IND vs NZ / ત્રીજા દિવસે કેએલ રાહુલની શાનદાર સદી, ગિલ અને પડિક્કલે મચાવી ધમાલ; ભારતે મજબૂત લીડ મેળવી

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ વેલિંગ્ટનમાં રમાઈ રહી છે. પહેલા બે દિવસ ભારતના પક્ષમાં હતા. બોલર્સ અને બેટ્સમેન બંનેએ શાનદાર પ્રદર્શન કર્યું. હવે ત્રીજા દિવસની રમત પણ સમાપ્ત થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ ત્રીજા દિવસે જોરદાર પ્રભાવ પાડ્યો. કેએલ રાહુલ, કેપ્ટન શુભમન ગિલ અને દેવદત્ત પડિક્કલે પોતાની બેટિંગથી દિલ જીતી લીધા. રાહુલે શાનદાર સદી ફટકારી, જ્યારે પડિક્કલ અને ગિલે અડધી સદી ફટકારીને તેને સાથ આપ્યો. રિષભ પંત પણ પાછળ ન રહ્યો, તેણે આક્રમક બેટિંગ કરી અને અડધી સદી ફટકારી. ભારતે દિવસના અંતે 4 વિકેટ ગુમાવીને 486 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ મેચની પહેલી ઈનિંગમાં 118 રનની લીડ મેળવી લીધી છે. પંત 55 રન સાથે ક્રીઝ પર અણનમ છે, જ્યારે અંશુલ કંબોજે પોતાનું ખાતું નથી ખોલ્યું.
કેએલ રાહુલ, શુભમન ગિલ અને દેવદત્ત પડિકલે શાનદાર ઈનિંગ રમી
બીજા દિવસના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાએ એક વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા. ત્રીજા દિવસે રાહુલ અને પડિક્કલે ઈનિંગને સ્થિર કરી. રાહુલે શાનદાર સદી ફટકારી અને અનેક રેકોર્ડ બનાવ્યા. રાહુલે 207 બોલમાં પોતાની સદી પૂરી કરી. તે 290 બોલમાં 136 રન બનાવીને આઉટ થયો. તેણે પોતાની ઈનિંગમાં નવ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. પડિક્કલે પણ 175 બોલમાં 80 રનની શાનદાર ઈનિંગ રમી. બંનેએ 165 રનની પાર્રીટનરશિપ કરી. કેપ્ટન શુભમન ગિલ મેદાનમાં આવ્યો અને તેણે પણ સારી બેટિંગ કરી. દિવસની રમત પૂરી થાય તે પહેલા તે 98 રન બનાવીને આઉટ થયો. જેકબ ડફીએ તેની વિકેટ લીધી. ગિલે તેની ઈનિંગમાં 9 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા, તે સદી ચૂકી ગયો.
પંતે આક્રમક બેટિંગ કરી
ઈજામાંથી વાપસી કરી રહેલો રિષભ પંત પણ પાછળ ન રહ્યો. તેણે પણ તક ઝડપી લીધી. પંતે આવતાની સાથે જ આક્રમક બેટિંગ કરી. તેણે મેદાનની ચારે બાજુ શાનદાર શોટ માર્યા. તેણે 55 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. અત્યાર સુધી તેણે પોતાની ઈનિંગમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા છે. પંત હવે ચોથા દિવસે ન્યુઝીલેન્ડ સામે શાનદાર સદી ફટકારીને ટીમ ઈન્ડિયાની લીડને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે. અંશુલ કંબોજ પણ તેની સાથે છે. વોશિંગ્ટન સુંદર અને ધ્રુવ જુરેલ પણ હજુ નથી રમ્યા. ટીમ ઈન્ડિયા લીડને 200થી વધુ સુધી વધારીને ન્યુઝીલેન્ડ પર દબાણ લાવી શકે છે.








