36માંથી 4 રાફેલ જેટ ગુમ? બ્રિટિશ રિપોર્ટના દાવાને ભારતે ફગાવ્યો, જાણો શું છે સમગ્ર વિવાદ

36માંથી 4 રાફેલ જેટ ગુમ? બ્રિટિશ રિપોર્ટના દાવાને ભારતે ફગાવ્યો, જાણો શું છે સમગ્ર વિવાદ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

મે 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા ત્રણ દિવસના સૈન્ય સંઘર્ષ અને 'ઓપરેશન સિંદૂર'ને દોઢ વર્ષ વીતી ચૂક્યું છે. હથિયારોનું યુદ્ધ ભલે અટકી ગયું હોય, આંકડાઓ અને માહિતીનું યુદ્ધ હજુ પણ ચાલુ છે. તાજેતરમાં બ્રિટિશ એવિએશન મેગેઝિન 'ફ્લાઇટગ્લોબલ'માં પ્રકાશિત થયેલા રિપોર્ટે સંરક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે.

આ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે ભારતે ફ્રાન્સ પાસેથી 36 રાફેલ ફાઇટર જેટ ખરીદ્યા હતા, પણ ભારતીય વાયુસેના (IAF – ઇન્ડિયન એર ફોર્સ) પાસે 36 ને બદલે માત્ર 32 ફાઇટર જેટ છે. આ આંકડા સામે આવતા જ પાકિસ્તાની મીડિયા અને ભારતના વિપક્ષી દળો આ મુદ્દે સવાલ ઉઠાવવા લાગ્યા છે. ભારતના સંરક્ષણ મંત્રાલય, ભારતીય વાયુસેનાના ભૂતપૂર્વ વાઇસ ચીફ અને અન્ય નક્કર પુરાવાઓએ આ દાવાને સદંતર ફગાવી દીધો છે.

જાહેરાત

શું છે ફ્લાઇટગ્લોબલનો વિવાદાસ્પદ રિપોર્ટ?

આ વિવાદનું મૂળ બ્રિટિશ એવિએશન પ્રકાશન 'ફ્લાઇટગ્લોબલ' (FlightGlobal) દ્વારા એમ્બ્રેર (Embraer, અમેરિકાની બોઇંગ અને યુરોપની એરબસ પછી વિશ્વની ત્રીજી સૌથી મોટી કોમર્શિયલ વિમાન બનાવતી કંપની) સાથેના સહયોગમાં બહાર પાડવામાં આવેલી નવી 'વર્લ્ડ એર ફોર્સીસ ડિરેક્ટરી 2027'માં રહેલું છે. આ ડિરેક્ટરીના ભારતીય વાયુસેનાના ટેબલમાં લડાયક વિમાનોની યાદીમાં 'રાફેલ DH/EH'ની સક્રિય સંખ્યા 32 બતાવવામાં આવી છે. અહીં ઉલ્લેખનીય છે કે ભારતે ફ્રાન્સ પાસેથી કુલ 36 રાફેલ વિમાનો ખરીદ્યા હતા, જેમાં 28 સિંગલ-સીટ (EH) અને 8 ટ્વીન-સીટ (DH) વેરિયન્ટનો સમાવેશ થાય છે.

અગાઉના રિપોર્ટમાં જુદો આંકડો હતો!

આશ્ચર્યની વાત એ છે કે ઓપરેશન સિંદૂરના થોડા મહિનાઓ બાદ નવેમ્બર 2025માં પ્રકાશિત થયેલી ફ્લાઇટગ્લોબલની અગાઉની આવૃત્તિમાં 35 સક્રિય રાફેલ વિમાનો દર્શાવવામાં આવ્યા હતા. નવી આવૃત્તિમાં આ સંખ્યા ઘટાડીને 32 કરી દેવામાં આવી છે, પરંતુ આ ઘટાડા પાછળ કોઈ સ્પષ્ટતા, કારણ કે પુરાવા આપવામાં આવ્યા નથી. આ જ પ્રકાશનમાં પાકિસ્તાનના 'સાબ 2000 એરીયે' (Saab 2000 Erieye) એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ વિમાનોની સંખ્યા પણ 9થી ઘટાડીને 7 કરવામાં આવી છે.

