IND vs NZ / ભારતના ટોપ 4 બેટ્સમેનોનું કારનામું, એશિયાની બહાર 20 વર્ષ બાદ પહેલીવાર બધાએ બનાવ્યો 50થી વધુનો સ્કોર

ભારતીય બેટ્સમેનોએ વેલિંગ્ટનમાં ન્યુઝીલેન્ડ સામે સારું પ્રદર્શન કર્યું છે. પ્રથમ બેટિંગ કરતા, ન્યુઝીલેન્ડે તેની પ્રથમ ઈનિંગમાં 368 રન બનાવ્યા, જવાબમાં ભારતે પ્રથમ ઈનિંગની લીડ મેળવી લીધી. ભારતના ટોપ 4 બેટ્સમેનોએ એક જ ટેસ્ટ ઈનિંગમાં 50+ રન બનાવ્યા છે, જે એક અનોખો રેકોર્ડ છે. 2006 પછી આ પહેલીવાર છે જ્યારે ટીમ ઈન્ડિયાના ટોપ 4 બેટ્સમેનોએ એશિયાની બહાર 50 કે તેથી વધુ રન બનાવ્યા છે.
આ મેચમાં ભારતના ટોપ 4 બેટ્સમેનોએ સંયુક્ત રીતે આ સિદ્ધિ હાંસલ કરી છે. ભારત માટે આ પહેલા એશિયાની બહાર આ કારનામું 2006માં થયું હતું, જ્યારે વસીમ જાફર, વીરેન્દ્ર સેહવાગ, વીવીએસ લક્ષ્મણ અને રાહુલ દ્રવિડે એક ઈનિંગમાં 50થી વધુનો સ્કોર બનાવ્યો હતો. વસીમ જાફરે 54, સેહવાગ 65, વીવીએસ લક્ષ્મણ 63 અને રાહુલ દ્રવિડે 68 રન બનાવ્યા હતા. ભારતના ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં આ 12મો પ્રસંગ છે જ્યારે ભારતના ટોપ 4 બેટ્સમેનોએ એક ટેસ્ટ ઈનિંગમાં 50થી વધુનો સ્કોર બનાવ્યો છે.
ભારતીય બેટ્સમેનોએ તાકાત બતાવી, 400થી વધુનો સ્કોર બનાવ્યો
ગુરુવારથી શરૂ થયેલી મેચમાં ભારતે બીજી બેટિંગ કરતા 400થી વધુનો સ્કોર બનાવી લીધા છે. ઓપનર યશસ્વી જયસ્વાલના 89 બોલમાં 85 રનમાં 16 ચોગ્ગાનો સમાવેશ થાય છે. ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 130 રનની પાર્ટનરશિપ કરી. રાહુલે શાનદાર સદી ફટકારી. તેણે સમગ્ર મેચ દરમિયાન સંયમ દર્શાવ્યો. રાહુલે આ મેચની પ્રથમ ઈનિંગમાં 290 બોલનો સામનો કરીને 136 રન બનાવ્યા. તેણે 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. જયસ્વાલના રૂપમાં પહેલી વિકેટ પડ્યા બાદ, દેવદત્ત પડિક્કલ અને કેએલ રાહુલે બીજી વિકેટ માટે 165 રનની પાર્ટનરશિપ નોંધાવી. દેવદત્ત પડિક્કલ સદી ચૂકી ગયો. તેણે 175 બોલમાં 80 રન બનાવ્યા, જેમાં 10 ચોગ્ગાનો સમાવેશ થાય છે અને પછી કાયલ જેમીસનનો શિકાર બન્યો.
કેપ્ટન શુભમન ગિલ પણ પોતાની સદી ચૂકી ગયો અને 146 બોલમાં 98 રન બનાવીને આઉટ થયો, આ ઈનિંગમાં તેણે 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. ભારત મજબૂત સ્થિતિમાં છે. તે જોવાનું રસપ્રદ રહેશે કે સ્કોર ક્યાં સુધી પહોંચે છે.








