છે જેથી કચરા અને દુર્ગંધના કારણે વિદ્યાર્થીઓને પણ હાલાકી થઈ રહી છે. ખાપરા કોઢિયાની ગુફાએ મહાનાયક અમિતાભ બચ્ચન દ્વારા પ્રવાસન નિગમની જાહેરાતનું પણ શૂટિંગ કરાયું હતું પરંતુ ત્યારબાદ આ વિસ્તારની પણ જાળવણી કરવામાં આવી નથી.

આ સમાચાર શેર કરો

જાહેરાત