કાનૂની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લીધા

આ રિપોર્ટ યુકે સ્થિત એવિએશન ડેટા અને એનાલિટિક્સ કંપની 'સિરિયમ' (Cirium)ના ડેટા પર આધારિત છે, જેની એક ઓફિસ ભારતના ગુરુગ્રામમાં પણ આવેલી છે. જોકે, ફ્લાઇટગ્લોબલે રિપોર્ટમાં એક નાની ફૂટનોટ ઉમેરીને પોતાની કાનૂની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લીધા છે. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે આ માહિતીમાં કોઈ પણ ભૂલ હોય તો ફ્લાઇટગ્લોબલની કોઈ કાનૂની જવાબદારી રહેશે નહીં.

રાફેલ તોડી પાડ્યાના પાકિસ્તાનના દાવામાં કેટલો દમ?

ફ્લાઇટગ્લોબલનો આ રિપોર્ટ જાહેર થતાં જ પાકિસ્તાની મીડિયા, ખાસ કરીને 'ડોન' (Dawn) અખબારે તેને વધાવી લીધો છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે આ આંકડા તેના એ દાવાને સમર્થન આપે છે કે તેણે મે 2025ના સંઘર્ષ દરમિયાન ભારતના 4 રાફેલ વિમાનો તોડી પાડ્યા હતા.

ભારતીય વાયુસેના અને સંરક્ષણ મંત્રાલયનો રદિયો

આ રિપોર્ટ સામે ભારતના સંરક્ષણ નિષ્ણાતો, ભૂતપૂર્વ સૈન્ય અધિકારીઓ અને સરકારી તંત્રે મજબૂત તર્ક અને પુરાવાઓ સાથે વળતો જવાબ આપ્યો છે.

  • ભૂતપૂર્વ IAF વાઇસ ચીફનો પ્રહાર: ઓપરેશન સિંદૂર દરમિયાન સેવા આપી ચૂકેલા ભૂતપૂર્વ વાયુસેના વાઇસ ચીફ એર માર્શલ નર્મદેશ્વર તિવારી (નિવૃત્ત)એ આ આંકડાઓને 'સ્પષ્ટપણે ખોટા' ગણાવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમણે ફ્લાઇટગ્લોબલને તેના સ્ત્રોતોનું ફરીથી મૂલ્યાંકન કરવાની સલાહ આપતાં લખ્યું કે આ જ સોર્સે અગાઉ પાકિસ્તાન સાથેના સંઘર્ષમાં તોડી પડાયેલા કથિત રાફેલ વિમાનોના ચોક્કસ 'પૂંછડી નંબરો' (Tail Numbers) જાહેર કર્યા હતા, પરંતુ તે જ નંબરો ધરાવતા વિમાનો ત્યારબાદ વિવિધ આંતરરાષ્ટ્રીય કવાયતોમાં ઉડાન ભરી ચૂક્યા છે.
  •  સ્ક્વોડ્રન લીડર શિવાંગી સિંહનું ઉદાહરણ: એર માર્શલ તિવારીએ પાકિસ્તાની પ્રચારની પોલ ખોલતા ભારતના પ્રથમ મહિલા રાફેલ પાઇલટ સ્ક્વોડ્રન લીડર શિવાંગી સિંહનો કિસ્સો યાદ કર્યો. સંઘર્ષ દરમિયાન પાકિસ્તાની સોશિયલ મીડિયા એકાઉન્ટ્સે ખોટો દાવો કર્યો હતો કે તેમનું જેટ તોડી પાડવામાં આવ્યું છે અને તેમને યુદ્ધકેદી (PoW) બનાવવામાં આવ્યા છે. પરંતુ થોડા સમય બાદ જ હરિયાણાના અંબાલા એરબેઝ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે હસતાં ચહેરે શિવાંગી સિંહની તસવીર સામે આવતા પાકિસ્તાનને નીચાજોણું થયું હતું.
  •  સંરક્ષણ મંત્રાલય અને સિરિયમની કાર્યપદ્ધતિ: ભારતીય સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે ફ્લાઇટગ્લોબલના આંકડા મંત્રાલય કે વાયુસેના દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી પર આધારિત નથી. નિષ્ણાતોના મતે, સિરિયમ જેવી કંપનીઓ જાહેરમાં ઉપલબ્ધ ફ્લાઇટ-ટ્રેકિંગ અને દૃશ્યમાન માહિતીના આધારે અંદાજ લગાવે છે. આવા અંદાજોમાં ઘટાડો થવાનો અર્થ એ પણ હોઈ શકે કે અમુક વિમાનો નિયમિત મેન્ટેનન્સ, અપગ્રેડેશન કે સમારકામ હેઠળ હોય. તેનો અર્થ એ નથી કે વિમાન યુદ્ધમાં નષ્ટ થઈ ગયા છે.
  • • IAFના જૂન 2026ના ટેન્ડરે ખોલી પોલ: ફ્લાઇટગ્લોબલના રિપોર્ટને સૌથી મોટો ફટકો જૂન 2026માં ભારતીય વાયુસેના દ્વારા જારી કરાયેલા એક ટેન્ડરથી પડ્યો છે. આ ટેન્ડરમાં તમામ 36 રાફેલ વિમાનો માટે 'બ્રિજ સપોર્ટ' (ટેકનિકલ સપોર્ટ અને લોજિસ્ટિક્સ માટેનો ટૂંકા ગાળાનો વચગાળાનો કરાર) માંગવામાં આવ્યો હતો. આ સ્પષ્ટ સાબિત કરે છે કે ભારતનો સંપૂર્ણ 36 વિમાનોનો કાફલો અકબંધ છે.
  •  દસોલ્ટ એવિએશનના CEOનું નિવેદન: રાફેલ બનાવતી ફ્રેન્ચ કંપની દસોલ્ટ એવિએશનના CEO એરિક ટ્રેપિયરે પણ જૂન 2025માં પાકિસ્તાનના રાફેલ તોડી પાડવાના દાવાઓને 'અચોક્કસ' (inaccurate) ગણાવ્યા હતા.

પાકિસ્તાને પૈસા ખવડાવીને ખોટી માહિતી ફેલાવી?

ડિફેન્સ અને જિઓપોલિટિક્સ વિષયમાં લખતા લોકપ્રિય X એકાઉન્ટ 'TheLegateIN' (જેના 2.27 લાખ ફોલોઅર્સ છે)એ દાવો કર્યો છે કે ફ્લાઇટગ્લોબલનો રિપોર્ટ પાકિસ્તાન તરફી એવિએશન લેખક એલન વોર્ન્સ (Alan Warnes)ના રિપોર્ટિંગ પર આધારિત છે. 'એરફોર્સીસ મન્થલી' (AFM) મેગેઝિન ચલાવતા વોર્ન્સ પર આરોપ છે કે પાકિસ્તાન એર ફોર્સે પ્રચારાત્મક લેખો લખવા માટે તેમને 34,000 પાઉન્ડથી વધુ રકમ ચૂકવી હતી.

વોર્ન્સે ગયા વર્ષે દાવો કર્યો હતો કે પાકિસ્તાને ભારતના 4 ચોક્કસ રાફેલ વિમાનો—BS-001, BS-021, BS-022 અને BS-027—તોડી પાડ્યા હતા. પરંતુ 2026ની પ્રજાસત્તાક દિવસની ફ્લાયપાસ્ટમાં જ્યારે રાફેલ BS-022 આકાશમાં ગર્જના કરતું જોવા મળ્યું, ત્યારે એમનો દાવો પોકળ સાબિત થયો હતો.

પાકિસ્તાનના ‘હવાઈ’ દાવાઃ વિરોધાભાસી આંકડા આપ્યા

પાકિસ્તાન પોતે પોતાના દાવાઓ અંગે સ્પષ્ટ નથી. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે અલગ-અલગ સમયે 3, 4 અને 6 વિમાનો તોડી પાડ્યાના વિરોધાભાસી આંકડા આપ્યા છે, પરંતુ આજ સુધી પાકિસ્તાન વિમાનનો કાટમાળ કે સેટેલાઇટ તસવીરો જેવો એક પણ ચકાસી શકાય તેવો પુરાવો રજૂ કરી શક્યું નથી.

ઓપરેશન સિંદૂરનું બેકગ્રાઉન્ડ

આ સમગ્ર વિવાદના મૂળમાં મે 2025નું ઓપરેશન સિંદૂર છે. પહેલગામ આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોતનો બદલો લેવા ભારતે 7 મે, 2025ના રોજ આ ઓપરેશન શરૂ કર્યું હતું. ત્રણ દિવસથી વધુ સમય સુધી ચાલેલી કાર્યવાહીમાં ભારતે પાકિસ્તાનની અંદરના આતંકવાદી છાવણીઓ પર બોમ્બમારો કર્યો અને તેના 11 લશ્કરી સ્થળોને નિશાન બનાવ્યા, જેના કારણે 10 મે, 2025ના રોજ પાકિસ્તાનને યુદ્ધવિરામ માટે મજબૂર થવું પડ્યું હતું.

વિપક્ષના સવાલ

ઓપરેશન સિંદૂર બાદ ભારતમાં પણ વિમાનોના નુકસાન અંગે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. સંઘર્ષ બાદના મહિનાઓમાં તત્કાલીન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) અનિલ ચૌહાણ સહિતના વરિષ્ઠ સંરક્ષણ અધિકારીઓએ નુકસાનના ચોક્કસ આંકડા આપ્યા વિના 'વ્યૂહાત્મક ભૂલો' અને 'નુકસાન'ની વાત સ્વીકારી હતી. ભારતીય વાયુસેનાના એક અધિકારીએ પણ કહ્યું હતું કે 'નુકસાન એ યુદ્ધનો એક ભાગ છે'. જોકે, આ તમામે 4 રાફેલ ગુમાવવાના પાકિસ્તાની દાવાને નકારી કાઢ્યો હતો. આમ છતાં, વિપક્ષે સંસદમાં હોબાળો મચાવીને સરકાર પર વિમાનોના નુકસાનની સાચી વિગતો છુપાવવાનો આરોપ લગાવ્યો હતો.

રાજનાથ સિંહનો જવાબ

ભૂતપૂર્વ વાયુસેના વડા એપી સિંહે જણાવ્યું હતું કે ભારતે હવામાં 6 પાકિસ્તાની જેટ વિમાનોને તોડી પાડ્યા હતા અને 10 મેના હુમલામાં જમીન પર પણ પાકિસ્તાનના અનેક વિમાનોને ભારે નુકસાન થયું હતું. સંસદમાં ચર્ચા દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ વિપક્ષને જવાબ આપતા કહ્યું હતું કે કોઈ પણ પરીક્ષામાં 'પરિણામ મહત્ત્વનું હોય છે, પેન્સિલ તૂટી ગઈ કે પેન ખોવાઈ ગઈ' તે નહીં. તેમણે સવાલ કર્યો હતો કે વિપક્ષ ક્યારેય એ કેમ નથી પૂછતો કે પાકિસ્તાને આ સંઘર્ષમાં કેટલા વિમાનો ગુમાવ્યા?

હજુ વધુ રાફેલ ખરીદવાની ભારતની તૈયારી

આવા વિવાદો છતાં ભારત સતત પોતાની હવાઈ શક્તિને વધુ મજબૂત કરી રહ્યું છે. ભારતીય નૌકાદળ માટે 26 રાફેલ વિમાનોના ઓર્ડર પર પહેલાથી જ હસ્તાક્ષર થઈ ચૂક્યા છે. ભારતીય વાયુસેના માટે ફ્રાન્સ પાસેથી વધુ 114 રાફેલ ફાઇટર જેટ ખરીદવાની પ્રક્રિયા પણ વિચારણા હેઠળ છે. સ્પષ્ટ છે કે 10 મે, 2025ના રોજ સરહદ પર ભલે શાંતિ સ્થપાઈ હોય, પરંતુ ખોટી માહિતી અને અપ-પ્રચારનું યુદ્ધ હજુ પણ ચાલુ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત